Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પોરબંદરઃ કેમીકલયુકત ગંદા પાણીને પ્લાન્ટમાં પ્રોસેસ કર્યા બાદ પણ ઉપયોગમાં લઈ શકાય તેવુ શુદ્ધ પાણી થતુ નથી

દરિયામાં કેમીકલયુકત પાણી નહી છોડવા અંગે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરનારા સામે માછીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈનો રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨ :. કેમીકલ્સયુકત ગંદા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટમાં પ્રોસેસ કર્યા બાદ આ પાણીને ઉપયોગમાં લઈ શકાય તેવુ શુદ્ધ થતું નથી તેમ માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવીને પોરબંદરના દરીયામાં જેતપુર સાડી ઉદ્યોગનું પાણી છોડવા અંગે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરનાર સામે રોષ વ્યકત કર્યો છે.

માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવેલ કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા અને જેતપુર ખાતે આવેલ ઉદ્યોગોના શુદ્ધિકરણ કરાયેલ કેમીકલયુકત ગંદા પાણીને ઊંડા દરીયામાં નિકાલ માટેની ત્રણ પાઈપલાઈનના પ્રોજેકટ જેમા અમદાવાદ, જેતપુર, વડોદરાની ડીપ-સી એકલુઅન્ટ ડીસપોઝલ પ્રોજેકટને વર્ષ ૨૦૨૦-૨૧માં વહીવટી મંજુરી આપવામાં આવે છે તેનો સમસ્ત ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, માછીમાર પિલાણા (હોડી) એસોસીએશન, ઔદ્યોગિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ પર્યાવરણવિદ્દો વગેરે દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે વર્તમાન સમયમાં સોડા એશનો પ્લાન્ટ, વેરાવળ ફેકટરી, કોડીનાર પ્લાન્ટ અને અંકલેશ્વર અને અંકલેશ્વર, ભરૂચ અને વાપીના કેમિકલયુકત પાણીનું પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ધારાધોરણ અને નિયમો મુજબ શુદ્ધિકરણ કરેલ પાણી દરીયામાં ઠાલવવામાં આવે છે છતા આ પાણીની દરીયાઈ જીવસૃષ્ટિ ઉપર ભંયકર માઠી અસર થાય છે અને માછલીની કેચ ઘટતી જાય છે. જેતપુરથી પાઈપલાઈન નાખવામાં આવશે તો જેતપુરના ઔદ્યોગિક વસાહતોના ૧૫૦૦થી વધારે સાડી ઉદ્યોગના યુનિટોની સાથે રાજકોટ સુધીના કેમિકલયુકત પાણી પાઈપલાઈનો જેતપુરની મુખ્ય લાઈનમાં જોડાશે. સાથે અમદાવાદ ખાતેથી લાઈન નાખવાની છે તેમા નરોડા, નારોલ, ઓધવ, વટવા અને દાણીલીમડા જેવા ઔદ્યોગિક વસાહતોના કેમીકલયુકત પાણીને દરીયામાં ઠાલવવામાં આવશે. વડોદરાની પાઈપ લાઈનમાંથી વડોદરા, નંદેસરી અને પાદરા વગેરેના કેમીકલ યુનિટોમાંથી કેમિકલયુકત પાણી ઠાલવવામાં આવશે અને આવનારા ભવિષ્યમાં નવા સ્થાપિત થનારા ઉદ્યોગોનું પાણી આ પાઈપ લાઈનમાં જોડવામાં આવશે.

હાલના વર્તમાન સમયમાં જે ઔદ્યોગિક વસાહતોનું કેમિકલયુકત પાણી દરીયામાં ઠાલવવાથી દરીયાઈ જીવસૃષ્ટિને ભયંકર નુકશાન થઈ રહ્યું છે, જ્યારે ભવિષ્યમાં આ ગંજાવર ઔદ્યોગિક વસાહતોનું કેમિકલયુકત પાણી દરીયામાં ઠાલવવામાં આવશે તો દરીયાઈ જીવસૃષ્ટિની કેવી ભયંકર હાલત થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ વાસ્તવિક હકીકત હોવા છતા ભાજપના યુવા મોરચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રવકતાએ જેતપુરના કેમિકલયુકત પાણી વિષે આપેલા નિવેદનો મુજબ જેતપુરથી પોરબંદરના દરીયામાં ઠાલવવામાં આવનાર પાણી કેમીકલયુકત નહીં પરંતુ સંપૂર્ણપણે પ્રોસેસ કરેલુ પાણી વહાવવામાં આવશે અને આ કાર્યક્રમમાં બુદ્ધિજીવીઓને એવી અપીલ પણ કરવામાં આવી હતી કે આ વિરોધ ગેરવ્યાજબી છે. હકીકતમાં આવા લોકોને માછલી, માછીમાર, મત્સ્યોદ્યોગ, દરીયાઈ જીવસૃષ્ટિ અને દરીયાઈ પર્યાવરણના વિષયમાં સ્નાન-સૂતકનો સંબંધ નથી.

આ વિષયની જાણકારીમાં શૂન્ય હોવા છતા ગેરવ્યાજબી નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી છે, પરંતુ આ કેમીકલયુકત ગંદા પાણીને કોમન એકલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવ્યા પછી પણ તે ખેતી, ઉદ્યોગ કે પીવામાં ઉપયોગ લઈ શકાય તેવુ શુદ્ધ થતુ નથી તે કારણે આ ગંદાપાણીને દરીયામાં નિકાલ કરવાનું આયોજન થઈ રહ્યુ છે. તે દરીયાઈ જીવસૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આમ છતા પણ રાસાયણિક તત્વો યુકત પાણી દરીયામાં નિકાલ કરી ગુજરાતના દરીયાઈ પર્યાવરણને પ્રદુષિત કરી દરીયાના પેતાળમાં રહેલ વનસ્પતિ તથા દરીયાઈ જીવસૃષ્ટિનો નાશ કરવામાં આવશે તો રાજ્યની મત્સ્યોદ્યોગ ભાંગી પડશે. ઉદ્યોગકારો, બેકીંગ અને વ્યાપારી સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે આવા બેજવાબદાર લોકોની વાતો ઉપર ધ્યાન ન આપીને કેમિકલયુકત ગંદા પાણીના વિરોધની લડતમાં માછીમારોનો સાથ આપવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ તેમ મુકેશભાઈ પાંજરી-પ્રમુખ માછીમાર બોટ એસોસીએશન દ્વારા જણાવાયુ છે.

(1:21 pm IST)