Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વિસાવદરમાં મીટરગેજ રેલવે પ્રશ્ને સાંસદને ડીઆરએમની ખાત્રી વચ્ચે લોકઆંદોલનના મંડાણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદરમાં મીટરગેજ રેલ્વે પ્રશ્ને સાંસદને ડીઆરએમની ખાત્રી વચ્ચે લોકોએ ગાંધીચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલનનાં મંડાણ કર્યા છે.

આખરે વિસાવદરમાં આજથી વિસાવદરને જોડતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાની સુવિધાને સ્પર્શતી મીટરગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવાની માંગ સાથે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ થયા છે.

રેલ્વેએ ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ મીટરગેજ રેલ્વે લાઈનો શરૂ થઇ રહ્યાનુ વાતાવરણ ઉભુ કર્યુ પણ આંદોલન પૂર્વે આંદોલનકારો સાથે વાટાઘાટો-સમાધાન માટે કહેવાતી લેશમાત્ર દરકાર ન કરી સર આમ અવ્યવહારૂ વલણ દાખવાતા પ્રજામાં રોષ ભભૂકયો અને આંદોલનનો પ્રારંભ થયો

 છે.

વિસાવદર રેલ્વે સ્ટેશન સામે આજથી જૂનાગઢ-દેલવાડા, અમરેલી-વેરાવળ, જૂનાગઢ-અમરેલી મીટરગેજ ટ્રેન પ્રશ્ને ઉપવાસ-આંદોલનનાં મંડાણ થયા છે.કોરોનાનાં કારણે બંધ કરાયેલ ત્રણેય ટ્રેનો જૂના સમય મુજબ જ પૂર્વવત ચાલુ કરવાની પ્રાથમિક માંગ છે.

કોરોનાનાં કારણે બંધ કરાયેલ જૂનાગઢ-દેલવાડા, જૂનાગઢ-અમરેલી, અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેનો ત્વરિત શરૂ કરવા અન્યથા તા.૦૧-૧૨-૨૦૨૧થી ઉપવાસ-આંદોલનનાં મંડાણ કરવાનુ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા લેખિતમાં અગાઉ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ.ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે અલ્ટીમેટમમાં જણાવ્યુંહતું કે, કોરોનાનાં કારણે જૂનાગઢ-દેલવાડા, જૂનાગઢ-અમરેલી, અમરેલી-વેરાવળ ત્રણેય મીટર્રેગેજ ટ્રેનો બંધ કરાયેલ જે ટ્રેનો હજુયે બંધ છે. આ ત્રણેય ટ્રેનો જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ ત્રણ જિલ્લાના અઢાર તાલુકાની પ્રજા માટે જીવાદોરી સમાન અને આશીર્વાદરૂપ ટ્રેનો છે.

આ ટ્રેનો બંધ હોવાના પરિણામે વિસાવદર, બિલખા, અમરેલી, ધારી, ચલાલા, ઉના, દેલવાડા વિગેરે ગામના ગ્રામજનો, વેપારીઓ, નોકરીયાતો સહિતના મુસાફરો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.જેથી આ ત્રણેય મીટરગેજ ટ્રેનો ૩૦મી નવેમ્બર સુધીમાં શરૂ ન થાય તો તા.૦૧-૧૨-૨૦૨૧થી ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસ ભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, ભાજપ અગ્રણી હિંમતભાઇ નાનજીભાઇ દવે ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલનનાં મંડાણ કરશે તેવી સત્ત્।ાવાળાઓને લેખિતમાં જાણ કરાઈ હતી પરંતુ રેલ્વેએ કહેવાતુ અવ્યવહારૂ વલણ દાખવી આંદોલનકારો સાથે વાટાઘાટો-સમાધાનનાં લેશમાત્ર પ્રયાસો ન કરાતા આખરે આજથી વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદરને જોડતી મીટરગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવા જિલ્લા ભાજપનાં વર્તમાન મંત્રી નરેન્દ્રભાઇ કોટીલા, પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, સેવાભાવી ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણી સહિતનાં નેતાઓએ સોરઠનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાને લેખિત પત્રો પાઠવી અપીલ કરી હતી ઉપરાંત વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોષી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા,ટીમ ગબ્બરનાં કે.એચ.ગજેરા તથા ગામેગામનાં રાજકીય-સામાજિક આગેવાનોએ અગાઉથીજ આ પ્રજાકિય પ્રાણપ્રશ્ન ત્વરીત ઉકેલવા-આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

દરમિયાન વિસાવદરને જોડતી મીટરગેજ રેલ્વે લાઈનો ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ રહ્યાની વાતો જોરશોરથી ગાજી રહી છે પણ આંદોલનકારોને સાચી સ્થિતથી વાકેફ કરવાનું કે,મૌખિક-લેખિત ખાત્રી આપી વાટાઘાટો-સમાધાનનાં માર્ગે આગળ ધપાવવાના જવાબદારો દ્રારા કોઇ જ પ્રયાસો ન કરાતા આખરે લોકઆંદોલનના મંડાણની સ્થિતિ નિર્માણ થવા પામી છે.

સાંસદને ડીઆરએમની ખાત્રી

દરમિયાન બહાર આવેલી વિગતો અનુસાર પશ્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનાં ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયેલએ જૂનાગઢનાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાને એક લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે, કોવીડ-૧૯નાં કારણે બંધ કરેલ 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' ટ્રેન નં.૫૨૯૫૨/૫૨૯૫૧ને ચાલુ કરવા માટે રેલ્વે બોર્ડની મંજૂરી માટે મુખ્ય કચેરીને પત્ર ક્રમાંક : ટી ૪૨૫/૩ તા.૨૪-૧૧-૨૦૨૧ તથા તા.૨૯-૧૧-૨૦૨૧થી મોકલેલ છે અને રેલ્વે બોર્ડની મંજૂરીની સંપૂર્ણ અપેક્ષા છે.દરમિયાન ગાડી ચલાવવા માટે આંતરિક આંતરિક કાર્યવાહી રેલ્વે વિભાગ દ્વારા થઇ ચૂકી છે.જેથી રેલ્વે બોર્ડની મંજૂરી મળવાની સાથે જ ગાડી નં.૫૨૯૫૨/૫૨૯૫૧ 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' તુરત જ ચાલુ કરી દેવામાં આવશે તેમ સાંસદ ચુડાસમાને પાઠવેલ લેખિત પત્રમાં ડીઆરએમ ગોયેલએ જણાવ્યું છે.

આંદોલનકારોને ખાત્રીની અપેક્ષા

સોરઠનાં સાંસદને મીટરગેજ ટ્રેન ચાલુ કરવા ડીઆરએમએ લેખિત ખાત્રી આપી પરંતુ આંદોલનકારોનો રેલ્વે સત્ત્।ાવાળાઓએ ન સંપર્ક કર્યો..ન લેખિત-મૌખિક ખાત્રી આપી કે, ન વાટાઘાટો-સમાધાનનાં પ્રયાસો કર્યા જેનાં પરિણામે ઉપવાસ આંદોલનના મંડાણ થયાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

વિસાવદરમાં રેલ્વે સ્ટેશન સામે મીટરગેજ ટ્રેનો શરૂ કરવાની માંગણી સાથે આજે ઉપવાસ આંદોલનનો શુભારંભ થયો છે. ઉપવાસીઓમાં દિલીપભાઇ કાનાબાર, લલીતભાઇ ભટ્ટ, ઇલ્યાસભાઇ ભારમલ, જે.પી.છતાણી, હિંમતભાઇ દવે,જીતુભાઈ રિબડિયા, સિદ્ઘાર્થભાઇ હિરપરા, જે.ડી.વસાવડા,ઇશ્વરદાસ ગોંડલિયા, ભીખુભાઈ ગેડીયા,ગજેન્દ્રભાઇ માલવિયા તથા અપડાઉન કરતા મુસાફરો-નાગરિકોનો સમાવેશ થાય છે.

(12:35 pm IST)