Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મોરબીમાં કોરોનાનો હાહાકારઃ દરરોજ ૪૦૦થી ૫૦૦ કેસ ?

સરકારી આંકડાઓ ખોટા ? ટેસ્ટીંગ માટે કીટનો અભાવઃ દરરોજ હોસ્પીટલોમાં દર્દીઓની લાઈનોઃ તંત્ર તાત્કાલીક લોકોની વહારે આવે તેવી માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨ :. ગુજરાતમાં કોરોના કેસમાં દરરોજ વધારો થતો જાય છે ત્યારે મોરબીમાં પણ કોરોના કેસનો રાફડો ફાટયો હોય તેમ દરરોજ ૪૦૦થી ૫૦૦ કેસ નોંધાતા હોવાની ભારે ચર્ચા છે, પરંતુ તંત્ર દ્વારા બતાવવામાં આવતા આંકડા ખોટા હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યુ છે. મોરબીમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં દરરોજ સવારથી જ દર્દીઓની લાઈનો લાગે છે, પરંતુ કોરોના ટેસ્ટ માટેની કીટનો અભાવ હોવાથી અનેક જગ્યાએથી દર્દીઓને ટેસ્ટીંગ વગર જ ઘરે પરત ફરવુ પડે છે.

તંત્ર દ્વારા દરરોજ ૨૦થી ૨૫ પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવે છે પરંતુ સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં લોકોની લાઈનો જોતા દરરોજ ૪૦૦થી ૫૦૦ પોઝીટીવ કેસ આવતા હોય તેવુ ચર્ચાય રહ્યુ છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં પણ બેડ ખુટી પડયા છે.

આ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે અને આજથી જ કોરોના ટેસ્ટીંગ કીટ વધુ ફાળવવામાં આવશે અને ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવશે તેમ જણાવાયુ છે.

તંત્ર દ્વારા તાત્કાલીક લોકોની વહારે આવીને કોરોના ટેસ્ટીંગ માટે ઝડપી લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેથરીયાએ જણાવ્યું કે ૨૦૦૦ કીટ રોજ આવશે તેવી નીતિનભાઈએ ખાત્રી આપી છે. આજથી ટેસ્ટીંગનો કવોટા ૨૦૦૦નો થઈ જશે. પહેલા મોરબીનો ૫૦૦નો હતો.

  • મોરબી છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહોઃ સોશ્યલ મીડીયામાં ઓડિયો વાયરલ
  • સતિષભાઈએ ઓડિયો વાયરલ કર્યા બાદ બીજો ઓડિયો પણ વાયરલ કર્યો અને જાગૃત રહેવા અપીલ કરી

મોરબી, તા. ૨ :. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મેડીકલ સ્ટોર સંચાલક સતિષભાઈએ લોકોને કોરોના મહામારીમાં સાવચેત રહેવા માટે અને હાલની મોરબીની પરિસ્થિતિ ખૂબ જ વણસી હોવાની વાત ઓડિયો મેસેજના માધ્યમથી સોશ્યલ મીડીયામાં વાયરલ કરી છે.

ઓડિયો મેસેજમાં વધુમાં જણાવ્યુ છે કે હાલમાં કોરોના માટેના ઈન્જેકશન તથા દવા, ઓકિસજન સહિતનો સ્ટોક અપુરતો છે જેના કારણે લોકોને જવાબ આપવા અઘરા થઈ પડયા છે જેથી હું મારો મોબાઈલ, વોટસએપ બંધ કરી રહ્યો છું અને હું લોકો માટે કોઈ સેવા નહિં કરી શકું તેનો અફસોસ છે.

લોકોએ પોતાના જીવ બચાવવા હોય તો ફાર્મહાઉસ કે વાડી-ખેતરોમાં રહેવા જતુ રહેવુ જોઈએ. ગમે તેવુ અગત્યનું કામ હોય તો પણ બહાર ન નિકળવુ જોઈએ તેમ ઓડિયોમાં જણાવાયુ છે.

આ ઓડિયો વાયરલ થયા બાદ સતિષભાઈએ બીજો ઓડિયો પણ વાયરલ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીની જનતાએ આ મેસેજથી ગભરાવાની જરૂર નથી પરંતુ જાગૃતતા આવે તે માટે મેં મેસેજ વાયરલ કર્યો હતો અને મોરબી છોડીને જતા રહો.. તેવી વાત પણ મેં કરી હતી પરંતુ હવે લોકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે તેમ બીજા ઓડિયોમાં જણાવાયુ છે.

  • મોરબીમાં કોરોના ટેસ્ટ માટેની કિટો ઓછી આવતા અંધાધૂંધીઃ પોલીસ બોલવવી પડી
  • સોઓરડીમાં ૧૧૦ ટેસ્ટ કીટ સામે ૨૫૦થી વધુ લોકો ઉમટી પડયાઃ અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવા સામે લોકોમાં રોષ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨ :. મોરબીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે તેમાંય સરકારી અબર્ન સેન્ટરોમાં ટેસ્ટ કીટની અછતને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. આજે શહેરના અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોય એની સાથે ત્રણ ગણાથી વધુ લોકો ઉમટી પડતા એક તબક્કે પોલીસને દરમિયાનગિરી કરવી પડી હતી. હવે અર્બન સેન્ટરોમાં ટેસ્ટ માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય અને ટેસ્ટ કિટની અછતથી વારો આવતા ઘણી વાર લાગતા લોકોમાં ઉશ્કેરાટ વધ્યો છે.

મોરબીના અર્બન સેન્ટરોમા ટેસ્ટ કીટ કરતા વધુ સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમાં સામાંકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન સેન્ટરમાં ૧૧૦ જેટલી ટેસ્ટ કીટ સામે આશરે ૨૫૦ થી ૩૦૦ લોકો ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી લોકો ટેસ્ટ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યા લોકો ઉમટી.પડતા અને ટેસ્ટ કીટ ઓછી હોવાથી વારો આવતા ઘણો વિલંબ થવાથી લોકોમાં ઉહાપોહ મચ્યો હતો. આથી પોલીસને બોલાવવી પડી હતી. પોલીસની પીસીઆર વાન આવીને મામલો થાળે પાડ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ બરાસરાએ લોકોને સમજાવીને તેમનો રોષ શાંત પાડ્યો હતો.

મોટાભાગના અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવાથી ભારે હાડમારી ઉભી થાય છે. કારણ કે, દરેક અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ કરતા વધુ સંખ્યામાં લોકોનો ટેસ્ટ કરવા માટે અર્બન સેન્ટરોમાં ઘસારો રહે છે પણ ટેસ્ટ કીટ ઓછી હોવાથી ઘણી વાર બીજે દિવસે વારો આવે છે. પરસોત્ત્।મ ચોકના અર્બન સેન્ટરમાં વહેલી સવારથી લાઈનો લાગી હતી અને લોકો વધી જતાં મંડપ નાખવામાં આવ્યો છે. મોટાભાગના અર્બન સેન્ટરોમાં ઓછી કીટ હોય અને બપોર સુધી કીટ ખલાસ થઈ જતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અર્બન સેન્ટરો ઉપરાંત નજીકના પીએચસી અને સીએચસી સેન્ટરોમાં પણ લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આથી તંત્ર આ બાબતે સુચારુ આયોજન ગોઠવે તેવી માંગ ઉઠી છે. કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે.

  • મોરબીમાં કોરોનાનો કહેરઃ પ્રજા રામભરોષે ! સાંસદ, ધારાસભ્ય, કલેકટર આરોગ્ય વિભાગ કયારે જાગશે ? કોંગ્રેસના મહેશ રાજયગુરૂનો આક્રોશ

મોરબી, તા. ૨ :. છેલ્લા દસ દિવસમાં મોરબીમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકી હાહાકાર મચવેલ છે. છતાં જિલ્લા આરોગ્ય વિભાગ જાણે કઈ જ બન્યું ન હોય તેમ સતત આંકડા છુપાવવાના ખેલ ચાલુ રાખ્યા છે તો બીજી તરફ જાડી ચામડીના નેતાઓ મોરબીની જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે ભીડ ભેગી કરી તાયફા કરી રહ્યા છે. આ બધા વચ્ચે મોરબીની દવા બજારમાં છેલ્લા પાંચ દિવસમાં પેરાસીટામોલ,એજીથ્રો માઈસીન, ફેબી ફલૂની માંગમાં ઉછાળો આવતા સ્ટોક પણ ખૂટી પડ્યો છે તો રેમડીસીવર જેવા આવશ્યક ઈન્જેકશનના મોરબીમાં કાળાબજાર જેવા ભાવ ચૂકવવા છતાં ઇન્જેકશન ઉપલબ્ધ નહિ હોવાથી કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે મોરબીના લોકો જવાબદાર સાંસદ, ધારાસભ્ય અને કલેકટરને પૂછી રહ્યા છે હવે કયારે જાગશો ?

મોરબી શહેર જિલ્લામાં કોરોના વાયરસ ફરી બેકાબુ બન્યો છે ત્યારે કઠપૂતળીની જેમ નાચતા આરોગ્ય વિભાગ દ્વારા કે જવાબદાર તંત્ર માત્ર ત્ત્।ાલી વગાડી બેઠું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સબ સલામતના દાવા કરનાર આરોગ્ય તંત્રના દાવાની પોલ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ ખોલી નાખી છે અને રેપિડ ટેસ્ટ કીટ ન હોય દૈનિક ૨૦૦૦ કિટની ફાળવણી કરવા ગાંધીનગર આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે તેના ઉપરથી જ સ્પષ્ટ બને છે કે મોરબીમાં દરરોજ કેટલા નવા કોરોના દર્દીઓ આવી રહ્યા હશે.

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ કહેવાતા નેતાઓ જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે ભીડ એકત્રિત કરી મોરબી માટે જોખમ ઉભું કરી રહ્યા છે અને સરકારી બાબુઓ મૂંગા મોઢે આ બધો તમાસો નિહાળી રહ્યા છે આજે પ્રજા રામભરોસે હોય તેવી લાગણી અનુભવતા મોરબીવાસીઓ સાંસદ, ધારાસભ્ય અને કલેકટર જેવા જવાબદાર પદાધિકારી અને અધિકારીને પૂછી રહ્યા છે કે સાહેબો હવે કયારે જાગશો ? લોકો મરવા લાગે ત્યારે જાગશો ? તેમ મહેશ રાજયગુરૂ પૂર્વ પ્રમુખ મોરબી શહેર કોગ્રેસ સમિતિએ જણાવ્યુ છે.

(3:09 pm IST)