Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

લોકશાહીના મહાપર્વ ચુંટણીમાં સોરઠની પાંચ બેઠકો ઉપર ઉત્સાહભેર મતદાન : પહેલા મતદાન કરીને બાદમાં લગ્ન પ્રસંગમાં સામેલ થયા મતદારો : કુલ 1347 મતદાન મથકમાંથી 336 સવેંદનશીલ અને 178 અતિ સવેંદનશીલ મતદાન બુથ પર બાજ નજર : સાંજ સુધીમાં ૩૪ ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં થશે કેદ

 ૨૦૧૭માં ચાર બેઠકો હારેલ ભાજપ ૨૦૨૨માં સમગ્ર સોરઠ કબજે કરશે? એનિમલ બુથ અને હેલ્થ બુથ ઉપર તંત્ર દ્વારા આરોગ્ય ચકાસણીની સુવિધા

(વિનુ જોશી દ્વારા)   જૂનાગઢ તા. ૦૧ :  લોકશાહીના મહાપર્વ ચુંટણીમાં સોરઠની પાંચ બેઠકો ઉપર આજે સવારથી ઉત્સાહભેર મતદાન શરૂ થયું છે. ૨૦૧૭ની ચુંટણીમાં જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૬૩ ટકા મતદાન થયું હતું. આ વખતે સાંજના પાંચ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું. જોકે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો માટે ૧૨,૭૨,૩૫૬ મતદારોને ધારાસભ્ય ચુંટવાની તક મળી  છે. જિલ્લાની પાંચ બેઠક પૈકી ૧ બેઠક શહેરી અને ૪ બેઠક ગ્રામ્ય તાલુકા વિસ્તારની છે. ગત ૨૦૧૭ની ચુંટણીમાં ૫ પૈકી ૪ બેઠક કોંગ્રેસે અને ૧ બેઠક ભાજપને મળી હતી. જેમાંથી માણાવદર બેઠકના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ૨૦૧૯ની પેટા ચુંટણીમાં જીત્યા હતા. આ વખતે જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકમાં પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપના ઉમેદવારો પણ મેદાને ઉતરતા ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે.

જૂનાગઢ  વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય ભીખાભાઈ જોષીને કોંગ્રેસે આ વખતે ફરી ટિકિટ આપી છે, તો તેની સામે ભાજપે છ વખતના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના બદલે નવા ચહેરા તરીકે કડવા પાટીદાર ઉમેદવાર સંજય કોરડીયાને મેદાનમાં ઉતાર્યા છે. તો આપમાંથી ચેતન ગજેરા લડી રહ્યા છે. ૨૦૧૭ ની ચુંટણીમાં ૬૦.૪૫ ટકા મતદાન થયું હતું. અહી કોંગ્રેસની ટીકીટ પરથી ભીખાભાઈએ ભાજપના મહેન્દ્રભાઈ મશરૂને ૬૦૮૪ મતે હરાવ્યા હતા. ત્યારે પાટીદાર ઉપરાંત લોહાણા અને બ્રાહ્મણ અને લઘુમતી સમાજના મત કોઇપણ ઉમેદવારનાં વિજય  માટે નિર્ણાયક સાબિત થશે.

જયારે વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસની ટીકીટ પરથી વિજયી થયેલા હર્ષદ રીબડીયા આ વખતે ભાજપના ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસમાંથી કરશનભાઈ વાડદોરીયા અને આપમાંથી ભેસાણનાં અગ્રણી ભૂપતભાઈ ભાયાણી લડી રહ્યા છે. ૨૦૧૭ની ચુંટણીમાં ૬૨.૨૪ ટકા મતદાન થયેલું અને તેમાં કોંગ્રેસના રીબડીયાએ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને ૨૩૧૦૧ મતે હરાવ્યા હતા. આ બેઠક પર ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવાર લેઉવા પટેલ જ્ઞાતિના હોય અહી ભારે રસાકસી થશે.

માણાવદર બેઠકમાં ચાર-ચાર વખત કોંગ્રેસમાંથી જીતેલા જવાહરભાઈ ચાવડા ૨૦૧૯ની પેટા ચુંટણીમાં કેસરિયા કરીને ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા છે, ત્યારે તેમની સામે કોંગ્રેસમાંથી જુના જોગી અરવિંદ લાડાણી મેદાનમાં છે તો આપમાંથી કરશનભાઈ ભાદરકા ચુંટણી લડી રહ્યા છે. ૨૦૧૭ની ચુંટણીમાં ૬૫.૭૨ ટકા મતદાન થયું હતું. અહી જવાહરભાઈ ચાવડાએ ભાજપના નીતિન ફળદુને ૨૯૭૬૩ મતે હરાવ્યા હતા, અહી જવાહરભાઈનો સૌથી વધુ માટે જીતવાનો રેકોર્ડ પણ રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ મનાતી બેઠક ભાજપ જાળવી રાખશે કે કેમ તેના પર નજર રહેશે.

કેશોદ બેઠક પર ૧૯૯૫થી ભાજપનો વિજય થતો આવ્યા છે અને ગત ચુંટણીમાં પણ જિલ્લામાં એક માત્ર કેશોદ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો, ત્યારે ભાજપના મંત્રી દેવાભાઈ માલમ સામે કોંગ્રેસમાંથી પ્રદેશ કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને આપમાંથી રામજીભાઈ ચુડાસમા ચુંટણી લડી રહ્યા છે, તો ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપ માટે અપક્ષ તરીકે શિરદર્દ બન્યા છે, તો ભાજપ માટે કપરા ચઢાણ છે. ૨૦૧૭ની ચુંટણીમાં ૬૧.૬૦ ટકા મતદાન થયું હતું. અહીંથી દેવાભાઈ માલમ કોંગ્રેસના જયેશ લાડાણીને ૧૦૮૦૬ મતે હરાવ્યા હતા.

માંગરોળ બેઠક પર ૧૯૯૫થી ૨૦૧૭ સુધી એક ટર્મ ભાજપ તો એક ટર્મ કોંગ્રેસના ઉમેદવારની જીત થતી આવી છે. ત્યારે ૨૦૧૭માં અહીંથી કોંગ્રેસની ટીકીટ પરથી બાબુભાઈ વાજા જીત્યા હતા. તેમને કોંગ્રેસે ૨૦૨૨માં ફરી રિપીટ કર્યા છે, તેમની સામે ભાજપના જુના જોગી ભગવાનજીભાઈ કરગટીયા, આપમાંથી પિયુષ પરમાર ચુંટણી લડી રહ્યા છે. ૨૦૧૭ની ચુંટણીમાં ૬૫.૪૩ ટકા મતદાન થયું હતું. અહીંથી બાબુભાઈનો ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ સામે ૧૩૯૧૪ મતે વિજય થયો હતો. ત્યારે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર ૨૦૨૨માં ભાજપ-કોંગ્રેસે કોળી ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અહી પણ રસાકસીના એંધાણ છે.

આજે વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક લગ્ન પ્રસંગો હોય જુનાગઢ જિલ્લામાં પહેલા મતદાન કરીને બાદમાં લગ્ન પ્રસંગમાં મતદારો સામેલ થયા હતા. 

વખતે જિલ્લામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રથમ વખત એનિમલ બુથ અને હેલ્થ બુથ ઉપર તંત્ર દ્વારા આરોગ્ય ચકાસણીની સુવિધા ગોઠવવામાં આવે છે.

જિલ્લામાં સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં 1347 બુથ ઉપર ૩૪ ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થશે જેને લઈને ભારે રાજકીય ઉતેજના પ્રવર્તે છે.

૨૦૧૭માં જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકમાંથી ચાર બેઠકો પર ભાજપનાં ઉમેદવારોનો પરાજય થયો હતો. એક માત્ર કેશોદની બેઠક પર જ ભાજપનાં દેવાભાઈ માલમ વિજયી થયા હતા. હવે ૨૦૨૨માં સમગ્ર સોરઠ ભાજપ  કબજે કરશે? કરશે કેમ તે જોવાનું રહેશે.

દરમ્યાન સવારે પ્રારંભિક તબક્કે મતદાન ધીમુ રહ્યું હતું. પરંતુ આ લખાય છે ત્યારે મતદાનમાં વેગ આવ્યો છે. 

પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી દરમિયાન ભય મુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે સીઆરપીએફ સહિત પોલીસ જવાનોનો ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ખાસ કરીને કુલ 1347 મતદાન કેન્દ્રોમાંથી 336 સવેંદનશીલ અને 178 અતિ સવેંદનશીલ મતદાન બુથ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

 

(12:26 pm IST)