Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના રાજ્યોના વિકાસને નવો વેગ આપવામાં આવ્યો છે:કેન્દ્રીય રાજ્ય મંત્રી બી.એલ.વર્મા : માધવપુરની રજને માથે ચડાવી નમન કરૂ છુ: માધવપુરના મહાત્મ્યથી ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સાંસ્કૃતિક એકતાના તાંતણે બાંધવાનુ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા , રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

પોરબંદર તા.૧    માધવપુર ઘેડના પરંપરાગત અને હાલ રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થયેલા મેળાના ત્રીજા દિવસે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્ય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ અને ઉત્તર પુર્વ વિકાસ મંત્રાલય રાજ્ય મંત્રી બી.એલ. વર્મા તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવો સહભાગી બન્યા હતા.

આ તકે નોર્થ-ઈસ્ટ ડેવલપમેન્ટ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ મેળાની ભવ્યતા અને દિવ્યતા જોઈને ગૌરવ મહેસૂસ કરું છું, પૂર્વોત્તર રાજ્યોના કલાકારો અને કારીગરો ઉત્સાહથી આ આ ઘેડ મહોત્સવમાં જોડાય છે અને રાજ્ય સરકાર એમને પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્તર પૂર્વ રાજ્યના લોકો ઓછા સંશોધનમાં ખુશ રહે છે, ત્યાંની સંસ્કૃતિ અને વિરાસત ખૂબ જ વિશાળ છે એમ જણાવી પ્રકૃતિનુ સંવર્ધન કરતા ઉત્તર પુર્વીય લોકોના પ્રેરણાદાયી જીવનની વાત કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનો સાંસ્કૃતિક વિકાસ, વિશ્વમા ભારતની હાલની નામના અને ૨૦૧૪ પછી દેશના વિકાસમાં લેવાયેલ મહત્વના પગલાની રૂપરેખા આપી માધવપુરના મેળામાં બે સંસ્કૃતિના અનુબંધને ગૌરવશાળી ગણાવ્યુ હતું. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના રાજ્યોના વિકાસને નવો વેગ આપવામાં આવ્યો છે.

 હાલ ભારતમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ રાજ્યોના વિકાસમાં ખૂબ કામ કર્યું છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં સહભાગી બન્યો એ મારા માટે ગૌરવની વાત છે. 

કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સાંસ્કૃતિક પુન: ઉત્થાનનો યુગ શરૂ થયો છે. દેશના આસ્થા કેન્દ્ર એવા કાશી, કેદારનાથ, ઉજ્જૈન, સોમનાથ સહિતના યાત્રાધામોને નવી ભવ્યતા અને દિવ્યતા બક્ષવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

    ભગવાન કૃષ્ણ અને માતા રુકમણીના વિવાહ પ્રસંગના માધ્યમથી પૂર્વ અને પશ્ચિમ ભારતનું આ જોડાણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની નેમ સાર્થક કરે છે. ભગવાન કૃષ્ણના સમયથી ભારત સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક હતું. તે આ માધવપુરનો મેળો અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગથી ચરિતાર્થ થાય છે.

    દેશમાં એકરૂપતા અને એકતાની ભાવનાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ પ્રકલ્પો -ઉત્સવ દ્વારા મજબૂત કરી રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રીશ્રી ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક વિઝન એક વિઝન સાથે આગળ વધી રહ્યા છે. તેમના સફળ અને સક્ષમ નેતૃત્વના પરિણામે સમગ્ર વિશ્વ પ્રધાનમંત્રી શ્રી મોદીની વાતને સાંભળે છે.

   કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ વ્રજની રજને માથે લગાવવાથી કલ્યાણ થાય છે. તેમ આજે માધવપુરની રજના સ્પર્શથી ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. અંતમાં મંત્રીશ્રીએ ઉત્તર પૂર્વના રાજ્યમાંથી પધારેલા કલાકારોનું સ્વાગત -અભિવાદન કર્યું હતું.

આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની એકતા,અખંડતા, ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા માટે  તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય તે માટે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ હેઠળ સાંસ્કૃતિક વિરાસતોની જાણવણી દ્વારા દેશને જોડવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કામ કર્યું છે. કેદારનાથ મંદિર, અંબાજી મંદિરના ગુંબજ પર ધ્રજા ચડાવી, ઉજ્જેનના મહાકાલનો જીર્ણોદ્ધાર, કાશીનો વિકાસ તથા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પ્રયાસો કરી ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશને એક તાંતણે બાંધવાનું મહત્વનું કામ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સાંસ્કૃતિક એકતાના તાંતણે બાંધવાનુ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અંતમાં તેમ તેમણે ઉમેર્યું હતું. 

માધવપુર ઘેડના મેળામાં ત્રીજા દિવસે ઉત્તર પુર્વના કલાકારો  અને ગુજરાતના કલાકારોએ ગોવાળીયો રાસ મંડળ દ્વારા હુડો રાસ તેમજ બહેનો દ્વારા તલવાર રાસ સહિતના સંસ્કૃતિક ધરોહર ઉજાગર કરતા કાર્યક્રમો રજુ કરાયા હતા. તેમજ સુપ્રસિદ્ધ કલાકાર  ગીતાબેન રબારી અને સાહિત્યકારોએ  આગવી શૈલીમા લોકસાહિત્ય અને લોકગીતો રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 

કલેક્ટર શ્રી અશોક શર્માએ શાબ્ધિક સ્વાગત કરી મહાનુભાવોને આવકાર્યા હતા. અને અંતમાં તુષાર જોષીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યો  ભગવાનજીભાઈ કરગઠીયા,  દેવાભાઈ માલમ, પોરબંદર જિલ્લા ઈન્ચાર્જ ડીડીઓ રેખાબા સરવૈયા,અધિક કલેક્ટર મેહુલભાઈ જોષી સહિતના મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

(10:15 am IST)