Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સુરેન્દ્રનગર ડમ્પિંગ સ્ટેશનમાં આગ ચાંપવામાં આવતી હોવાની રાવ

રાત્રી દરમિયાન કચરો બાળી દેવામાં આવતા પ્રદૂષણ ફેલાતુ હોવાની ફરિયાદ : પાલિકા પ્રમુખે ખુલાસા માંગ્યા : કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨: સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા માં અત્યાર સુધીમાં શહેરી વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવ્યા છે જેમાં રસ્તા પ્રાથમિક સુવિધા ગટર સ્ટ્રીટલાઇટો કચરાનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા જેવા કરોડો રૂપિયાના વિકાસનાં કામો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા દ્વારા પોતાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યા છે.

નગરપાલિકા ની ચુંટણી માં ભાજપ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપે પોતાની સત્ત્।ા ફરી એક વખત જાળવી રાખી છે અને પ્રમુખ પદ વિરેન્દ્રભાઈ આચાર્યને સોંપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા ડમ્પિંગ સ્ટેશનમાં શહેરી વિસ્તાર નો કચરો સળગાવી નાખવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર નો વપરાશ થયેલો તમામ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં ઠાલવવામાં આવી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોઇપણ જાતનો ડમ્પિંગ સ્ટેશન માંથી શહેરી વિસ્તારના કચરાનો નિકાલ ન કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે ડમ્પિંગ સ્ટેશનમાં શહેરી વિસ્તારનો એકઠો થયેલો કચરાનો કોઈ નિકાલ કરવામાં ન આવતા કચરાના મોટા ડમ્પિંગ સ્ટેશનમાં જામ્યા છે. આ બાબતના પ્રશ્નનો નિવેડો લાવવા નગર પાલિકાના અધિકારીઓને પોતાની ઓફિસમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય દ્વારા બોલાવવામાં આવ્યા હતા.

પાલિકા પ્રમુખ દ્વારા ખુલાસો મૌખિક રીતે માંગવામાં આવતા નગરપાલિકા ના અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ જવાબમાં પાલિકા પ્રમુખે પૂછેલા પ્રશ્નનનો હાસ્યસ્પદ જવાબ આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન એ હતો કે રાત્રિ દરમિયાન ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગવાનું કારણ શું હોઈ શકે?

સામે નગરપાલિકાના અધિકારી દ્વારા આપવામાં આવેલ જવાબ માં રાત્રી દરમિયાન ડમ્પિંગ સ્ટેશનમાં દાવાનળ નીકળતો હોવાના કારણે આગ લાગી હોવાનો હાસ્યસ્પદ જવાબ આપ્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે આવો જવાબ સાંભળીને પાલિકા પ્રમુખ પણ હસી પડ્યા હતા અને બીજાને આવો જવાબ ના આપવા સલાહ પણ નગરપાલિકાના અધિકારીને આપી હતી. વધુમાં પાલિકા પ્રમુખે અધિકારી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરના સમયે પણ દાવાનળ નીકળી રહ્યા નથી તો રાત્રિ સમયે કેમ નીકળી ગયા છે તે એક મોટો સવાલ છે ત્યારે સામે અધિકારી એ મૌન ધારણ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો કે પાલિકાના કર્મચારીઓ દ્વારા જ આગ લગાવવામાં આવતી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે પોતાની ભૂલ સ્વીકારવા ના બદલે દાવાનળ નીકળતા હોવાના કારણે આગ લાગી હોવાનો પાલિકા પ્રમુખને ઉડાઉ જવાબ આપવામાં આવી હોવાની ચર્ચાએ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જોર પકડ્યું છે.

ત્યારે રાત્રિ દરમિયાન ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગવાના કારણે પ્રદૂષણ ફેલાયું છે અને હવામાં પ્રદુષણ ફેલાવી રહ્યું હોવાના કારણે સમગ્ર દિવસ આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને હવામાનમાં પણ પ્રદુષણ ફેલાવી રહ્યું હોવાના કારણે સુરેન્દ્રનગર પ્રદૂષણ વિભાગ ગમે ત્યારે પાલિકા સમક્ષ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

આગામી દિવસોમાં ડમ્પિંગ સ્ટેશનમાં આગ ન લાગે તેવા પ્રયાસો હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા અધિકારીને પૂછવામાં આવ્યું કે ડમ્પિંગ સ્ટેશન ઉપર નાખવામાં આવેલા કેમેરા ઉપરથી આગ કોણ લગાડે છે સ્પષ્ટ રીતે જાણવા મળશે ત્યારે સામે આવેલ અધિકારીએ જવાબ આપ્યો કે પમ્પિંગ સ્ટેશનના કેમેરા બંધ હાલતમાં છે બીજી તરફ રાત્રી દરમિયાન સિકયુરિટી હોવાનું પાલિકા પ્રમુખે પૂછ્યું ત્યારે અધિકારીએ જવાબ આપ્યો કે સિકયુરિટી ની કોઈપણ જાતની વ્યવસ્થા ડમ્પિંગ સ્ટેશન ઉપર નથી.

આ બાબતના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પાલિકા પ્રમુખ દ્વારા ઘટનાસ્થળનું નિરાકરણ બાદ યોગ્ય ઘટતા પગલાં ભરવામાં આવશે તેવું હાલમાં જણાવવામાં આવી રહ્યું છે.

(11:50 am IST)