Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જુનાગઢના ડોકટરને બેદકારી બદલ ત્રણ લાખનું વળતર ચુકવવાના હુકમ સામેની અપીલ નામંજુર

રાજકોટ, તા., ૨: જુનાગઢ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ શ્રી સી.એચ.ભટ્ટ તથા ધનલક્ષ્મીબેન એમ.શેઠીયા દ્વારા ઐતિહાસીક ચુકાદો આપી લાચાર બેબશ દર્દીના પરીવારને વળતર પેટે રૂ.૩,૦૦,૦૦૦ અંકે રૂપીયા ત્રણ લાખ ૯ ટકાના વ્યાજ સાથે ગુ.લક્ષ્મણભાઇ મનજીભાઇ વધાસીયાના પરીવારને ડો.રમેશ ગજેરાએ ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો જે હુકમથી નારાજ થઇ ડો.રમેશ ગજેરા દ્વારા સ્ટેટ કન્ઝયુમર ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલના કામે અમદાવાદના એડવોકેટ સંદીપભાઇ ભટ્ટની રજુઆતો ધ્યાને લઇ એપલન્ટની અપીલ સ્ટેટ કન્ઝયુમર ફોરમ અમદાવાદના પ્રમુખ મેમ્બર ડો.જે.જી.મેકવાને રદ કરી જુનાગઢ ગ્રાહક ફોરમનો હુકમ કાયમ રાખી વળતરની રકમ ચુકવવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકતે એવી છે કે સને ર૦૦૯માં જુનાગઢના જોષીપરા વિસ્તારના લક્ષ્મણભાઇ મનજીભાઇ વઘાસીયાનું લ્યુના સ્લીપ થતા જમણા પગમાં ફેકચર થયેલ જેથી ઓર્થોપેડીક સર્જન રમેશ ગજેરાને ત્યાં સારવાર અર્થે દાખલ થયેલ અને ઓપરેશન કરાવેલ જે ઓપરેશન પહેલા અને પછી ડોકટર તરીકે લેવી જોઇતી તકેદારી ન લેવાના કારણે લક્ષ્મણભાઇના જમણા પગમાં સડો થઇ ગયેલ જેથી અનેક જગ્યાએ સારવાર અર્થે હેરાન થયા બાદ જમણો પગ સાથળમાંથી કપાવી નાખવો પડેલ જેથી સદર બાબતે લક્ષ્મણભાઇ દ્વારા જુનાગઢના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ વળતર મેળવવા ડોકટરશ્રી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ.

ઉપરોકત બાબતે થયેલ ફરીયાદ અન્વયે ફરીયાદ પક્ષ તરફે એડવોકેટ શ્રી જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા એસ.ડી.જોટાણીયાની તમામ સત્ય હકીકત અને ડોકટરની બેદરકારી માની ડોકટરશ્રીની ઓપરેશન પહેલાની બેદરકારી અને ઓપરેશન પછીની બેદરકારી માની કેસના સંજોગોને ધ્યાને રાખી 'રેસઇપ્લા લોકવીટર' ના સિધ્ધાંત મુજબ ઓપરેશન બાદ તુરંત દર્દીની આંગળીઓનું હલન ચલન બંધ થઇ ગયેલાનું માનેલ અને દર્દીને હોસ્પીટલમાંથી બીજા રાજકોટના ડોકટરશ્રી દેકીવાડીયાને રેફરન્સ કરતા અને તે સમયે રેફરન્સ કરેલ. ડો. દેકીવાડીયા હાજર ન હોય તે હકીકતે પણ બેદરકારી માની ગુ.લક્ષ્મણભાઇ વઘાસીયાના પરીવાર વારસદારને રૂ. ૩,૦૦,૦૦૦ અરજીની તા.૧૦-૧૧-ર૦૦૯ થી વસુલાત થતા સુધી ૯ ટકાના વાર્ષિક વ્યાજ સહીત ચુકવવા આદેશ ફરમાવેલ હતો. જે હુકમ સામે ડો.રમેશ ગજેરા દ્વારા સ્ટેટ ફોરમ અમદાવાદ સમક્ષ અપીલ દાખલ કરેલ સ્ટેટ ફોરમે નીચેની કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદ પક્ષની જુબાની તથા વકીલશ્રીઓની દલીલોને ધ્યાને રાખી ડો. રમેશ ગજેરાની બેદરકારી માનેલ અને ડો.રમેશ ગજેરાએ કરેલ અપીલ રદ ફરમાવતો હુકમ કરી કઝયુમર ફોરમ જુનાગઢનો હુકમ કાયમ રાખેલ  હતો.સદરહું કામે ગુજરનાર  ફરીયાદી લક્ષ્મણભાઇ વઘાસીયા વતી સંદીપ એન.ભટ્ટ તથા ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા હિરેન ડી.લીંબડ, મોનીષ જોષી, કુલદીપસિંહ વાઘેલા, કરણ ડી.કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નિરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ.શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા,મૌલીક ગોધાણી, તથા સમીર શેરશીયા તથા ધારા બગથરીયા તથા પ્રિયંકાબેન તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(11:49 am IST)