Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગોંડલ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ફોર્મ રજૂ : કોંગ્રેસ પણ મેદાનમાં

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિભાગ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ અને વેપારી વિભાગ માંથી ૧૬ ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ ૧૫ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભાજપના ગઢ નો મુખ્ય અંગ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનાર હોય ભાજપ પ્રેરિત ઉમેદવારોએ પ્રદેશ સંગઠન તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સુચના મુજબ ખેડૂતો વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષભાઈ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ દ્યોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગ માંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી સોળ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી વી આર કપુરીયાને રજુ કરવામાં આવ્યા હતા, આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, પૂર્વ મંત્રી આરડીસી બેંક ચેરમેન ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો દ્વારા ૧૫ ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જે સાંજ સુધીમાં ચૂંટણી અધિકારીને રજૂ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસનો દિવ્યાંગ યુવાનને કડવો અનુભવ

સ્ટેશન પ્લોટ ખાતે રહેતા હિતેશભાઈ અંબાલાલ બોરડ નામના દિવ્યાંગ યુવાનનું હેડ પોસ્ટ ઓફિસ ગોંડલમાં છેલ્લા દસ વર્ષથી એચ.ઓ.ડી sbi એકાઉન્ટ ઉપરાંત એમ આઈ એસ ખાતું હોય અને તેમાં મૂડીરોકાણ કરી તેના થકી આવકથી ઘર ગુજરાન ચલાવતા હોય છેલ્લા કેટલાક સમયથી તેઓ હેડ પોસ્ટ ઓફિસ ખાતે એકાઉન્ટમાંથી નાણા ઉપાડવા જાય ત્યારે કાઉન્ટર ઉપરના કર્મચારીઓ દ્વારા કનેકટીવીટી ન હોવાનું જણાવી ધક્કા ખવડાવવામાં આવતા હોય કડવો અનુભવ થતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

(12:26 pm IST)