Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

દ્વારકા જિલ્લામાં ભાટીયાની પોસ્ટ કચેરીમાં કર્મચારી દ્વારા રૂ.૧.૫૬ કરોડની ઉચાપત

દોઢ વર્ષના સમયગાળામાં સોફ્ટવેર સાથે ચેડા કરી, તોતિંગ રકમ ચાઉં કરી ગયોઃ જુદા જુદા ૧૬ ગામોના ૧૧૦ ખાતાઓ સાથે કરવામાં આવી છેડછાડઃ કૌભાંડી પોસ્ટ કર્મચારી સસ્પેન્ડ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા.૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આવેલી સબ પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારી દ્વારા વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધીના તેમના ફરજકાળ દરમિયાન પોસ્ટ ઓફિસની જુદી-જુદી ૧૬ બ્રાંચમાં રોકડ રકમના ખોટા ટ્રાન્ઝેકશન કરી અને રૂ. ૧.૫૬ કરોડની ઉચાપત કરવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સરકારી પોસ્ટ કચેરીમાં કરવામાં આવેલી તોતિંગ રકમની ઉચાપત સંદર્ભે હાલ જામનગર ખાતે રહેતા અને જામનગરની પોસ્ટલ ડિવિઝનમાં સહાયક અધિક્ષક (મુખ્યાલય) તરીકેની ફરજ બજાવતા પિનાકીન પ્રવીણચંદ્ર શાહ (ઉ.વ, ૩૮) એ ભાટિયા ખાતે રહેતા તારક હેમંતભાઈ જાદવ નામના કર્મચારી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર થયેલી વિગત મુજબ ભાટીયાની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમંતભાઈ જાદવે તેમના ફરજકાળ દરમિયાન તા.૧૦-૦૬-૨૦૧૯ થી ૧૯-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળામાં આ વિસ્તારની જુદી-જુદી સોળ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે ૧૧૦ વખત ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી શખ્સ દ્વારકા પોસ્ટ કચેરીના રેકોર્ડમાં ખોટા આર્થિક વ્યવહારો ઉભા કરી અને તેની નોંધ કોમ્પ્યુટરના ૫૪ સોફ્ટવેરમાં બતાવીએ આ અંગેના ખોટા હિસાબો પાડી અને કચેરીના હિસાબમાં ગેરરીતી આચરવામાં આવી હતી. આમ, જુદા-જુદા ટ્રાન્જેકશન મારફતે તારક જાદવ દ્વારા કુલ રૂપિયા ૧,૫૫,૭૫,૦૦૦ રોકડ રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. ભારતીય ટપાલ વિભાગના જ જુદા જુદા ખાતાઓમાં ૧,૪૪, ૩૬,૪૭૭ ની રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સમગ્ર કૌભાંડ ખુલવા પામતા પોસ્ટ વિભાગની જામનગર કચેરી દ્વારા સવિસ્તૃત રીતે જાણકારી મેળવી, ભાટિયા ખાતે ફરજ બજાવતા કર્મચારી તારક જાદવને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની સામે સુચના મુજબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૯ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એફ,બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે સમગ્ર પોસ્ટ તંત્ર સાથે કલ્યાણપુર તાલુકામાં ભારે ચકચાર જગાવી છે.

(12:32 pm IST)