Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઝૂલતાપૂલ દુર્ઘટનાના મળતકોના પરિવારજનો દ્વારા મૌન રેલી યોજી ન્‍યાયની માંગ કરી

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧ :  મોરબીની કાળજું કંપવાનારી અને ૧૩૫ નિર્દોષ વ્‍યક્‍તિઓ ભોગ લેનાર ઝૂલતાપૂલ દુર્ઘટનાની તા ૩૦ના પ્રથમ માસીક પુણ્‍યતિથિએ આ દુર્ઘટનાની ભયાનકતા નજર સામે તરવરતા પરિવારો ગુમાવનાર અસરગ્રસ્‍તો આઘાત, આક્રોશ સાથે ધુસ્‍કે રડી પડ્‍યા હતા. જેમાં આ પુલ દુર્ઘટનામાં જાન ગુમાવનાર તેમના પરિવારો દ્વારા સામાજિક અગ્રણીઓની આગેવાનીમાં મૌન રેલી કાઢી તમામ દિવગંતોને શ્રદ્ધાંજલિ આપી ૧૧મીએ હવન કર્યા બાદ પણ ન્‍યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપ્‍યું હતું અને જ્‍યસુખ પટેલની તાત્‍કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.

 મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા વરિયાનગર, નઝરબાગ રેલવે સ્‍ટેશન પાછળ આવેલ બોદ્ધનગર-ગાંધી સોસાયટીમાં રહેતા ૧૭ જેટલા નાના બાળકોથી માંડીને યુવાનોએ પુલ દુર્ઘટના જીવ ખોયા છે. ત્‍યારે આજે ઝૂલતાપૂલ દુર્ઘટનાની  પ્રથમ માસીક પુણ્‍યતિથિએ સામાજિક કાર્યકરોની આગેવાનીમાં ૧૭ મળતક પરિવારો સહિતના લોકો સાથે આજે મૌન રેલી કાઢીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી.તે દરમિયાન એક મહિલા ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું હતું કે, હું વિધવા છે. મારા કમાઉ દીકરા મેં આ ઘટનામાં ખોયા છે. હવે મારો આધાર કોણ તેવી વેદના વ્‍યક્‍ત કરી ફક્‍ત ન્‍યાય જ જોઈએ તેવી માંગ કરી હતી.

 સામાજિક કાર્યકર દેવિકાબેન ભંખોડીયાએ જણાવ્‍યું હતું કે અમારા વિસ્‍તારના ૧૭ સહિત ૧૩૫ વ્‍યક્‍તિઓનો ભોગ લેવાયો હોય છતાં જે જવાબદાર ઓરવા કંપનીના માંલિક જ્‍યંસુખ પટેલ સામે કોઈ કાર્યવાહી ન કરીને માત્ર નાના માણસોને પકડી ઢાંકપીછોડો કરવો એ શરમજનક કળત્‍ય છે. અમારે ફક્‍ત ન્‍યાય જ જોઈએ. ન્‍યાય માટે દુર્ઘટનાની જગ્‍યાએ ૧૧મીએ હવન કર્યા બાદ પણ કાર્યવાહી નહિ થાય અમે બધા સામાજિક કાર્યકરો મોરબી બંધનું એલાન આપીશું તેમ જણાવ્‍યું હતું.  જગદીશભાઈ ભલાભાઈ પરમાર નામના સ્‍થાનિક અગ્રણીઓ કહ્યું હતું કે, ૧૩૫નો ભોગ લેનાર આ દુર્ઘટના ભારે આઘાતજનક છે, અસરગ્રસ્‍તો અને મોરબીવાસીના દિલમાં પડેલા જખ્‍મો કયારેય નહીં રૂઝાય, ત્‍યારે આવી દુર્ઘટના નાના માણસોને પકડીને મગરમચ્‍છને છાવરવામાં આવે તે કોઈ કાળે યોગ્‍ય નથી. જે કંપની ૨ કરોડનો ખર્ચો કર્યો હોય તેની બેદરકારી ખૂલીને સામે આવી છે. છતાં જ્‍યંસુખ પટેલની ધરપકડ થતી નથી. આ ઉપરાંત નગરપાલિકા અને કલેકટર સહિતનું તંત્ર પણ એટલું જ જવાબદાર હોય તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, રાજસ્‍થાન અને અમદાવાદમાં હત્‍યા કાંડ વખતે ૨૫-૫૦ લાખની સહાય ચૂકવીને આવી કરુણ દુર્ઘટનામાં સરકારે મળતકોને ૪ લાખ આપી કુર મજાક કરી છે. આથી આ તમામ મળતકોના પરિવારને આવી રીતે સન્‍માન જનક ધન રાશિ આપી દરેક મળતકો દીઠ એક એકને સરકારી નોકરી આપે તેવી માંગ કરી હતી.

(1:49 pm IST)