Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જસદણના લઘુમતી વિસ્‍તારોમાં ભાજપની પેજ સમિતિની કામગીરી પૂર્ણ કરાઇ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧: ગુજરાતભરમાં ભાજપ સંગઠન દ્વારા પેજ સમિતિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના ભાગ રૂપે જસદણ શહેરના લઘુમતી મુસ્‍લીમ વિસ્‍તારોમાં રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગ, પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સભ્‍ય ઇલ્‍યાસભાઈ લોહિયા, શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઇલ્‍યાસભાઈ થાનાણી, અલતાફભાઈ શેખ સહિતનાઓ દ્વારા શહેરના મુસ્‍લીમ વિસ્‍તારોમાં ડોર-ટુ-ડોર જઈ પેજ સમિતિની દાખલા રૂપ કામગીરી પૂર્ણ કરી જસદણ શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણીને સુપ્રત કરેલ હતી.

આ અંગે જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે જણાવેલ કે પેજ સમિતિના પ્રણેતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા સમગ્ર રાજયમાં પેજ સમિતિઓ બનાવવા પર ભાર મુક્‍યો છે. અને પેજ સમિતિઓ થકી જ ચૂંટણીઓ સારી રીતે જીતી શકાય છે. જેથી જસદણ લઘુમતી મુસ્‍લીમ વિસ્‍તારોમાં પણ પેજ કમિટીઓની સારી રીતે કામગીરી કરવામાં આવેલ હતી અને મુસ્‍લીમ લોકો દ્વારા બહુજ સારો પ્રતિસાદ મળેલ હતો.

વધુમાં જણાવેલ કે ભાજપ સરકારની અનેક સરકારી યોજનાઓનો લાભ અને વિસ્‍તારમાં વિકાસના કામો થવાથી મુસ્‍લીમ વિસ્‍તારના લોકો પ્રભાવિત થયા છે અને ભાજપ તરફી સારો પ્રભાવ પણ જોવા મળ્‍યો છે. જસદણ ખાતેના મુસ્‍લીમ વિસ્‍તારોમાં લઘુમતી મોરચાના હોદેદારો દ્વારા પેજ સમિતિઓનું કામ પૂર્ણ કરાતા ભાજપના દિગ્‍ગજ આગેવાનોએ આ કામગીરીને બિરદાવેલ હતી. 

(11:58 am IST)