Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોતનું તાંડવ મચાવનાર એ ગોઝારી ઘટનાએ ૧૩૫ લોકોને કાયમી મોતની સોડ તાણી સુવડાવી દીધા!!

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથી, દિવંગતોને ક્યારે ન્યાય મળશે?

મોરબી : સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 માસથી જેની આતુરતા જોવાઈ રહી હતી તે ચુંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડીસેમ્બરના રોજ કરવામાં આવશે પરંતુ મોરબીની પ્રજાને લોકશાહીના પર્વથી કોઈ નિસ્તબ નથી. પ્રજાની આંખના અશ્રુ હજુ સુકાયા નથી. કારણ કે એક માસ પૂર્વે 30 ઓક્ટોબર,2022ના રોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ મોરબીની શાન સમાન ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જે ગોઝારી દુર્ઘટનાને હજુ મોરબીવાસીઓ ભૂલ્યા નથી આજે ઝૂલતો પુલની પ્રથમ માસિક પુન્ય્તીથીએ અનેક પરિવારોની આંખોમાંથી અશ્રુધારા વહી હતી

અત્યારે મોરબીમાં બે પ્રકારના લોકો વસે છે. એક જે સમગ્ર દુર્ઘટનામાં કોનો વાંક તે ચર્ચા કરવામાં વ્યસ્ત છે. બીજો વર્ગ એવો વર્ગ જે જાણે છે કે કોણ જવાબદાર છે પરંતુ તેના પર હાથ નાખવાથી કોને શું નુકસાન થઈ શકે કે કોને શું ફાયદો થઈ શકે તે વિચારતો વર્ગ છે. આ બંને વર્ગ વચ્ચે પીડિત કુટુંબો જેણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે તે સ્તબ્ધ થઈ ગયા છે.
સમગ્ર ઘટના અસંખ્ય વાર ટીવી પર અને મીડિયામાં જોઈ વાંચી ચૂક્યા છો. પરંતુ આજે અમુક વાત એવી છે જે સત્યની નજીક અને લોકોએ સમજવી જરૂરી છે. અમુક પ્રશ્ર્નો એવા છે જે સામાન્ય લોકોના મગજમાં પણ આવતા હોય છે. કોઈપણ વસ્તુ બનાવવાની હોય તો તેના સ્પેસિફિકેશન એટલે કે કઈ રીતે બનાવવી, કઈ ગુણવત્તાનો માલ વાપરવો, કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ, સલામતીના ધોરણોથી ખરું ઉતરવું જોઈએ, આવી સંપૂર્ણ ચોખવટ સાથે જાહેર નોટિસ આપી તે કામ માટેના ટેન્ડર મંગાવાતા હોય છે. શું આ બધી પ્રક્રિયાઓ થઈ હતી? જે રીતે માલ મટિરિયલ વપરાયા છે, ઝૂલતા પુલ બાંધકામના સામાન્ય નિયમોનો પણ ઉલાળીયો કરી સાવ અભણ હોય તેવી રીતે કાર્ય થયું છે. પુલનું કાર્ય પૂરું થયા પછી પણ કઈ વસ્તુ બદલાઈ છે અને કઈ જૂની જ ફરી વાપરી છે તે પણ તંત્રને જાણ નથી.
જોકે એફ.એસ.એલ. રિપોર્ટ આવી ગયો છે, થોડો લીક થયો છે પણ પૂરો તો થશે કે નહીં તે ખબર નથી અને જાહેર જનતા સુધી તો પહોંચશે તેમ લાગતું નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે અને જે રીતે ઢાંકપિછોડો થયો છે તે જોતા આ વખતે કંઈક નવું બને તેવી આશા હવે જનતાએ મૂકી દીધી છે. સમગ્ર વિગત જોઈએ તો પુલ બંધ થયા પછી સમારકામ તો થયું, પણ નિષ્ણાતોની ગેરહાજરીમાં માત્ર સ્થાનિક કારીગરોએ સમારકામ કરી નાખ્યું તે પણ ફાળવ્યા કરતા સાવ ઓછી રકમમાં. મોરબી નગરપાલિકાનું માનીએ તો તેમને જાણ કર્યા વિના બે કોન્ટ્રાક્ટ મેળવેલી કંપનીએ પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની રીતે ઉદ્ઘાટન કરી પુલ પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો. વાહ રે પાલિકા. આમ તો કોઈએ એક પાણીપુરીની લારી નાખવી હોય તો પણ પચાસ ધક્કા ખાવા પડે ને આખે આખો પુલ ખુલ્લો મૂકી દેવાયો એટલું જ નહીં પાંચ દિવસથી અહીં ક્ષમતા કરતા વધારે મુલાકાતીઓ આવે, આખું મોરબી ઝૂલતા પુલ પર ઝૂલે ને તમને ખબર જ ન પડે…
મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ ૧૮૮૦માં તે સમયના રજવાડાંએ બનાવ્યો હતો. એક તો નદી પર આવો પુલ બનાવવાની તેમની દૂરંદેશી અને લોકોને કંઈક નવું આપી દેશ-દુનિયાનાં લોકોને અહીં ખેંચી લાવવાની તેમની ર્દીર્ઘ દૃષ્ટિ આજે કેટલા રાજનેતાઓ છે? આ સાથે આ પુલનું જે એન્જિનિયરિંગ હતું તે આજના આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સમજવા જેવું છે. જૂનો પુલ જે ૭૬૫ ફૂટ લાંબો છે, તે લાકડાનાં નાના પાટીયાથી બન્યો હતો. એટલે કે લોકોએ જે રસ્તા પર ચાલવાનું હતું કે લાકડાનાં નાનાં નાનાં પગથિયા જેવા લાંબા ટુકડાથી બનાવવામાં આવ્યો હતો. પાટીયાં અલગ અલગ હોય તો તરંગ ગતિને લીધે દરેક પોઈન્ટ પર લાગતો ફોર્સ જુદી જુદી દિશામાં વહેંચાઈ જાય. જ્યારે સળંગ પાટીયાં મૂકવામાં આવે ત્યારે છેડાની બે વિરુદ્ધ દિશાના કેબલ પર સંપૂર્ણ તણાવ એટલે કે ફોર્સ અથવા વજન આવી જાય. મોરબીના પુલના સમારકામમાં આ પાયાનું એન્જિનિયરિંગ ધ્યાનમાં રાખવામાં આવ્યું નહીં, જે રાજાશાહી સમયે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.
મોટા ભાગની સરકારી હૉસ્પિટલોમાં દરદીઓને દવા કે અન્ય સાધનો માટે બહારથી નાણાં ખર્ચી લાવવાનું કહેવામાં આવતું હોય છે. પાયાની સારવાર માટે પણ દરદીના સગાંઓએ ફાંફાં મારવા પડતા હોય છે, ત્યારે મોરબીમાં આટલી મોટી દુર્ઘટના ઘટી તે બાદ ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે આગલા દિવસની રાત્રે તાબડતોબ ખાસ ફંડ ફાળવવામાં આવ્યું અને હૉસ્પિટલનું રંગરોગાન થયું. જામનગરથી બેડશિટ્સ લાવવામાં આવી, લાદીઓ બદલાઈ, સફાઈ થઈ ત્યારે અહીંના રહેવાસીઓ માત્ર એટલું જ કહેતા હતા કે ક્યારેક કોઈ ગરીબની સારવાર માટે પણ આટલી જહેમત ઉઠાવો તો સારું.
દુર્ઘટના બની હતી તે જ રાત્રે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ પરંતુ કોને નામે! એ તો સૌ જાણે છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડ ,ટિકિટ ક્લાર્ક ઓરેવાના મેનેજર અને ફેબ્રિકેશન કામ કરનાર એજન્સીના આરોપી પિતા પુત્ર સહિત 9ની ધરપકડ કરી, કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં બેદરકારી દાખવનાર ઓરેવા કંપનીના માલિક તેમજ પુલ ચાલુ થયો તે દિવસથી આખ આડા કાન કરનાર પાલિકા તંત્રનું નામ ખુલ્યું અને સંભવિત:ચીફ ઓફિસર સસ્પેન્ડ થયા. આગળ જતા હાઇકોર્ટે ઝુકાવ્યું અને સુઓમોટો દાખલ કરી અને હવે આગામી સુનવણીની રાહ મોરબીવાસીઓ જોઈ રહ્યા છે.
પુલની દુર્ઘટનાના ચોથા દિવસે જ ચૂંટણીની તારીખ જાહેર થઇ ગુજરાત ચૂંટણી તરફ દોડતું થયું પણ મોરબીના 135 જેટલાં ઘરોમાં ત્યારે પણ મોતનો માતમ છવાયો હતો અને આજે પણ કાળની કારમી થપાટ એ વાતની ચાડી કહ્યં છે કે દિવંગતોના પરિવારને ન્યાય જોઈએ છે.આ પરિવાર પર શું વીતતી હશે એ તો કોઈ તેને મળે તો ખબર પડે, અહીં એ પ્રશ્ન થાય કે ક્યારેય દિવંગતોને ન્યાય મળશે?

(12:42 am IST)