Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખંભાળિયામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકા:મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રત્યેક જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૨ થી ૦૭/૦૮/૨૦૨૨ દરમ્યાન નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

ખંભાળિયા એસપી કચેરી ખાતેથી શી ટીમ તથા મહીલા પોલીસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. કલેક્ટર એમ.એ. પંડ્યાએ લીલી ઝંડી બતાવી બાઇક રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. જે રેલીનુ આહીર કન્યા છાત્રાલય ખાતે સમાપન થયુ હતુ. આહીર કન્યા છાત્રાલય ખાતે  મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાશે જેમા સુરક્ષા સેતુ મહિલા ટીમ શારીરિક કૌશલ્યના દાવનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત એસપીશ્રી નિતેશ પાંડે દ્વારા મેન્ટલ હેલ્થ ડીફેન્સ માટેનો પ્રોજેક્ટ સક્ષમ લોન્ચ કર્યો હતો.

આ તકે એસપી નિતેશ પાંડેએ જણાવ્યું કે, હાલમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ, ૧૮૧ અભયમ ટીમ કાર્યરત છે. મહિલાઓની સુરક્ષાની વાત કરીએ ત્યારે સેલ્ફ ડિફેન્સ ખૂબ જ જરૂરી છે. માત્ર શારીરિક સ્વ રક્ષણ જ નહીં પણ માનસિક રીતે પણ સ્વ રક્ષણ જરૂરી છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સક્ષમ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં એસપીએ જણાવ્યું કે, પ્રોજેક્ટ સક્ષમના શાળા - કોલેજમાં સેમિનાર યોજવામાં આવશે. જેમાં માનસિક રીતે સ્વ રક્ષણ કેવી રીતે કરવું તે અંગેની માહિતી આપવામાં આવશે.

  આ તકે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ પ્રોજેકટ સક્ષમ અંગે આહીર કન્યા છાત્રાલય ખાતે બહેનોને માહિતગાર કર્યા હતા. અને પીએસઆઇ ઠાકરીયાએ સી ટીમની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.

આ તકે મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ, એપીપી અલ્પેશ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(9:40 pm IST)