Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પોરબંદર - લાલપુર અને જામનગરમાં ભૂકંપના ૮ આંચકા

લાંબા સમય પછી સૌરાષ્ટ્રની ધરતીમાં ધ્રૂજારી આવતા લોકોમાં ફફડાટ

રાજકોટ તા. ૧ : સૌરાષ્ટ્રમાં લાંબા સમય પછી ગત રાત્રીથી આજ સવાર સુધીમાં ભૂકંપના ૮ આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે આંચકાની તીવ્રતા સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે રાત્રીના ૧૨.૪૯ વાગ્યે પોરબંદરથી ૩૫ કિલોમીટર દુર ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ ૧૨.૫૩ વાગ્યે ૨.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી ૩૫ કિલોમીટર દૂર હતું. જ્યારે રાત્રીના ૨.૨૭ વાગ્યે ફરી પાછો પોરબંદરમાં ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી ૨૩ કિલોમીટર દૂર હતું.

જામનગર જિલ્લામાં પણ ભૂકંપના ચાર આંચકા અનુભવાયા હતા. જેમાં રાત્રીના ૧.૫૦ વાગ્યે ૧.૦૭ની તીવ્રતાનો, ૧.૫૯ વાગ્યે ૧.૦૯ની તીવ્રતાનો અને રાત્રીના ૨.૦૩ વાગ્યે ૧.૦૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જામનગર જિલ્લાના લાલપુરમાં નોંધાયો હતો.

જ્યારે આજે સવારે ૬.૪૦ વાગ્યે જામનગરથી ૨૦ કિ.મી. દુર ૧.૦૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપના આંચકા હળવા હોવાથી અને મોડી રાત્રીથી સવાર સુધીમાં અનુભવાયા હોવાથી લોકોને ખાસ અસર થઇ નથી અને અનુભવ પણ થયો નથી.

(12:29 pm IST)