Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લમ્‍પીના ફફડાટ પછી ભૂપેન્‍દ્રભાઇ પટેલ કચ્‍છમાં : લમ્‍પીની સ્‍થિતી જાણીને સમીક્ષા

લમ્‍પી સંદર્ભે કોંગ્રેસ પ્રમુખના ગૌવંશના મોત તેમ જ રસીકરણ બાબતે આક્ષેપો બાદ મુખ્‍યમંત્રી કચ્‍છના પ્રવાસે : કચ્‍છમાં ગૌશાળા,પાંજરાપોળ સંચાલકો, પશુપાલકોમાં લમ્‍પીનો ફફડાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: લમ્‍પીના ફફડાટ પછી ભુપેન્‍દ્રભાઈ પટેલ આજે કચ્‍છની મુલાકાતે આવ્‍યા છે તેઓ લમ્‍પીની સ્‍થિતિ જાણી સમીક્ષા કરશે.

હાલ કચ્‍છ જિલ્લાના ગૌવંશમાં લમ્‍પી સ્‍કિન ડીસીસ LDS નો ભારે ફફડાટ છે. લમ્‍પીગ્રસ્‍ત પશુઓના મોતને પગલે પશુઓની સારવાર તેમ જ સ્‍વસ્‍થ પશુઓના રસીકરણની કામગીરી સામે સતત સવાલો થઈ રહ્યા છે. જોકે, મીડિયામાં હોબાળો મચ્‍યો ત્‍યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીએ બે વખત પત્રકાર પરિષદ બોલાવીને પત્રકારોના સતત સવાલોનો જવાબ આપી પરિસ્‍થિતિ સામે તંત્ર કામગીરી કરતું હોવાનો ખુલાસો તો કર્યો છે. પણ, વાસ્‍તવિકતા ગંભીર છે.

ભુજીયા ડુંગર ઉપર બનતા સ્‍મૃતિ વનની મુલાકાત માટે આવેલા મુખ્‍ય સચિવ પંકજકુમારે પરિસ્‍થિતિની ગંભીરતા જાણી સમીક્ષા કરી સૂચનો આપ્‍યા. જોકે, જિલ્લા કલેકટર પ્રવિણા ડીકે એ હજી સુધી આ બાબતે પત્રકાર પરિષદ બોલાવી નથી. ગઇકાલે ગાંધીનગરથી કલેકટર કચેરીમાં યોજાયેલ વીડિયો કોન્‍ફરન્‍સ બાબતે મીડિયાને જાણ કરાઇ હતી. દરમ્‍યાન આજે હવે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સવારે કચ્‍છ આવી રહ્યા છે. લમ્‍પી સ્‍કિન અંગે જ એમનો પ્રવાસ છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈᅠસવારે ભુજ પહોંચી ભુજમાં લમ્‍પીગ્રસ્‍ત પશુઓ માટે બનાવાયેલ આઇસોલેશન સેન્‍ટર ની મુલાકાત લેશે. ત્‍યારબાદ માધાપર ચોકડી પાસે રસીકરણ કેન્‍દ્રની મુલાકાતે જશે. પછી ભુજમાં કલેકટર કચેરીમાં લમ્‍પી અંગે વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરશે.

દરમ્‍યાન તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કચ્‍છ આવ્‍યા હતા અને કચ્‍છમાં લમ્‍પીના કારણે પશુઓના ખૂબ જ મોટી સંખ્‍યામાં મોત નિપજયા હોવાનો આક્ષેપ કરી રસીકરણ સારવારમાં નિષ્‍ફળતા બાબતે સરકાર અને તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી.

(10:30 am IST)