Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીના વોર્ડ નં ૧૧ માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ : લોકોને બંધારણીય સુવિધા આપવા “આપ” ની માંગણી .

નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી

મોરબી શહેરના વોર્ડ નં ૧૧ માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી બંધારણીય સુવિધાઓ આપવા માંગ કરી છે
આપ દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર-૧૧ માં આવેલ રોલા રાતડીયાની વાડી, કપોરીની વાડી, શિયાળની વાડી, પાનેલીની વાડી, સામતાની વાડી તેમજ ખાનરોલાની વાડીમાં ૫ હજારની વસ્તી વસવાટ કરે છે જે વસ્તી હજુ સુધી પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળે છે મુખ્યતવે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનો વર્ષો જુનો પ્રશ્ન છે. આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી
જેથી આજે આમ આદમી પાર્ટી મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રકારની વ્હાલા દાવલા નીતિથી બહાર આવી લોકોના પ્રશ્નો ઉકેલાય તેવી માંગ કરી હતી અને પ્રશ્નો નહિ ઉકેલાય તો વિસ્તારના રહીશોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
આવેદન આપતી વેળાએ આમ આદમી પાર્ટી પ્રમુખ મુકેશ હડિયાલ, ઉપપ્રમુખ અરવિંદ ગઢવી, રાજેન્દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી વિશાલ દવે, મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ, લઘુમતી સેલ પ્રમુખ કરીમ જામ,  યુવા ટીમમાંથી હુસેન શાહમદા, વૉર્ડ નંબર 11 ના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ આપ નેતા પરેશ પારીઆની યાદીમાં જણાવ્યું છે.

 

(11:09 pm IST)