Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પોરબંદરમાં લાંબા સમયથી બંધ સીટી બસ સેવા વહેલી તકે શરૂ કરવા કોંગ્રેસની માંગણી

પોરબંદર, તા., ૧: લાંબા સમયથી બંધ સીટી બસ સેવા નગર પાલીકા વહેલી તકે ચાલુ કરે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનોએ કરીને મુખ્યમંત્રીને રજુઆત કરી છે. 

પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયા તથા નગર પાલીકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સુર્યા દંડક ભરતભાઇ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના એક માત્ર પોરબંદર શહેરમાં જ સીટી બસ જેવી પાયાની સુવિધા પણ શહેરીજનોને ઉપલબ્ધ નથી. શહેરમાં વર્ષો પહેલા કોંગ્રેસના શાસનમાં કારગીલ પરીવહન નિગમ લીમીટેડની સીટી બસ સેવા કાર્યરત હતી અને તેના માધ્યમથી પોરબંદરના હજારો શહેરીજનો માત્ર બે થી પાંચ રૂપીયા જેવા નજીવા દરે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અવરજવર કરતા હતા એટલુ જ નહી પરંતુ ઉદ્યોગનગરમાં આવેલા કારખાનામાં નોકરી માટે જતા મજુરો-કારીગરો અને કર્મચારીઓ માટે પણ આ સેવા આશીર્વાદરૂપ હતી. શાળા-કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓથી માંડીને નાની મોટી ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવતી ગૃહીણીઓ માટે પણ આ સેવા ઉપયોગી હતી. શહેરથી દુર વસેલી સોસાયટીઓમાં રહેતા લોકો માટે સીટી બસની સેવા લાભદાયી હતી.

રજુઆતમાં જણાવેલ કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. જેથી ખાનગી વાહન ચાલકોએ પણ તેમના ભાડામાં તોતીંગ વધારો કર્યો છે. જેથી ટુંકા પગારમાં નોકરી કરતા કર્મચારીઓ ખાનગી કારખાનામાં કામ કરતા કામદારો તેમજ મજુરોને તેમનું મહેનતાણુ ખુબ ઓછુ હોય તેની સામે અવરજવર કરવા માટે ભાડા પાછળ ન પરવડે તેવા ખર્ચા થઇ રહયા છે. તો બીજી તરફ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળા-કોલેજે જવુ પણ પરવડતું નથી આવી સ્થિતિમાં જો સીટી બસની સેવા ફરીથી ચાલુ કરવામાં આવે તો નગરજનોને સરળતા પડી શકે. નગરપાલીકાના તંત્રએ તાજેતરમાં સીટી બસની સેવા ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જેથી શહેરીજનોમાંપણ આશા જાગી હતી. પરંતુ પાલીકાના તંત્રે મસમોટી જાહેરાતો કર્યા બાદ કોઇ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. સીટી બસ સેવા ચાલુ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવાના પણ કોઇ ઠેકાણા ન હોવાથી સીટીબસ સેવાનું ફરીથી સુરસુરીયુ થઇ ગયું છે. ર૦૧૮માં ચાલુ થયેલી સીટી બસ સેવાનું ટુંક સમયમાં જ બ્રેકડાઉન થઇ ગયું હતું ત્યારે ફરીથી બસ સેવા શરૂ કરવાના તંત્ર ગાણા ગાય છે.

નગરપાલીકાનું તંત્ર પોતાના હસ્તક સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ગંભીર નહી બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસના આગેવાનોએ રજુઆતમાં આપી છે.

(12:43 pm IST)