Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-લીંબડી દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરાયું

-ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ/બહેનોએ તારીખ ૦૭ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ઉપસ્થિત રહેવું

સુરેન્‍દ્રનગર:  જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-લીંબડીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર ૧૪ વય જૂથના ખેલાડી એટલે કે તારીખ ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના અસાધારણ ઉંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હાઈટ હન્ટના માપદંડો અનુસાર ૧૧ વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે ૧૫૫ થી વધુ અને ભાઈઓ માટે ૧૬૦ થી વધુ, ૧૨ વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે ૧૬૩ થી વધુ અને ભાઈઓ માટે ૧૬૮ થી વધુ, ૧૩ વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે ૧૬૬ થી વધુ અને ભાઈઓ માટે ૧૭૩ થી વધુ તેમજ ૧૪ વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે ૧૭૧ થી વધુ અને ભાઈઓ માટે ૧૭૯ થી વધુ હાઇટ હોવી જોઈએ.

જેમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ/બહેનોએ જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે તારીખ ૦૭/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

(11:57 pm IST)