Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

એસટી વર્કશોપ પાછળના આંબેડકરનગરમાં દર્શન અને અતુલની ગુંડાગીરી 'તું મકાન ખાલી કરી ભાગી જા કાં અમને સસ્તામાં વેંચી દે' કહી દેવેન્દ્રભાઇના બંને હાથ ભાંગી નાંખ્યા

ઍસટી વર્કશોપ પાછળના આંબેડકરનગરમાં દર્શન અને અતુલની ગુંડાગીરી : હોર્ડિંગ્સ લગાવવાનું કામ કરતાં આધેડ હોસ્પિટલના બિછાનેઃ પડોશીએ જ હીચકારો હુમલો કર્યોઃ માલવીયાનગર પીઆઇ આઇ. એન. સાવલીયા અને ટીમની બંને આરોપીને ઝડપી લેવા તજવીજ

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં અને હોર્ડિંગ્સ લગાડવાનું કામ કરતાં વણકર આધેડ પર બે શખ્સોએ મકાન ખાલી કરી ભાગી જવાનું કહી પાઇપથી આડેધડ ઘા ફટકારી બંને હાથ ભાંગી નાંખતા અને માથામાં ઇજા કરી મારીનાંખવાની ધમકી આપતાં આધેડ હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.

આંબેડકરનગર-૨માં સરકારી સ્કૂલ પાસે રહેતાં અને ડ્રાઇવીંગ તેમજ હોર્ડિંગ્સ લગાડવાનું કામ કરતાં દેવેન્દ્રભાઇ છગનભાઇ ચાવડા (વણકર) (ઉ.વ.૪૫) સાંજે છએક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે તેન જ પડોશમાં રહેતાં દર્શન રસિકભાઇ પરમાર અને તેના મિત્ર અતુલ નરેશભાઇએ મળી ગાળો દઇ પાઇપથી હુમલો કરી બંને હાથ ભાંગી નાંખતા અને માથામાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે માલવીયાનગર પોલીસે દેવેન્દ્રભાઇની ફરિયાદ પરથી બંને શખ્સો વિરૃધ્ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડની તજવીજ આદરી છે.

દેવેન્દ્રભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે પુત્ર છે. સાંજે સાડા પાંચેક વાગ્યે હું ઘરે આવ્યો હતો. હું મહિન્દ્રા ગાડીમાં જાહેરાતના બોર્ડ ભરી તે જુદા જુદા સ્થળે લગાવવાના હોય ત્યાં પહોંચાડવાનું કામ કરુ છું. આ ગાડી મેં ઘર નજીક સરકારી શાળા પાસે રાખી હોઇ તે લેવા માટે ગયો ત્યારે પડોશી દર્શન પરમાર અને તેના મિત્ર અતુલે મારી પાસે આવી ઉભો રાખી કહેલું કે-તારું મકાન ખાલી કરીને જતો રહે અથવા તો અમને સસ્તામાં આપી દે તેમ કહ્યું હતું. આથી મેં તેને મારે મકાન વેંચવાનું નથી તેમ જણાવતાં દર્શન મને ગાળો દેવા માંડ્યો હતો. મેં તેને ઝઘડો કરવાની ના પાડતાં દર્શને લોખંડના પાઇપના ઘા મારા બંને હાથ પર ફટકારતાં હું પડી ગયો હતો.

ત્યારબાદ મને માથા, શરીરે ઘા માર્યો હતો. અતુલે ઢીકાપાટુ પણ માર્યા હતાં. તેમજ આજે તો દેવેન્દ્રને જાનથી મારી જ નાંખવો છે તેમ કહી વધુ માર માર્યો હતો.માણસો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ આવતાં મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.  દેવેન્દ્રભાઇએ વધુમાં કહ્યું હતું કે મારી સામે જ રહેતાં દર્શન અને તેના મિત્રને મારુ મકાન સસ્તામાં પડાવી લેવું હોઇ મેં વેંચવાની ના પાડતાં બંનેએ ગુંડાગીરી આચરી મારા બંને હાથ ભાંગી નાંખ્યા હતાં અને મુંઢ માર પણ માર્યો હતો.

પીઆઇ આઇ. એન. સાવલીયા અને રાઇટર શૈલેષભાઇ ખીહડીયા અને દિપકભાઇએ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)