Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગીર સોમનાથના આજોઠા ખાતે જિલ્લા કક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ

(દેવભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ,તા.૨ :  પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના (ભ્પ્-ભ્બ્લ્ણ્ખ્ફ) અંતર્ગત સાયકલોન સેન્ટર આજોઠા ખાતે મિલેટ-જાડાધાન બાજરાની વાનગીઓની જિલ્લા કક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ મુખ્યત્વે જાડા ધાન અને બાજરાનો ઉપયોગ કરી વાનગીઓ તૈયાર કરી હતી. જેમાં  પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને નાયબ કલેકટર (મધ્યાહૃન ભોજન)  જે.જે.કનોજિયાએ અનુક્રમે ૧૦,૦૦૦, ૫૦૦૦ અને ૩૦૦૦નો ચેક અને -માણપત્રથી સન્માનિત કર્યા હતા.

 જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં વેરાવળ, ઉના, તાલાલા, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા તાલુકા કક્ષાએ વિજેતા એવાં કુલ ૧૨ સ્પર્ધકોએ ભાગ લઈ જુવારના ઉપમા, જુવારના સ્ટીમઢોકળા, મિકસ લોટના લાડુ, બાજરાનો ખીચડો, મિકસ લોટના શીરા જેવી અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. વિજેતા ઉપરાંત અન્ય સ્પર્ધકોને ૫૦૧ રૃ.નું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યુ હતું.

 આ તકે નાયબ કલેકટર (મધ્યાહન ભોજન)  જે.જે.કનોજિયાએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજનનો મુખ્ય હેતુ વિવિધ પ્રકારની તાજી વાનગીઓ પીરસી બાળકોને પૌષ્ટિક આહાર મળે અને તેઓ તંદુરસ્ત રહે તેવો છે. મધ્યાહન ભોજનમાં આપવામાં આવતું અનાજ તેમજ કઠોળ આરોગ્યપ્રદ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેથી જો બાળકોમાં પોષક તત્વોની ખામી હોય તો આવા ધાન્ય પૂરક બને છે અને બાળકોના વિકાસમાં મદદરૃપ થાય છે.

 આ વાનગી સ્પર્ધામાં વિજેતા કોડીનાર રામનગર પ્રાથમિક શાળાના ગૌસ્વામી જ્યોતિબહેનને (પ્રથમ ક્રમ) રૃ.૧૦ હજાર, મીઠાપુર પ્રાથમિક શાળાના અપારનાથી દિવ્યાબહેનને (દ્વિતિય ક્રમ) રૃ.૫ હજાર અને ગુંદરણ પ્રાથમિક શાળાના પીઠિયા ભાવનાબહેનને (તૃતિય ક્રમ) રૃ.૩ હજારનો ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ તકે આભારવિધિ નોડલ ઓફિસર   કમલેશભાઈ વાળાએ કરી હતી. જ્યારે કાર્યક્રમમાં નાયબ મામલતદાર મમતાબહેન બારડ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ બારડ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની પણ બહોળી ઉપસ્થિતી રહી હતી.

(12:36 pm IST)