Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઉનાળાના વેકેશનના કારણે જુનાગઢ ગિરનાર રોપ-વેની મજા માણવા આવતા પ્રવાસીઓ માટે સમય લંબાવાયો

સવારના ૭થી સાંજના ૬ વાગ્‍યા સુધી લાભ લઇ શકાશે : આસિસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસિડેન્‍ટ દિપક કપલીશની જાહેરાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : ઉનાળાના વેકેશનના કારણે જુનાગઢ ગિરનાર રોપ - વેની મજા માણવા આવતા પ્રવાસીઓ માટે રોપ - વેનો સમય લંબાવાયો છે. ગઇકાલથી સવારના ૭ થી સાંજના ૬ વાગ્‍યા સુધી લાભ લઇ શકાશેᅠ તેમ આસિસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસિડેન્‍ટ દિપક કપલીશએ જણાવ્‍યું છે.

જયાં ગ્રીષ્‍મ ઋતુ અને વર્ષાઋતુના સુમેળભર્યા સંયોજનની અનોખી ઋતુનું મિશ્રણ પગરવ માંડી રહ્યું છે ત્‍યારે, જયાં ગીરના કેસરી સાવજના પગરણ માંડતા હોય અને એને નિહાળવાનો લહાવો મળતો હોય, સાથે સાથે ઉનાળામા અસલ કેસર કેરીની મજા માણવાનો સમય હોય, જયાં અનેક દેવી-દેવતાઓ બિરાજમાન હોય અને જયાં લીલાછમ વનરાજી સાથે સવારનું ખુશનુમા ઠંડુ વાતાવરણ અને સાંજની પ્રાકૃતિક ઢળતી સંધ્‍યાનું, મંદિરોના ઘંટારવથી ગુંજતું ધર્મમય આસપાસનું વાતાવરણ ગુંજતું હોય એવા ગિરનારની સમીપે ઉનાળાની રજાઓમા આવો અને મોજ માણો...

આ અદ્‌ભૂત અનુભવ માણવા માટે ઉનાળાની ઠંડી સવાર અને સાંજ નીચા ઉષ્‍ણતામનની પળો પરિવાર સંગાથે વિતાવો ગિરનારની ગોદમાં. મુલાકાતીઓ, યાત્રિકો અંબાજી અને જૈન મંદિર તથા દતાત્રેય મંદિરના સવાર / સાંજની સમય દરમ્‍યાનના ખુશનુમા વાતાવરણમા દર્શન યાત્રાનો લાભ લઇ શકે છે, જૈન સમુદાયના શ્રધાળુંઓ વહેલી સવારે મંદિરની પ્રક્ષાલન વિધિનો વિશેષ અનોખો લાભ પણ પામી શકે છે.

ગીરનાર રોપ-વે દ્વારા ડેસ્‍ટીનેશન પ્રોત્‍સાહન માટે અને ઉનાળાની લાંબી રજાઓને માણવા માટે ગીરનાર રોપ-વેના સંચાલનનો સમય સવાર - સાંજ લંબાવીને તા. ૧લી મે થી ૩૦મી જુન ૨૦૨૨ના સમયગાળા માટે સવારના ૭.૦૦ કલાક થી સાંજે ૬.૦૦ સુધી  રાખવામા આવ્‍યો છે, જેનો વિશેષ લાભ તમામ મુલાકાતીઓને લઇ શકે છે. યાત્રાળુઓની સુવિધા માટે કેબીનમાં ખાસ મધુર સંગીતની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ખાસ જુનાગઢ શહેરવાસીઓ માટે લોકલ ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમ અસ્‍તિત્‍વમાં  હોય સવાર - સાંજ લાભ લઇ શકે છે.

ઉનાળાની ગરમીમાં યાત્રાળુઓને રાહત મળે તે માટે ઉપરના સ્‍ટેશન પર ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન દ્વારા પાણી પરબ અને પ્રાથમિક સારવારની સુવિધા / ડિહાઇડ્રેશન ઓઆરએસ / ગ્‍લુકોઝ પાણી વગેરે. વ્‍યવસ્‍થા છે.

રોપ-વે સંચાલન અંગેની વધુ જાણકારી મેળવવા ૨૪ કલાક માટે ગ્રાહક સેવા નંબર  ૯૯૦૯૯૨૫૦૭૦ કાર્યરત કરવામાં આવ્‍યો છે. તેમ દીપક કપલીશ આસીસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસીડેન્‍ટએ જણાવ્‍યું છે.

(12:23 pm IST)