Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વાંકાનેરના પંચાસીયામાં ધીંગાણું: રાજુ કુંઢીયાની હત્યાઃ ત્રણ ઘાયલ

હત્યાનો ભોગ બનેલા રાજૂના પિતા વલ્લભભાઇ અને બે ભાઇઓ હરેશ તથા બાબુને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા કુટુંબીઓએ જ ઘા કર્યોઃ કુટુંબી સગો ૩૫ વર્ષનો વાંઢો બાલુ ઘરની બારીમાં ડોકીયા કરતો હોઇ ઠપકો આપતાં ચાલતું મનદુઃખ કારણભૂત

હુમલામાં ઘાયલ થયેલા વલ્લભભાઇ કુંઢીયા અને તેના બે પુત્રો હરેશ તથા બાબુને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે

રાજકોટ તા. ૧: વાંકાનેરના પંચાસીયા ગામે રહેતાં દેવીપૂજક વૃધ્ધ અને તેના બે ત્રણ પર કુટુંબી ભાઇએ મનદુઃખનો ખાર રાખી છરી-ધારીયાથી હુમલો કરી ધીંગાણુ કરતાં એક પુત્રની લોથ ઢળી ગઇ હતી. જ્યારે પિતા-બે પુત્રોને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. હુમલાખોર કુટુંબી સગો ઘરની બારીમાં ડોકીયા કરી બહેન દિકરી પર નજર કરતો હોઇ તે બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યાનું બહાર આવ્યુંછે.

જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામે રહેતાં અને છુટક ખેત મજૂરી કરતાં વલ્લભભાઇ નરસીભાઇ કુંઢીયા (દેવીપૂજક) (ઉ.વ.૫૫) પર સાંજે આઠેક વાગ્યે તેના જ ગામમાં રહેતાં કુટુંબી ભાઇ બાલુ લાભુભાઇ કુંઢીયાએ ઓચીંતા છરી સાથે ધસી આવી પેટમાં ઘા મારી દેતાં તે પડી ગયા હતાં. દેકારો થતાં બે પુત્રો બાબુ વલ્લભ (ઉ.૩૫) અને હરેશ વલ્લભ (ઉ.૨૦) તથા રાજુ વલ્લભ (ઉ.૨૬) બચાવવા વચ્ચે આવતાં તેના પર પણ બાલુ લાભુ કુંઢીયા, દુધીબેન લાભુ, લાભુ ભલુ સહિતના કુહાડી-છરીથી તૂટી પડ્યા હતાં. જેમાં ગંભીર ઇજા થતાં રાજૂની ઘટના સ્થળે જ લોથ ઢળી ગઇ હતી.

ઘાયલ થયેલા વલ્લભભાઇ અને તેના બે પુત્રોનવાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં રાતે જ ઓપરેશનમાં લઇ જવાયા હતાં. બાબુને ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

વલ્લભભાઇને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. તેની સાથે ઘાયલ થયેલા એક પુત્ર બાબુની પત્નિ હકુબેને કહ્યું હતું કે હુમલો કરનારો બાલુ ૩૫ વર્ષનો છે અને વાંઢો છે, તે અમારો કુટુંબી સગો જ થાય છે. તે અગાઉ અમારા ઘરની બારીમાં ડોકીયા કરી બહેન દિકરી પર નજર કરતાં પકડાઇ ગયો હોઇ તેને ઠપકો દીધો હતો. આ બાબતનો ખાર રાખી ગત સાંજે ઓચીંતો છરી સાથે આવ્યો હતો અને હુમલો કરી ભાગી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરથી મહમદ રાઠોડના અહેવાલ મુજબ દિકરી બાબતે માથાકુટ બોલાચાલી થતાં બાલુ ભલુ, લાભુ ભલુ, દુધીબેન લાભુએ છરી કુહાડીથી હુમલો કરતાં વલ્લભભાઇ અને તેના ત્રણ પુત્રોને ઇજા થઇ હતી. જેમાં એકની લોથ ઢળી ગઇ હતી. પોલીસે મોરબી તાલુકા પોલીસે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫ મુજબ ગુનો નોંધ્યો છે.

(11:25 am IST)