Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જસદણ તાલુકાના ભાડલા વિસ્‍તારના ૧૪ ગામડાઓમાં પંદર દિવસે મળતું પાણી

પૂરતું પાણી આપવા જી.પં. સભ્‍ય મનસુખભાઈ સાકરિયાની માંગણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨: જસદણ તાલુકાના ભાડલા વિસ્‍તારના અંદાજે ૧૪ જેટલા ગામડાઓમાં અંદાજે ૧૫ થી ૨૦ દિવસે નર્મદાનું પાણી મળતું હોય નાગરિકોમાં હાહાકાર મચી ગયો છે. પાણી વગર લોકો વલખા મારી રહ્યા છેᅠ

રાજકોટ જિલ્લા પંચાયતમાં જસદણ તાલુકાની ભાડલા બેઠકના જી. પં. નાંᅠ સભ્‍ય મનસુખભાઇ સાકરીયાના જણાવ્‍યા મુજબ જસદણ તાલુકાના ભાડલા વિસ્‍તારના કનેસરા, દહીસરા, ભાડલા, વેરાવળ, રાણીગપર, રણજીતગઢ, બોદ્યરાવદર, વીરપર, આઘીયા, ગઢડીયા, ખડવાવડી, શાંતિનગર, કુંદણી, રાજાવડલા (જસ) સહિતના ગામડાઓમાં અંદાજે ૧૫ થી ૨૦ દિવસે નર્મદાનું પીવાનું પાણી મળે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણીની જરૂરિયાત પણ વધારે રહેતી હોય છે. આવી સ્‍થિતિમાં આ વિસ્‍તારના ગામડાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જે તેᅠ ગામડાના સ્‍થાનિક કૂવા તથા બોરના પાણીના ્વોત પણ ઉપલબ્‍ધ ન હોવાથી તેમજ અનેક કુવા બોરમાં પાણી ખૂટી ગયા હોવાથી આ દરેક ગામડાઓમાં પાણી માટે ફરજિયાત નર્મદાના પાણી ઉપર જ આધાર રાખવો પડે તેમ છે.બહેનો, ભાઈઓ, ખેડૂતો, માલધારીઓ વગેરે પાણી વગર પારાવાર સમસ્‍યાઓ ભોગવી રહ્યા છે. માણસો ઉપરાંત પશુઓને પણ પીવાના પાણીની સમસ્‍યા છે. પાણી એ પાયાની જરૂરિયાત હોય પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ તમામ ગામડાઓમાં નિયમિત પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે તે જરૂરી છે. પાણીની આ વિકટ સમસ્‍યાનો દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ રાજકોટ જિલ્લા પંચાયતના જસદણ તાલુકાના સભ્‍ય મનસુખભાઇ સાકરીયાએ આપી છે.

(12:13 pm IST)