Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમરેલીના જીરા ગામ નજીક ખેતર ફરતે ગોઠવાયેલ વીજતાર અડી જતા સિંહણનું મોત

વાડીમાં ભાગીદાર તરીકે કામ કરતા મૂળ એમપીના શખ્શની અટકાયત : અમદાવાદ રહેતા વાડી માલિકની થશે પૂછપરછ

અમરેલીમાં ખેતરની આસપાસ પશુઓથી રક્ષણ મેળવવા માટે ખેડૂતો દ્વારા વીજતાર બાંધવામાં આવતા હોય છે. ત્યારે એક સિંહણ આ વીજતારને અડી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને સિંહણના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ગેરકાયદે વીજતાર ગોઠવનાર વાડીના ભાગીદાર તરીકે કામ કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, જીરા ગામ નજીક મુકેશભાઈ બાંભરોલીયાની પોતાની ખેતીની જમીનમાં કપાસની વાવણી કરે છે. જેથી તેઓએ પોતાના ખેતકની ચારેબાજુ પશુથી રક્ષણ મેળવવા માટે વીજતાર બાંધ્યા હતા. ગઈકાલે ગુરૂવારે સિંહણનો મૃતદેહ તેમના ખેતર પાસેથી મળી આવ્યો હતો. જેથી વનવિભાગ દ્વારા પીજીવીસીએલના નાયબ ઈજનેર સહિત સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મામલે વાડીમાં ભાગીદાર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના જીથરાભાઈ નાથુરભાઈ ભીલની અટકાયત કરવામા આવી છે. વનવિભાગે સિંહણનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો છે.

વાડી માલિક મુકેશભાઈ કનુભાઈ બાંભરોલીયા અમદાવાદ રહેતા હોવાને કારણે વનવિભાગ દ્વારા તેમને પણ બોલાવ્યાં છે. તેની વનવિભાગ દ્વાર પૂછપરછ કરવામાં આવશે. ત્યારે હાલ આ ઘટના અંગે વધુ પુરાવા શોધવા વન વિભાગે કવાયત હાથ ધરી છે.

(9:40 pm IST)