Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સાવરકુંડલામાં સંધી મુસ્લિમ સમાજ દ્વારા શૈક્ષણિક સેમીનાર યોજાયો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧: સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે તેમજ ખાસ તો જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી, સંધી મુસ્લિમ સમાજ, સાવરકુંડલા શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સેમિનારમાં સી.આર.સી. ગુલઝારભાઈ રાઠોડે પ્રાથમિક શાળા શિક્ષણના મહત્વની સમજ અને સી.આર.સી. મુસ્તાકભાઈ જાદવે સમાજમાં શિક્ષણની જરૂરીયાત/મહત્વ અંગે વાત કરેલ હતી. પ્રા. શિક્ષક સિરાજભાઈ ગામેતીએ બાળકના શિક્ષણ અંગે વાલીની ફરજો વિશે માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા યુવા વિકાસ અધીકારી અશરફ્ભાઈ કુરેશીએ જવાહર નવોદય વિદ્યાલયની માહિતી આપી હતી. હાઈ શિક્ષક યુનુસભાઈ પરમારે જ.ન.વિ.નું ફોર્મ ભરવાની પ્રક્રિયાની સમજ આપી જયારે પ્રોફેસર અલારખભાઈ કુરેશીએઙ્ગ જ.ન.વિ.ની પ્રવેશ પરીક્ષાની તૈયારી કેમ કરવી તે અંગે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.

કાર્યક્રમના અંતે સંધી સમાજના પ્રમુખ અલીભાઈ જાખરાએ સર્વે વકતાઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શફીભાઈ જીરૂકાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સર્વે કારોબારી સભ્યોએ મહેનત કરી હતી.

આ સેમીનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી તેમજ આવા કાર્યક્રમો સમયાંતરે થતાં રહે તેવી લાગણી વ્યકત કરી હતી.

(1:03 pm IST)