Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ખંભાળિયા ઘી ડેમમાં નાહવા પડેલા તરૂણનું ડૂબી જવાથી કરૂણ મૃત્‍યુ

જામખંભાળીયા તા. ૨ : સોળ વર્ષીય કૃણાલ ગોરડીયા, તેમના મામાના દીકરા કિશન તેમજ ચાર મિત્રોએ અહીંના ઘી ડેમ ખાતે ગયા હતા. ગત સાંજે છ ફૂટ જેટલું પાણી ધરાવતા ઘી ડેમમાં આ ચાર યુવાનો - તરૂણો પૈકી ત્રણ યુવાનો તરી અને ડેમમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા. જ્‍યારે તેમની સાથે પાણીમાં નાહવા માટે ઉતરેલો અત્રે મિલન ચાર રસ્‍તા વિસ્‍તારમાં રહેતો કૃણાલ માલુભાઇ ઉર્ફે માલશીભાઇ ગોરડીયા નામનો ૧૬ વર્ષનો તરૂણ તરતા ન આવડતુ હોવાથી પાણીમાં લાપતા બની ગયો હતો.  આ બનાવ અંગે સ્‍થાનિકો દ્વારા અહીંના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ સ્‍ટાફના જવાનો ઘી ડેમ ખાતે દોડી ગયા હતા અને પાણીમાં ઝંપલાવી સતત ત્રણેક કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ રેસ્‍કયુ ઓપરેશનમાં લાંબી જહેમત બાદ મોડી સાંજે કૃણાલનો નિષ્‍પ્રાણ દેહ સાંપડયો હતો.
દ્વારકા અને કલ્‍યાણપુરમાં જુગાર દરોડામાં છ શખ્‍સો ઝડપાયા
દ્વારકાના આવળપરા વિસ્‍તારમાં સ્‍થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિનોદ ગોદડભાઇ માંગલીયા, કરણ મોમૈયાભાઇ ચાનપા અને શામજી દામજી શુકલ નામના ત્રણ શખ્‍સોને ઝડપી લઇ કુલ રૂા. ૧૦,૨૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.
કલ્‍યાણપુર તાલુકાના રાણ ગામે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા ગોવિંદ માવાભાઇ જાદવ, ભીમા ગોવિંદભાઇ કણજારીયા અને દેવજી પરબતભાઇ જાદવ નામના ત્રણ શખ્‍સોને પોલીસે રૂપિયા ૪,૧૯૦ના મુદ્દામાલ સાજે ઝડપી લીધા હતા.

 

(2:07 pm IST)