Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આજે નાગપંચમી કચ્‍છના ઐતિહાસિક એવા ભુજના ભુજીયા ડુંગરે મેળો : રાજ પરિવાર દ્વારા પારંપરિક પુજા વિધિ

ઇ.સ. ૧૭૨૯માં અમદાવાદના સૂબ શેર બુલંદખાને ચડાઇ કરી હતી ત્‍યારે હિંગળાજ જતા નાગા બાવાઓએ વિદેશી આક્રમણ સામે કચ્‍છના લશ્‍કર સાથે મળી યુધ્‍ધ કરી વિજય મેળવ્‍યો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨: આજે નાગપંચમીના દિવસે ભુજના ભુજીયા ડુંગર ઉપર મેળો યોજાશે. ભુજીયા ડુંગર ઉપર કચ્‍છના મહારાવ ગોડજીએ કિલ્લો બનાવવાની શરૂઆત કરી હતી. જે કામ ત્‍યાર બાદના રાજવી મહારાવ દેશળજી પહેલાના સમયમાં પૂરું થયું હતું. ઇ.સ. ૧૭૨૯ માં અમદાવાદ ના સૂબા શેર બુલંદખાને ૫૦ હજાર સૈનિકો સાથે કચ્‍છ રાજય ઉપર ચડાઈ કરી હતી અને રાજધાની ભુજ ઉપર હુમલો કરતાં ભુજીયા ડુંગર ઉપર યુદ્ધ ખેલાયું હતું. ત્‍યારે કચ્‍છના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીના નેજા તળે યુદ્ધ ખેલાયું હતું.

ત્‍યારે જયપુરથી હિંગળાજ (બલુચિસ્‍તાન,પાકિસ્‍તાન) યાત્રા માટે કચ્‍છના રણ રસ્‍તે જતાં ૯૦૦૦ નાગા બાવાઓએ વિદેશી આક્રમણની ખબર મળતા કચ્‍છના લશ્‍કર સાથે મળી શેર બુલંદખાન ને મારી હટાવ્‍યો હતો. કચ્‍છના લશ્‍કરે વિજય મેળવ્‍યો હતો. આ દિવસ નાગપંચમી હોઈ તે સમયે કચ્‍છના રાજા મહારાવ દેશળજીએ શાહી સવારી લઈ ભુજીયા ડુંગરે આવ્‍યા હતાં.

અહીં ભુજંગ દેવ (નાગ દેવતા, ખેતરપાળ)નું પૂજન અર્ચન કરી સેનાપતિઓને વધાવ્‍યા હતા. ત્‍યારથી ભુજીયા ડુંગર ઉપર રાજાશાહીના સમયથી શાહી સવારી જતી હતી અને મેળો યોજાતો હતો. રાજાશાહી બાદ રાજવી પરિવાર દ્વારા દર નાગપંચમીના દિવસે પૂજન અર્ચન કરાઈ રહ્યું છે અને લોકમેળો યોજાય છે.ᅠ આ વરસે પણ રાજવી પરિવાર દ્વારા પારંપરિક પૂજન વિધિ યોજાશે. કોરોના બાદ બે વર્ષ પછી ભુજીયા ડુંગર ઉપર લોકમેળો યોજાશે.

(10:30 am IST)