Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

માણાવદર -૪, વંથલી-૩, માળીયાહાટીના-ર ઇંચ : જુનાગઢમાં ધોધમાર : ગિરનાર રોપ-વે બંધ : સૌરાષ્‍ટ્રના ૧૩ તાલુકામાં ઝાપટાં

જુનાગઢ જિલ્લામાં આજે પણ મેઘરાજાની મહેર : સર્વત્ર મેઘાવી માહોલ જામતા સાર્વત્રિક વરસાદ તૂટી પડશે : રાજકોટમાં મેઘાવી માહોલ વચ્‍ચે ધીમીધારે વરસતો વરસાદ

રાજકોટ, તા. ર : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ મેઘાવી માહોલ વચ્‍ચે ઝાંપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડયો છે. આજે જુનાગઢ જિલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન થયા છે. અને માણાવદરમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે વંથલીમાં ૩ ઇંચ અને માળીયા હાટીનામાં ર ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરા, ધારી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને ભાણવડ તથા ગિરસોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, ગિર-ગઢડા, તાલાલા, વેરાવળ, સુત્રાપાડા તેમજ જામનગર જિલ્લાના જોમજોધપુર તથા પોરબંદર જિલ્લાના કુતિયાણા તેમજ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ઝાંપટા વરસ્‍યા છે.
રાજકોટમાં પણ આજે બપોરે ૧ર વાગ્‍યાથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
 માણાવદર
(પ્રશાંત રૂપારેલીયા દ્વારા) માણાવદર : માણાવદરમાં સવારથી મેઘાવી માહોલ સર્જાયો છે અને કયારેક હળવો તો કયારેક ધોધમાર વરસાદ વરસી જાય છે. કાળાડીબાંગ વાદળા છવાયા છે. આવા વાતાવરણ વચ્‍ચે ૪ ઇંચ વરસાદ તૂટી પડયો છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જૂનાગઢમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ બપોર સુધીમાં માણાવદરમાં ચાર ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ અને માળીયામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
અષાઢી બીજથી જૂનાગઢ જિલ્લામાં શરૂ થયેલ મેઘ સવારી આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. આ સમગ્ર જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે જેથી ધરતીપુત્રોમાં ખુશી વ્‍યાપી ગઈ છે.
આજે સવારે પુરા થયેલા ર૪ કલાક દરમ્‍યાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૨૮ મીમી (૧૩ ઈંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બે-બે ઈંચ વરસાદ વિસાવદર અને વંથલી તાલુકામાં નોંધાયો હતો.
દરમ્‍યાન આજે બીજા દિવસે સવારથી મેઘ કળતા વરસી રહી છે અને વિસાવદર તેમજ વંથલી પંથકમાં સવારથી વરસાદ હોવાથી નજીવન પ્રભાવિત થયુ છે.
આજે સવારે આઠ વાગ્‍યે એક કલાકમાં માણાવદર ખાતે બે ઈંચ વરસાદ વરસતા સમગ્ર માણાવદર શહેર પાણી પાણી થઈ ગયુ હતુ આ પછી પણ ૧૦ થી ૧ર દરમિયાન વરસાદ ચાલુ રહેતા વધુ બે ઈંચ પાણી પડયાનુ નોંધાયુ હતુ. આમ સવારથી બપોરના ૧ર વાગ્‍યા સુધીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
વંથલી પંથકમાં આજે પણ વરસાદ ચાલુ રહેતા બપોર સુધીમાં વધુ ત્રણ ઈંચ પાણી પડયાનુ નોંધાયુ છે. આજ પ્રમાણે માળીયાહાટીના પંથકમાં સવાર ૬ થી બપોરના ૧ર દરમિયાન વધુ બે ઈંચ વરસાદ થયો છે.
જૂનાગઢ શહેરમાં સવારથી ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ સવારના ૧૦ વાગ્‍યાથી મેઘરાજાએ સ્‍પીડ પકડી હતી અને બપોર સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ લખાય છે ત્‍યારે પણ જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં વરસાદ ચાલુ છે.
જૂનાગઢના ગિરનાર અને દાતાર વિસ્‍તારમાં પણ વરસાદ હોવાના વાવડ છે.
ગિરનાર ખાતે ભારે વરસાદની સાથે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે.
દરમિયાન સવારના ૬ થી બપોરના ૧ર સુધીમાં ભેંસાણમાં ૧પ મીમી, મેંદરડામાં ૧૩ મીમી, અને વિસાવદર ખાતે ર૩ મીમી વરસાદ નોંધાતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થઈ ગયા છે.

 

(12:46 pm IST)