Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લખતરના ભાથરીયા ગામમાં ૫૦૦ પશુઓને લમ્‍પી વાયરસ પ્રતિકારક રસીકરણ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૨: હાલ સમગ્ર ગુજરાત રાજ્‍ય માંથી પંદર જિલ્લા માં લમ્‍પી વાયરસ ખૂબ ઝડપી ફેલાયો છે. માલધારીઓના પશુ ખાસ કરી ગાય આ રોગનો ભોગ સૌથી વધુ બને છે અને યોગ્‍ય સારવાર ના મળે તો મળત્‍યુ પણ પામે છે. ત્‍યારે લખતર તાલુકાના વણા, ઘણાદ, લખતર સહિતના ગામમાં લમ્‍પી રોગ ધીમે પગલે ફેલાઈ રહ્યો છે. લખતર તાલુકાના જુદાજુદા ગામમાં ૧૦ થી વધારે ગાય વાછરડા લમ્‍પી વાયરસનો ભોગ બની ચુકયા છે. ત્‍યારે લખતર તાલુકાના ભાથરીયા ગામમાં સુરેન્‍દ્રનગર જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા લમ્‍પી રોગ પ્રતિકારક રસીકરણ કરવામાં આવ્‍યું હતું. લખતરના વણા ગામે ૫૦૦ પશુને લમ્‍પી વાયરસની રસી અપાઇ.

લખતર તાલુકાનાં વણા ગામે પશુઓમાં લમ્‍પી વાયરસનાં લક્ષણ જોવા મળ્‍યા બાદ પશુપાલન વિભાગ દ્વારા સર્વે અને રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. વણાના પશુધન નિરીક્ષક ટી.યુ.મલેક, ડેરવાળા ગામના પશુધન નિરીક્ષક જે.વી. પરમાર, તલસાણાના પશુધન નિરીક્ષક એ.જી.સતાપરા, સુરસારગર ડેરીના કર્મચારીઓ વિગેરેની ટીમોએ ઘેરઘેર જઈ સર્વે કરી રસીકરણ કર્યુ હતું. આશરે ૫૦૦ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યુ હતું. સાથે તબેલામાં સ્‍વચ્‍છતા જાળવવા પશુપાલકોને અપીલ કરવામાં આવી હતી. તેમજ લમ્‍પી વાયરસના લક્ષણોથી માહીતગાર કરવામાં આવ્‍યા હતા.

(12:01 pm IST)