Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પોરબંદર પાલિકા ટી.પી.કમિટીના ચેરમેન સહિત ૬ સભ્યોને ગેરકાયદે બાંધકામની મંજુરીઓ આપવા સામે કારણ દર્શક નોટીસો

નગર પાલિકામાં બહુમતીના જોર તથા ના મંજૂરના અભિપ્રાયોને ધ્યાને લીધા વિના બાંધકામ મંજુરીની ફરિયાદો બાદ ગાંધીનગરથી મ્યુનિસીપલ એડમીની સ્ટ્રેશન કમીશનર દ્વારા કાર્યવાહી

 

(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા)  પોરબંદર તા. ૧: નગરપાલીકામાં બહુમતીના જોરે તથા ના મંજુર અભિપ્રાયોને ધ્યાને લીધા વિના ટાઉન પ્લાનિંગ કમીટીના ચેરમેન સહિત ૬ સભ્યોને ગાંધીનગરથી મ્યુનિસીપલ એડમીનીસ્ટ્રેશન કમિશનર દ્વારા કારણ દર્શક નોટીસો આપીને ખુલાસો કરવા જણાવ્યું છે.

નગરપાલીકાની ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન સહિત છ સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે જેમાં મ્યુનસીપલ કમીશ્નરે એવો હુકમ કર્યો છે કે બહુમતિના જોરે ઠરાવ કરી નામંજુર અભિપ્રાયને અવગણીને બાંધકામની પરવાનગી આપી હોવાની ફરીયાદ થતા હોદા પરથી શા માટે દૂર ન કરવા ? તેની સુનાવણી ત્રીજી નવેમ્બરે થશે. કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે, પોરબંદર નગરપાલિકાના પદાધિકારીઓના ભ્રષ્ટાચારનો ભાંડો અંતે ફુટયો છે. ત્યારે સતાધીશોની મિલ્કતોની પણ તપાસ કરવી જરૃરી બની છે.ગાંધીનગરથી મ્યુનીસીપાલ એડમીનીસ્ટ્રેશન કમીશ્નર દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૭ હેઠળ કાર્યવાહી કરવા અંગે ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન કેશુભાઇ સવદાસભાઇ બોખીરીયા અને પાંચ સભ્યો મધુબેન સતીષભાઇ જોશી, ગંગાબેન નાનજીભાઇ કાણકીયા, લાભુબેન માધવજીભાઇ મકવાણા, હાર્દિક મુકુંદભાઇ લાખાણી અને પાયલબેન અજયભાઇ બાપોદરાને કારણદર્શક નોટીસ પાઠવામાં આવી છે અને ખુલાસો કરવા જણાવ્યું છે.

પોરબંદર જીલ્લા કોંગ્રેસના સમિતીના પ્રમુખ રામભાઇ મેપાભાઇ ઓડેદરા, પોરબંદર શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ અતુલભાઇ કારીયા, પોરબંદર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર અને નગરપાલીકાના વિરોધપક્ષના ઇન્ચાર્જ નેતા ફારૃકભાઇ સુર્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વમંત્રી રામદેવભાઇ મોઢવાડીયાએ નિવેદનમા જણાવ્યું છે કે આખા ગુજરાતમાં રહેણાંક હેતુના મકાન અને રહેણાંક હેતુ માટે મોટા રૃપિયા લેવાઇ રહ્યા છે રહેણાંક હેતુના ફલેટમાં ૧ ફલેટના પ૦,૦૦૦ રૃા. અને રહેણાક હેતુ માટે નાના લોકોના પ્રધાનમંત્રીની અર્ફેડેબલ મકાનોમાં ૩૦,૦૦૦ રૃા.ની કટકી કરીને પ્રજાના કરોડો રૃપિયા ભેગા કરેલ છે. તેઓની મિલ્કતની તપાસની માંગણી કરતા જણાવ્યું છે કે, ટાઉન પ્લાનીંગ કમીટીની કટકી ફલેટ અને અર્ફોડેબલ બ્લોક ખરીદનાર લાભાર્થીઓની કેડેરમાં આવે છે. ટાઉન પ્લાનીંગ કમીટીની કટકીમાંથી આગેવાનોના નવા બંગલાઓ, ફલેટો અને ફાર્મ હાઉસો બન્યા છ.ે

નગરપાલિકા ટી.પી.કમીટીના ચેરમેન તથા ૬ સભ્યોને પાઠવેલી કારણ દર્શન નોટીસમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ છે કે, પોરબંદર નગરપાલીકાનીઆયોજન સમીતીની મીટીંગોમાં વિકાસ પરવાનગીના પ્રકરણોમાં ચીફ ઓફીસર અને નગર નિયોજકના ના મંજુરના અભિપ્રાય તેમજ કાયદા, નિયમો અને વિનિયમોની જોગવાઇ વિરૃધ્ધ ચૂંટાયેલા સભ્યો દ્વારા બહુમતીના જોરે ઠરાવ કરી અને ચેરમેનની સહીથી પરવાનગી આપવામાં હોવાથી તમારી વિરૃધ્ધ ગુજરાત નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૭ હેઠળ પગલા લેવા પ્રાદેશિક કમિશનર, નગરપાલીકાઓ રાજકોટના તા.પ/૯/રર ના પત્રથી નીચેની વિગતે અહેવાલ આપવામાં આવેલ છ.ે

પોરબંદર છાયા નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં. ૧, તા.૬/૪/ર૦ર૧ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કમલ ૬ હેઠળ રચાયેલી આયોજન સમિતિ દ્વારા કલમ-૭૪માં નિર્દિષ્ટ કરેલ સત્તા અને કાર્યો અન્વયે આયોજન સમિતિની બેઠકોમાં પરવાનગીના પ્રકરણોમાં ચૂંટાયેલ સભ્યો દ્વારા કાયદા, નિયમો, અને વિનિયમોની જોગવાઇ વિરૃધ્ધ તેમજ ચીફ ઓફીસર અને નગર નિયોજકના નામંજુરના અભિપ્રાયને અવગણીને ફકત બહુમતીના જોરે ઠરાવ કરી વિકાસ પરવાનગીઓ મંજુર કરી મંજુર થયેલ પરવાનગીઓ ચેરમેનની સહીથી આપવામાં આવેલ છે.

આ હકીકત જોતા તમારી વિરૃધ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-૩૭ (૧) હેઠળ પગલા લઇને તમોનેનગરપાલીકાના સભ્યપદેથી દુર કેમ ન કરવા ? જે અન્વયે કારણદર્શક નોટીસની આગામી સુનાવણી તા.૩/૧૧/રરના રોજ ૧પ-૩૦ કલાકે નિયત કરવામાં આવેલ છે તો સુનાવણી સમયે જાતે અગર અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહી જે કંઇ રજુઆત કરવા માંગતા હોય તો રજુઆત કરવાનું જણાવવામાં આવે છે નિયત મુદતે હાજર રહીને જો કોઇ જવાબ કરવામાં આવશે નહી તો આ અંગે આપને કંઇ કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેશો. તેમજ આ અંગે વધારામાં રેકર્ડની નકલોની જરૃર હોય તો જરૃરી ફી ભરેથી પુરી પાડવા ચીફ ઓફીસર પોરબંદરને અધિકૃત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

(1:36 pm IST)