Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઉનાઃ બાઇક પાછળ બેઠેલી મહિલા ફંગોળાયને ટ્રકના વ્‍હીલ નીચે આવી જતા કમકમાટીભર્યુ મૃત્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨: બસ સ્‍ટેશન પાસે બે મોટર સાયકલો ભટકાતા એક બાઇક પાછળ બેઠેલી ઝરુનબેન નામની મહીલા રોડ ઉપર પડી જતા અને તે સમયે આવી રહેલ ટ્રકનાં પાછલા વ્‍હીલનાં જોટામાં આવી જતા ઝરુનબેનનું મોત નિપજયું છે.

એસ.ટી. બસ સ્‍ટેશન પાસે ગની માર્કેટ જતા રોડ ઉપર ઉના નદીના સામે કાંઠે રહેતા અનવર અલી કાસમઅલી રફાઇ જાતે ફકીર  મુસ્‍લીમ (ઉ.વ.૪૪) પોતાની મોટર સાયકલ  ઉપર તેમની પત્‍ની જરૂબેન તથા એક બાળકને લઇ દેલવાડા ઇદ દેવા ગયા હતા અને પરત ઘરે ફરતા હતા ત્‍યારે એસટી બસ સ્‍ટેશનના પાસે ગની માર્કેટ જતા રોડ સામે એક મોટર સાયકલ નંબર જીજે ૩ર-એ-૪૯૭ર પુરઝડપે બેદરકારીથી ચલાવી અનવરભાઇના મોટર સાયકલ સાથે ભટકાવતી સ્‍ટેરીંગ ઉપર કાબુ ન રહેતા પાછળ બેઠેલ ઝરૂનબેન અનવરભાઇ રોડ ઉપર પડી જતા ત્‍યારે તે સમયે આવેલા એક ટ્રક નંબર જીજે-૧-યુએફ-૦૧૮૭ ના પાછળના ટાયરના જોટામાં માથુ આવી જતા માથામાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.

અકસ્‍માતમાં અનવરભાઇને તથા પૌત્ર મેહબુબને ઇજા થતા દવાખાને સારવાર માટે દાખલ કરેલ. ઉના પોલીસમાં મોટર સાયકલ ચાલક સામે અકસ્‍માત કરી પત્‍નીનું મોત નિપજાવી ની ફરીયાદ નોંધાવી હતી. મરણ જનાર મહિલાને ૬ દિકરી ૧ દિકરો હતો તેમણે માતાની છત્રછાંયા પવિત્ર રમઝાન માસમાં ગુમાવતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

(12:17 pm IST)