Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વર્ષો જૂનું પોતાના ઘરનું સ્‍વપ્ન સાકાર કરવા નરેન્‍દ્રભાઇનો ખૂબ ખૂબ આભાર : જ્‍યોત્‍સનાબા (લાભાર્થી)

નરેન્‍દ્રભાઈ મોદીએ જાંબુડા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થી સાથે સંવાદ કર્યો : અંબાજી ખાતેથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ૬૧૦૦૦થી વધુ આવાસોનાં ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧ :  સપ્‍ટેમ્‍બર વડા પ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ અંબાજી ખાતેથી અંદાજિત રૂ.૬૯૦૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ઇ -લોકાર્પણ અને ઇ - ખાતમુહૂર્ત કર્યું હતું.  ગુજરાત રાજ્‍યના ૬૧૦૦૦ થી વધુ આવાસોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું.  જે પૈકી જામનગર જિલ્લાના ૨૨ આવસોનું પણ ઈ- લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. બાદમાં વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે વડા પ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીએ સંવાદ કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી.

 જામનગર જિલ્લાના જાંબુડા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થી જ્‍યોત્‍સનાબા સબરવસિંહ ઝાલા સાથે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સંવાદ કરી ઘર નું ઘર મળવાનું સ્‍વપ્‍ન પૂર્ણ થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન જ્‍યોત્‍સનાબાએ વડાપ્રધાનને પ્રત્‍યુતર આપતા જણાવ્‍યું હતું કે, મને સરકાર દ્વારા આપવામાં આવેલ રૂ.૧લાખ ૨૦હજારની સહાય મળતા આજે મારૂ પોતાનું ઘર બનાવવાનું સ્‍વપન પૂર્ણ થયું છે. હું ઘર કામ કરૂ છું. અમારા પરિવારમાં ૪ સભ્‍યો છે. ઘણા વર્ષોથી અમે કાચા મકાનમાં રહેતા હતા અને હવે અમને સરસ ઘર મળ્‍યું છે. હું મારા સમગ્ર પરિવાર વતી તમારો તેમજ સરકારનો આભાર વ્‍યક્‍ત કરૂ છું. અમારૂ સ્‍વપ્‍ન સાકાર થવા બદલ અમે પરિવારના બધા સભ્‍યો ખૂબ ખુશ છીએ.

 જ્‍યોત્‍સનાબાએ વધુમાં જણાવ્‍યું હતું કે સરકારની સહાયથી મારા ઘરમાં શૌચાલય, પીવાનાં પાણીની અને વીજળીની તમામ પ્રકારની સુવિધાઓ છે. મને આપણા દેશના વડા પ્રધાન  સાથે વાત કરવાનો મોકો મળ્‍યો તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરું છું.

 વડાપ્રધાનનાં અંબાજી ખાતેનાં પ્રોગ્રામનું જાંબુડા ગામે જીવંત પ્રસાર રજૂ કરવામાં આવ્‍યું હતું. આ પ્રોગ્રામને સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઇ ચનિયારા,  રમેશભાઈ મુંગરા, કલેકટર   ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી   મિહિર પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોએ નિહાળ્‍યો હતો. અને તમામ મહાનુભાવોએ જ્‍યોત્‍સનાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:47 pm IST)