Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠુ : ખાંભામાં ૧ ઇંચઃ બર્ફીલો પવન

અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ જીલ્લામાં હળવો-ભારે વરસાદઃ ઠંડીની વ્યાપક અસરઃ માછીમારોને ચેતવણીઃ માર્કેટયાર્ડોમાં જણસીને સલામત સ્થળે ખસેડાઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો : ખેડૂતોમાં ચિંતાનો વાદળો છવાયાઃ ગોંડલ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. આજે સવારથી સર્વત્ર વાદળા છવાઇ ગયા છે ને ઠંડકનો અનુભવ પણ થઇ રહ્યો છે. મિશ્ર વાતાવરણ સાથે વરસાદ પડે તેવી શકયતા છે. વીડિયોમાં ગોંડલમાં સવારથી વાદળિયુ વાતાવરણ છવાયું તે નજરે પડે છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં આટકોટમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)
રાજકોટ, તા., ૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાદળા સાથે અનેક જગ્યાએ માવઠુ વરસતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આજે સવારથી અમરેલી, સાવરકુંડલા, બોટાદ, ભાવનગર સહીતના વિસ્તારોમાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે.
આજે અમરેલી જીલ્લાના ખાંભામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે સાવરકુંડલા, અમરેલી, લીલીયા, ગારીયાધાર, જેસર, તળાજા, ભાવનગર, વલ્લભીપુર, શિહોર, પાલીતાણામાં ઝાપટારૂપે વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આજથી ર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર અને ઉંતર ગુજરાતમાં પણ માવઠાની આગાહીના પગલે હાથ ખેડુતોને સિંચાઇ ના કરવા પણ અપીલ કરાઇ છે. ખેડુતોએ તૈયાર પાક યોગ્ય સ્થાને મુકવા, પાકને નુકશાન ન થાય તે માટે સાવચેતી રાખવા અને નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સુચના અપાઇ છે. આજે રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજયમાં વરસાદ પડશે તો આવતીકાલે ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને પણ ડિસેમ્બર સુધી દરીયો ન ખેડવા સુચના અપાઇ છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં આજે સવારથી વાદળા છવાયા છે અને ઝાપટા રૂપે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સાવરકુંડલા
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : ગુજરાતમાં હવામાન પલ્ટાવાની હવામાન ખાતાની આગ્રાહી મુજબ જ ગઇકાલ મંગળવાર રાત્રીનાં દસ વાગ્યાથી સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આખી રાત ધીમી ધારે વરસાદ વરસતા અગાસી ઉંપરથી પાણી વહેતા રહ્યા હતા તો રોડ ઉંપર પણ સતત ધીમુ ધીમુ પાણી દોડી રહ્યું હતું. હજી પણ વાતાવરણ વાદળછાયુ છે. વરસાદી માહોલ સાથે ઠંડીનું પણ પ્રમાણ જળવાઇ રહયું છે. જેથી મીશ્ર ઙ્ગતુનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. મિશ્ર ઙ્ગતુના કારણે હવે પછી શરદી - ઉંધરસનો કેસો વધી શકે તેવી દહેશત અનુભવી લોકો વ્યકત કરી રહ્યા છે.
જુનાગઢ
સોરઠમાં કમોસમી વરસાદનો છાંટા વચ્ચે સવારથી વાતાવરણ બર્ફીલુ થઇ ગયુ છે. જો કે લઘુતમ તાપમાન ર૦.૩ ડીગ્રી રહેવા છતાં ગુલાબી ઠંડી વધી છે.
ગઇકાલથી જૂનાગઢ સહિતનો વિસ્તારોનાં વાતાવરણમાં આવેલો પલટો આજે સવારે પણ યથાવત રહ્યો હતો.  વહેલી સવારે વરસાદનાં છાંટા વરસતા માટીની મહેક પ્રસરી ગઇ હતી.
સવારથી આકાશમાં વાદળાનું સામ્રાજય હોવાથી સૂર્યનારાયણ પણ નિકળી શકયા ન હતાં. આજનાં વાતાવરણથી દિવસ દરમ્યાન માવઠુ થવાની શકયતા પ્રવર્તે છે.
સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૦.૩ ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિ. મી.ની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૧ મહત્તમ, ૧૮.પ લઘુતમ ૬૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ વીરનગર જીવાપર જંગવડ પીપળીયા ગુદાળા  ચિતલીયા આજુબાજુ ગામમાં કમોસમી માવઠું ની અસર દેખાય હતી આટકોટ રાત્રે બે વાગ્યે વરસાદ પડ્યો હતો રસતા પર થી પાણી નિકળી ગયા હતા  કમોસમી વરસાદ થી કપાસ તથા  શિયાળું પાક ને નુકસાની ની ભીતી છવાઈ છે ચણાના પાક ધોવાઈ તો ચણાના પાક નુકસાન થાય તેવું ખેડુતો જણાવ્યું હતું  આટકોટમા રાત્રે બે વાગ્યે વરસાદી ઝાપટું પડયું હતું રસ્તા ભીના થયા હતા  હવામાન વિભાગે આગાહી પમાણે કમોસમી વરસાદ આગાહી આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાંળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અંધારું છવાઈ ગયું હતું , સૂર્યનારાયણ દર્શન થયા ન હતા ઠંડી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોય ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળી,મરચા સહીત અન્ય જણસીઓને નુકસાનના થાય તેનુ આગોતરુ આયોજન કરાયુ છે.
યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું કે માવઠા ની આગાહી ધ્યાને લઈ ને તમામ કમીશન એજન્ટો,વેપારીઓ ને ત્રણ દિવસ કોઇ માલ ની ખરીદી નહીં કરવા તાકીદ કરાઇ છે.ઉંપરાંત ત્રણ દિવસ કોઇ પણ જણસીઓ વેચાણ માટે નહી લાવવા ખેડૂતો ને જણાવી યાર્ડ મા મનાઇ કરાઇ છે.વધુમા ખુલ્લામા પડેલા મગફળી,મરચા,ડુંગળી ને ઢાંકવા જણાવાયું છે.અલબત્ત મોટાભાગની જણસો સેડ હેઠળ સલામત હોય નુકસાનની સંભવના નથી.તેવુ જણાવ્યુ હતુ
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લગ્નના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. સિહોર તાલુકાના નાના સુરકા ગામે તો લગ્નના આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડ્યા હતા અને તાડપત્રી સહિતની વસ્તુઓ ગોતવા નીકળવું પડ્યું હતું. આ ઉંપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયાના સમાચાર મળી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇકાલ રાતથી વરસાદી માહોલ ઉંભો થયો છે. આજે સવારે પણ ઝરમર વરસાદ પડયો હતો અને હજુ પણ વરસાદી માહોલ છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા માં ૫ મી.મી., ગારિયાધારમાં ૪ મી.મી. ,ભાવનગરશહેરમાં ૨ મી.મી. જેસરમાં ૩ મી.મી. અને મહુવામાં ૨ મી..મી.વરસાદ નોંધાયો છે.
વરસાદી માહોલને કારણે લગ્નના આયોજનો ખુલ્લા પાર્ટીપ્લોટમાં થયા હોય ત્યાં ભારે મુશ્કેલી ઊંભી થઈ છે અને લોકો હેરાન પરેશાન થયા છે .જયારે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં પણ શિયાળુ પાકને નુકસાન પહોંચે તેમ હોય ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : રાજયમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીના માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવેલ છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદી જણાવે છે કે હવામાન વિભાગ દ્વારા તા. ૩૦-૧૧ થી તા. ૦૨-૧૨ સુધી ઝડપી પવન અને વધુ વરસાદની આગાહી હોય જેથી તા. ૦૧ અને ૦૨ ડીસેમ્બર એમ બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવી છે અન્ય જણસની આવક રાબેતા મુજબ ચાલુ છે જેની તમામ લોકોએ નોંધ લેવી તેમજ એજન્ટ અને વેપારીઓએ પોતાનો માલ પલળે નહિ તેની તકેદારી રાખવા પણ યાર્ડની યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ જૂનાગઢ જીલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના જણાવ્યા અન્વયે આગામી ૫ દિવસ વરસાદની આગાહી હોય આથી ખેડૂતોનો પાક, બિયારણ ન બગડે તે માટે ખેડૂતોએ અગાઉંથી કાળજી રાખવા જણાવ્યું છે.
હાલમાં બીટી કપાસમાં પાક તૈયાર થયેલ હોય તો કપાસની વીણી તાત્કાલિક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો. ખેડૂતો પોતાનો ઉંત્પાદિત થયેલ પાક જેવા કે સોયાબિન, અડદ, મગ, બાજરી, મગફળી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉંનમાં રાખવો.
ઘાસચારો વગેરે પણ ગોડાઉંનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકી તથા તાડપત્રી હાથવગી રાખવી, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાથી ખેત જણસી ઢાંકીને લઇ જવી એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉંનમાં રાખવા વેપારીને જણાવાયું છે.
પશુઓ માટેના ઢાળીયા કે કાચા રોડ વ્યવસ્થિત રાખવા ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉંનમાં રાખવો. વરસાદની આગાહીને ધ્યાને લેવા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યસ્થા રાખવી. તેમજ દરેક ગ્રામ સેવકએ તેમના રેન્જના ખેડૂતોને માહિતગાર કરી જરૂરી પ્રચાર-પ્રસાર કરવા જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાએ જણાવ્યું છે.
 

(11:02 am IST)