Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાણવડ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો ચાર્જ ભાનુબેન રાજાણીના શીરે

અવિશ્વાસની દરખાસ્ત બાદ ખાલી પડેલા સ્થાન માટે

ભાણવડ તા.ર : નગરપાલીકા પ્રમુખ ગોદાવરીબેન અને ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ભારાણી વિરૂધ્ધ વિપક્ષ દ્વારા કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત ગત તા.૨૪-૩ના રોજની સામાન્ય સભામાં બે તૃતિયાંસ બહુમતીથી મંજુર થતા પાલિકાની આ જગ્યાઓ ખાલી પડેલ હતી.જેથી ગુજરાત ન.પા. અધિ ૧૯૬૩ની કલમ ૪૨(૭) અન્વયે પ્રમુખ ઉપપ્રમુખના બંને હોદ્દા એકીસાથે ખાલી પડે ત્યારે કલેકટરને સત્તા હોય છે કે, તે કોઇ કાઉન્સીલર પ્રમુખની ચુંટણી ન થાય ત્યા સુધી પ્રમુખની તમામ સતા વાપરે અને તમામ કાર્યો અને ફરજો બજાવે એવા સક્ષમ સદસ્યને આ માટે અધિકૃત કરી શકે છે.

જેના પગલે હાલ પાલિકાના વોર્ડનં.૩ના બીજેપી સદસ્ય ભાનુબેન સુરેશભાઇ રાજાણીને સંપુર્ણ સતા સાથે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે અધિકૃત કરેલ છે. એકદમ સ્વચ્છ છબી અને સાચા અર્થમાં પ્રજાના પાયાના પ્રશ્ને સતત કાર્યરત એવા ભાનુબેન રાજાણીની ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પસંદગી એકદમ યોગ્ય થઇ હોવાનો મત તમામ શહેરીજનો વ્યકત કરી રહ્યા છે.

જો કે કલેકટરના આ નિર્ણયથી વિપક્ષો અને ખાસ કરીને બળવો કરનાર અને સતાલોલુપ બીજેપી સદસ્યો હતપ્રત થઇ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજકારણના ખેલમાં સતા હાંસલ કરવા પાડેલ ખેલમાં આંટી પડી હોય તેમ રઘવાયા થયેલ જોવા મળી રહ્યા છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે આગામી દિવસોમાં ભાણવડ ન.પા.માં કયા સમીકરણો રચાય છે અને વિપક્ષો સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાવી લીધા પછી સતા મળે છે કે પછી હાથ ઘસતા જ રહી જવુ પડે છે.

(11:38 am IST)