Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગર બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે જેઠાલાલની ઉપસ્‍થિતિમાં અભિવાદન સમારોહ

શતાબ્‍દી સેવક અભિવાદન સમારોહમાં સંતો-હરિભકતોની ઉપસ્‍થિતિ : ૭ર હજારથી વધુ હરિભકતોએ ર૪ લાખથી વધુ ઘરોમાં પારિવારિક શાંતીના અમૃત ઘુંટાવ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર : ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.'

આ જીવનમંત્ર હતો, પરબ્રહ્મ ભગવાન સ્‍વામિનારાયણ પાંચમા અનુગામી બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજનો. નિસ્‍વાર્થભાવે લોકસેવામાં આખું આયખું સમર્પિત કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્‍ય લોકોને સાચો રાહ ચીંધીને સુખી અને સ્‍વસ્‍થ સમાજ-પરિવાર-જીવનની એક અનોખી કેડી રચી છે. સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્‍વામી મહારાજે પોતાના ૯૫ વર્ષના જીવનકાળ દરમ્‍યાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્‍યાં હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. જામનગર ખાતે જેઠાલાલ ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

તેઓના અનેક શાસ્‍વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રુબરુ જઈને, લાખો પરિવારોને રૂબરૂ મળી મળીને તેમણે પારિવારિક શાંતિનાં જે અમળત પાયાં હતાં, તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્‍ય લોકો માણી રહ્યા છે, અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્‍મરણ કરી રહ્યા છે. પ્રમુખસ્‍વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમળતને, તેઓના શતાબ્‍દી પર્વે બીજાં અસંખ્‍ય પરિવારોમાં વિસ્‍તારવા માટે, તેઓના આધ્‍યાત્‍મિક અનુગામી મહંત સ્‍વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું.

પ્રમુખસ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવના ઉપક્રમે વિરાટ પાયા પર આ જનસંપર્ક કરવાનું નક્કી થયું. ૨૦૧૯ના શરદપૂર્ણિમાના પર્વે ગોંડલ ખાતે યોજાયેલ સંસ્‍થાની સંયોજન સમિતિમાં આ અભિયાન અંગે વિશદ ચર્ચા-વિચારણા થઈ. પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે આ અભિયાનનું નામાભિધાન કર્યું, પારિવારિક શાંતિ અભિયાન.

પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવના ઉપક્રમે આ અભિયાન હોવાથી આ સેવામાં જોડાનાર પુરુષ-મહિલા હરિભક્‍તોને શતાબ્‍દી સેવકની ઓળખ આપવામાં આવી. સંપર્ક દરમ્‍યાન સૌ કોઈ તેમને પ્રથમ નજરે ઓળખી શકે, તે માટે ઓળખપત્ર વગેરે તૈયાર કરવામાં આવ્‍યા.સ્ત્રી-પુરુષ શતાબ્‍દી સેવકો પારિવારિક શાંતિનો સંદેશ લઈને ઘરોઘર ઘૂમવાના હતા, એટલે તેમનો ગણવેશ પણ એવો સૌમ્‍ય નક્કી કરવામાં આવ્‍યો. સંપર્ક દરમિયાન દરેક ઘરે આપવામાં આવનાર સાહિત્‍ય, પારિવારક શાંતિનાં પ્રમુખસ્‍વામી મહારાજનાં પ્રેરણાસૂત્રોને આલેખતું આકર્ષક પોસ્‍ટર, પોકેટ કેલેન્‍ડર, પધરામણીની મૂર્તિ, સાહિત્‍ય રાખવા માટે શતાબ્‍દી બેગ તથા કાપડની હેન્‍ડ બેગ વગેરે સામગ્રીથી પણ તેમને સજ્જ કરવામાં આવ્‍યા.

આ અભિયાન દરમ્‍યાન જેમનો સંપર્ક કરવામાં આવ્‍યો હોય તેવા સદભાવીને સંપર્ક બાદ પણ પારિવારક શાંતિની પ્રેરણા સતત પ્રાપ્ત થતી રહે તે માટે, બે નૂતન મોબાઈલ ફોન એપ્‍લીકેશન - ‘પ્રમુખસેતુ એપ્‍લિકેશન' અને ‘પ્રેરણાસેતુ એપ્‍લીકેશન' તૈયાર કરવામાં આવી.

આ અભિયાનને અમલમાં મૂકતાં પહેલાં, યોગ્‍ય કાર્યવાહીની ચકાસણી માટે ચાર શહેરી અને પાંચ ગ્રામ્‍ય ક્ષેત્રોમાં પાયલોટ પ્રોજેક્‍ટ કરવામાં આવ્‍યો. ૧૦/૧૧/૧૯ થી ૧૭/૧૧/૧૯ એટલે કે એક સપ્તાહ દરમ્‍યાન યોજાયેલ આ પાયલોટ પ્રોજેક્‍ટમાં ૧૫૦ પુરુષ-મહિલા શતાબ્‍દી સેવકોએ સદભાવીઓનો સંપર્ક કર્યો. આ પાયલોટ પ્રોજેક્‍ટમાં જોડાનાર શતાબ્‍દી સેવકોનાં અનુભવો તથા સૂચનોના આધારે અભિયાનની અંતિમ સ્‍તરની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી.

પારિવારિક શાંતિ અભિયાનની પ્રાથમિક સમજૂતી તેમજ શતાબ્‍દી સેવકોની નોંધણી અંગેની માહિતી, પ્રતિ વર્ષ યોજાતી ડિસેમ્‍બર - ૨૦૧૯ની કાર્યકર શિબિરમાં ૧૮,૦૦૦ પુરુષ-મહિલા કાર્યકરોને આપવામાં આવી.

કાર્યકર શિબિર બાદ શતાબ્‍દી સેવકોને જ્‍યાં સંપર્ક કરવા માટે જવાનું હતું, તે સંપર્કનાં ગામો તથા શહેરોમાં સંપર્ક પરિસરોની પસંદગી અને સોંપણી કરવાની કાર્યવાહી શરૂ થઈ.

ચાર મહિનાના આ અભિયાનમાં દરેક શતાબ્‍દી સેવકના વળંદે ૩૦૦ ઘરનો સંપર્ક કરવાનો હતો. શહેર વિસ્‍તારમાં બે શતાબ્‍દી સેવકોનું એક વળંદ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચાર શતાબ્‍દી સેવકોનું એક વળંદ બનાવવામાં આવ્‍યું. ગ્રામ્‍ય વિસ્‍તારમાં દરેક શતાબ્‍દી વળંદને સંપર્ક કરવા માટે બે નવા સંપર્ક ગામ સોંપવામાં આવ્‍યાં. પુરુષોની જેમ મહિલા તથા યુવતીઓની પણ શતાબ્‍દી સેવક તરીકેની નોંધણી થઈ અને તેમને પણ સંપર્ક પરિસર તથા સંપર્ક ગામ સોંપવામાં આવ્‍યા.

શતાબ્‍દી સેવકોએ આ અભિયાન દરમ્‍યાન તદ્દન અજાણ્‍યા ઘરે સંપર્ક માટે જવાનું હતું. એટલે તે માટે જરૂરી હતી, યોગ્‍ય તાલીમની. તે માટે સૌપ્રથમ શતાબ્‍દી સેવક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી, જેમાં સંપર્ક કરવા અંગેની દરેક ઝીણી-ઝીણી વિગતો સમાવવામાં આવી. વળી, શતાબ્‍દી સેવકો મોટી સંખ્‍યામાં નોંધાયા હતા એટલે તેમને તાલીમ આપવા માટે મોટી સંખ્‍યામાં ટ્રેઈનર્સની જરૂર ઊભી થઈ. સત્‍સંગ પ્રવળત્તિ મધ્‍યસ્‍થ કાર્યાલયના સંતોએ પાંચ અલગ-અલગ સ્‍થળે ૨૯૦ જેટલાં સંતો-કાર્યકરોને ટ્રેઈનર્સ તરીકેની ચાર કલાકની ટ્રેનિંગ આપી, તેમજ તેમને મૂંઝવતા પ્ર‘ોનું સમાધાન પણ આપ્‍યું.

હવે તાલીમબદ્ધ થયેલ ટ્રેઈનર્સ સંતો-કાર્યકરો શતાબ્‍દી સેવકોને તાલીમ આપવા પૂર્ણ સજ્જ થઈ ગયા અને શતાબ્‍દી સેવક તાલીમનો વિગતવાર કાર્યક્રમ ઘડાયો. આ તાલીમમાં મુખ્‍યત્‍વે પ્રત્‍યેક ઘરના આશરે ૨૦-૨૫ મિનિટના સંપર્ક દરમ્‍યાન કરવાની પ્રત્‍યેક કાર્યવાહીનું સૂક્ષ્મ નિદર્શન દર્શાવવામાં આવ્‍યું. આવી શતાબ્‍દી સેવક તાલીમો સમગ્ર ભારતમાં જુદી જુદી કુલ ૩૦૪ જગ્‍યાઓ પર યોજાઈ.

પારિવારિક શાંતિ અભિયાન માટે સત્‍સંગ પ્રવળત્તિ મધ્‍યસ્‍થ કાર્યાલય દ્વારા કુલ ૨૧ પ્રકારની સામગ્રી તૈયાર કરવામાં આવી હતી, જે આયોજનબદ્ધ રીતે ઠેરઠેર શતાબ્‍દી સેવકો સુધી પહોંચાડવામાં આવી.

૧લી માર્ચ, ૨૦૨૦ અભિયાનના પ્રારંભનો દિવસ નક્કી કરવામાં આવ્‍યો. તે પૂર્વે તા.૧૮/૨/૨૦૨૦ના રોજ અટલાદરા ખાતે પારિવારિક શાંતિ અભિયાનના પ્રેરણાદાતા ગુરુહરિ મહંત સ્‍વામી મહારાજના સાંનિધ્‍યમાં અભિયાનનો ઉદ્ધાટન સમારોહ યોજાયો. આ ઉદ્ધાટન સમારોહથી તમામ શતાબ્‍દી સેવકોમાં દિવ્‍ય ચેતનાનો સંચાર થયો. સૌ શતાબ્‍દી સેવકો સંપર્ક કરવા માટે જવા થનગની રહ્યા હતા. આ તમામ શતાબ્‍દી સેવકોને તેમના સ્‍થાનિક મંડળમાં સેવાના આ મંગલકાર્ય માટે શુભેચ્‍છા પણ પાઠવવામાં આવી.

૧ માર્ચ ૨૦૨૦ના રોજ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે આણંદ ખાતે પ્રાતઃકાળે દીપ પ્રગટાવીને પારિવારિક શાંતિ અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો. પ્રમુખસ્‍વામી મહારાજના પારિવારિક શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્‍દી સેવકો ગામડે - ગામડે અને શહેરી વિસ્‍તારોમાં ઘૂમવા મંડ્‍યા.

પ્રત્‍યેક ઘરના સંપર્ક દરમ્‍યાન શતાબ્‍દી સેવકોએ પ્રમુખસ્‍વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (૧) ઘરસભા (૨) સમૂહ ભોજન (૩) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિઃસ્‍વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંયને વ્‍યસનો પણ છોડાવ્‍યાં. પ્રત્‍યેક મુલાકાતને અંતે સદભાવીના પરિવારમાં સર્વપ્રકારે સુખ-શાંતિ રહે તે માટે શતાબ્‍દી સેવકો હૃદયપૂર્વક પ્રાર્થના કરીને વિદાય લેતા હતા ત્‍યારે સંપર્ક માટે સમય આપવા બદલ આભાર માનવાનું ચૂકતા નહીં.

આ અભિયાન માત્ર ૧૨ દિવસ ચાલ્‍યું ત્‍યાં અચાનક કોરોના મહામારીનું આક્રમણ થયું અને જાહેર જનજીવનની સુરક્ષાને લક્ષમાં લઈને સંસ્‍થા દ્વારા આ અભિયાન તા.૧૩/૩/૨૦૨૦થી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્‍યું.

મહામારીના લગભગ પોણા બે વર્ષ બાદ પુનઃ આ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું. જો કે વચ્‍ચે ઘણો સમય પસાર થઈ જવાથી બધા જ શતાબ્‍દી સેવકોને ફરીથી તાલીમ આપવામાં આવી. ફરી એકવાર પ્રમુખસ્‍વામી મહારાજના શતાબ્‍દી વર્ષે તેમનો પારિવારિક શાંતિનો સંદેશ પ્રસરાવવા સૌ શતાબ્‍દી સેવકો તાલીમ અને ઉપયુક્‍ત સામગ્રીઓ સાથે સેવામાં સુસજ્જ થઈ ગયા. અને એ હજારો શતાબ્‍દી સેવકો સાથે તા. ૩૧/૧/૨૦૨૨ના દિનથી પુનઃ આ અભિયાન સતત અઢી મહિના સુધી વણથંભ્‍યું દોડતું રહ્યું. આ અભિયાન દરમ્‍યાન સૌ શતાબ્‍દી સેવકોના ઉત્‍સાહને વેગ આપતું દૃશ્‍ય-શ્રાવ્‍ય-પ્રિન્‍ટ સાહિત્‍ય મધ્‍યસ્‍થ કાર્યાલય દ્વારા સમયાંતરે ઠેરઠેર વહેતું રહ્યું. સમયે સમયે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ પોતાનાં પ્રેરણાવચન દ્વારા સૌમાં શક્‍તિસંચાર કરતા રહ્યા અને તેમણે દરેક શતાબ્‍દી સેવક વળંદ ૨૦૦ ઘરનો સંપર્ક કરે જ, એવો લેખીત ધ્‍યેય બાંધી આપ્‍યો.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણ અને બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજની સ્‍મળતિ સાથે, પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ મહંત સ્‍વામી મહારાજના આશીર્વાદ લઈને નિઃસ્‍વાર્થભાવે ઘરોઘર ઘૂમતા આ શતાબ્‍દી સેવકોને સૌ તરફથી અણધાર્યો આવકાર અને પ્રતિસાદ મળવા લાગ્‍યો. આ શતાબ્‍દી સેવકો તો કેટલાકને ભગવાનના સાક્ષાત્‌ દૂત સમાન લાગ્‍યા, ભગવાને જ તેમને પોતાના ઘરે મોકલ્‍યા હોય તેવો કેટલાયને અનુભવ થયો. ઠેરઠેર શાંતિનાં વાવેતર કરીને પ્રમુખસ્‍વામી મહારાજનો સંદેશ પ્રસરાવતા આ શતાબ્‍દીસેવકો પણ તેના મધુર પરિણામો પામીને ગદગદ થઈ જતા હતા.

(2:07 pm IST)