Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કેશોદ પંથકમાં ૪૫ ઈંચ વરસાદ પડતાં બે બે વખત ઘેડ વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧: કેશોદ શહેર તાલુકામાં આ વર્ષે ચોમાસામાં મોસમનો કુલ વરસાદ ૪૫ ઈંચ જેટલો પડતાં ઘેડ પંથકમાં ખેતી ને ભારે નુકસાન થયું છે. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી સાબળી નદી, ઓઝત નદી અને મધુવંતી નદી ઉપરાંત ઉતાવળીયો નદી અને ટીલોળી નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પુર આવતાં પાણી ફરી વળેલ છે.

ગત બુધવારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવતાં ઓઝત નદી અને સાબળી નદી માં દ્યોડાપૂર આવતાં અન્ય મધુવંતી નદી, ઉતાવળીયો નદી અને ટીલોળી નદી નાં પાણી ભળી ન શકતાં ફંટાઈને ખેતરોમાં ફરી વળ્યા હતા. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવા માટેના નદીઓ અને વોકળાઓ પર પુલ બાંધવાને બદલે હજુ પણ આઝાદી સમયનાં કોઝવે હોય પુરની સ્થિતિ સર્જાઈ એટલે વાહનવ્યવહાર અટકી જાય છે.

કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં પુલના કામો મંજૂર કરવામાં આવ્યાં હોવાં છતાં કરવામાં ન આવતાં હોવાની ફરીયાદો ઉઠી હતી. કેશોદ તાલુકાને જોડતાં રસ્તાઓ પર નવાં પુલો બનાવવામાં આવે તો જનજીવન ખોરવાતું અટકી શકે અને ચોમાસામાં જરૂરી સહાય કામગીરી સહેલાઈથી ઝડપી થઈ શકે.

કેશોદ તાલુકાનાં ઘેડ વિસ્તારમાં ભાદરવા માસની શરૂઆતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી ત્યારે ફરીથી ભારે વરસાદને કારણે બીજી વખત ખેતરોમાં પાણી ફરી વળતાં ઠેર-ઠેર જમીનોનું ધોવાણ થયું છે. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી સાબળી નદી, ઓઝત નદી, ઉતાવળીયો નદી,ટીલોળી નદી અને મધુવંતી નદીને ઊંડી ઉતારી પહોળી કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થતાં અટકી શકે એવું છે.

(1:12 pm IST)