Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સોરઠમાં આખરે ઉઘાડ, ઘેડ પંથકમાં વરસાદી પાણી યથાવત

ખેતીના પાકનું મોટા પાયે ધોવાણ : આજે પણ ૧૩ ડેમમાં ૧૦૦ ટકા પાણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૧ : સોરઠમાં આજે સવારે સવારથી ઉઘાડ નીકળતા લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ બુધવારે પડેલા ત્યારે વરસાદથી ઘેડ પંથકમાં પાણી આજે પણ યથાવત રહ્યા છે.

જુનાગઢ સહિત સોરઠમાં ગઇકાલ સાંજથી મેઘસવારી થંભી ગઇ છે. આજે સવારથી સમગ્ર પ્રદેશમાં સુર્ય નારાયણના દર્શન સાથે ઉઘાડ નીકળ્યો છે. મેઘરાજાએ વિદાય લેતા સુષ્ટિએ રાહત અનુભવી છે.

બીજી તરફ જુનાગઢ જિલ્લાના કેશોદ તેમજ માણાવદર પાસેના ઘેડ  પંથકમાં બુધવારે પડેલા ત્યારે વરસાદથી તારાજી સર્જાઇ છે. જુનાગઢ તેમજ પોરબંદર જિલ્લામાં આવેલા ઘેડના પર ગામો બેટમાં ફેરવાયા ગયા હતા તેમજ ભાદર, ઓઝત, સાબલી, ઉલેણ અને મધુવંતી નદીનું ૧,ર૧,૧૮૩ કયુસેક પાણી ઠલવાતા ખેતીના પાકનું ધોવાણ થઇ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ ઘેડમાં બે થી ત્રણ દિવસ અને વરસાદ ચાલુ હોય તો સાત દિવસ સુધી પાણી ભરાયેલુ રહે છે. રહે છે.આમ હજુ ઘેડ પંથકમાંથી પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી વધી છે.

કેટલાંક ગ્રામ્ય વિસ્તારો પુલ-રસ્તાનું ધોવાણ થઇ જતા આજે પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ જુનાગઢ જિલ્લાના કુલ ૧૭ ડેમમાંથી ૧૩ ડેમમાં અત્યારે પણ ૧૦૦ ટકા પાણીનો જથ્થો યથાવત રહ્યો છે જેનાં પરિણામે આંબાજળ, ધ્રાકડ તથા સાબલી ડેમનો એક એક દરવાજો, તેમજ ઓઝત શાપુરના પાંચ તથા ઓઝત વંથલી ડેમના છ દરવાજા આજે પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

જયારે વૃજની તથા બાંટવા ખારો અને ઓઝત-બે ડેમના બે-બે દરવાજા ખુલ્લા રાખી જળાશયમાંથી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. 

(1:13 pm IST)