Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાળના અમલ માટે

હળવદ હાઇવે ઉપર ટ્રકો અટકાવાયા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨ : ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલ ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ(જેનો માલ એની મજુરી)પદ્ઘતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરતા છેલ્લા અઠવાડિયાથી લોડિંગ ટ્રકોના ટાયર થંભી ગયા છે ત્યારે હડતાલને વધુ અસરકારક બનાવવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોડ ઉતરી આવ્યું છે અને લોડીંગ કરી ટ્રકો પસાર થાય છે તેને અટકાવવામાં આવી રહી છે

હળવદ શહેરમાં આવેલ મોરબી ચોકડી પાસે ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિયન દ્વારા લોડીંગ કરી પસાર થતી ટ્રકોને અટકાવવામાં આવી રહી છે અને જિસકા માલ ઉસકા હમાલ પદ્ઘતિ શરૂ ન થાય ત્યાં સુધી લોડિંગ નહીં કરવા ટ્રક માલિકોને કડક સંદેશો આપવામાં આવી રહ્યો છે.

વધુમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મુન્નાભાઈ, ભરતભાઈ,જીલાભાઈ સહિતના ઓએ જણાવ્યું હતું કે દેશભરના ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ઘતિ અમલ કરવાની જાહેરાત કરી છે પરંતુ આ પદ્ઘતિનો અમલ ન થતા હડતાલનું શસ્ત્ર ઉગામી ગત ૨૬ તારીખથી લોડીંગ અને અને અન લોડીંગ સંપૂર્ણપણે ઠપ કરી હાઇવે ઉપર લોડીંગ ટ્રકોને રોકવાનું શરૂ કરાયું છે અને દરેક ટ્રક માલિકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જયાં સુધી માંગ સંતોષવામાં ન આવે ત્યાં સુધી લોડીંગ પણ કરવામાં ન આવે .વધુમાં એ પણ જણાવ્યું હતું કે અમારી આ હડતાલને વધુ અસરકારક બનાવવા માટે આજથી અન્ય ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પણ અમારી સાથે જોડાવાના છે.

(12:02 pm IST)