Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ધોરાજીમાં રખડતાં ઢોરોના ત્રાસ :શાશક પક્ષના નગરસેવક ની રજૂઆતની પણ અવગણના

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :-  ધોરાજીમાં રખડતાં ઢોરો અને કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે પાલિકા તંત્ર જનતા ની સમસ્યા ઉકેલવાને બદલે મુક તમાશો નીહાળી રહી છે.  ધોરાજી સમગ્ર શહેરમાં રખડતાં ઢોરો અને આખલા યુધ્ધો થી પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
આ સમસ્યા મામલે ધોરાજી નગરપાલિકાનાં શાશક પક્ષના વોર્ડ નંબર સાત ના નગરસેવક દિલીપભાઈ જાગાણી એ મીડિયા સમક્ષ રોષભેર જણાવ્યુ હતું કે ધોરાજી શહેરમાં રખડતાં ઢોરો અને કૂતરાઓનો ભયંકર ત્રાસ છે. શહેરની વિવિઘ સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને ચોકમાં જાણે ઢોરવાડો ખુલ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડે છે.
આખલા યુધ્ધો થી બાળકો, મહિલાઓ અને રાહદારીઓ જોખમ અનુભવી રહ્યા છે. તેમજ છાશવારે આખલા યુધ્ધ નો શિકાર વાહનચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે.
ધોરાજી નગરપાલિકાનાં ચીફ ઓફીસર ને અગાઉ પણ લેખિત અરજી દ્રારા લોક પ્રશ્ને રજુઆત કરી હતી. પરંતું તંત્રને આ ગંભીર પ્રશ્ને કોઈપણ નક્કર પગલાં ભર્યા નથી. રખડતાં ઢોર ઉપરાંત કૂતરાઓનાં ત્રાસને કારણે શેરીમાં રમતા નાના બાળકો સામે પણ જોખમ વધી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં વિવિઘ કોર્પોરેશન અને પાલિકાઓ દ્રારા ઢોર પકડ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અને દંડ રાખવામા આવ્યો છે. તો આવા ગંભીર પ્રશ્ને ધોરાજી નગરપાલીકા શા માટે ઉપેક્ષા કરી રહીં છે તે લોક પ્રશ્ને ઉઠી રહ્યો છે.

(7:04 pm IST)