Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજ્ય સરકારે સંવેદનશીલતા ગુમાવી બેરોજગાર યુવાનોને આત્મહત્યા કરવી પડે એ શરમજનક બાબત : જીજ્ઞેશ મેવાણી

ગોંડલ તાલુકાના કમરકોટડામાં યુવકે આપઘાત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ સાંત્વના પાઠવીને ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા

ગોંડલ તાલુકાના કમર કોટડા રહેતા યુવાને બેરોજગારીને લઈને હતપ્રત બની કરેલી આત્મહત્યાની ઘટનાના રાજયભર મા ઘેરા પડઘા પડ્યા છે.ધારાસભ્ય જીજ્ઞેશ માવાણી અને રૃત્વીક મકવાણા એ કમરકોટડા દોડી જઇ યુવાનના પરીવારને સાંત્વના આપી રાજય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.કમર કોટડા ગામે ગ્રેજયુએટ થયેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાવીસ વર્ષના યુવાન જયેશભાઇ જીવરાજભાઇ સરવૈયા એ સરકારી નોકરી નહી મળતા નિરાશ બની બે દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

બનાવના ઘેરા પડઘા પડ્યા હોય તેમ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા રૃત્વીક મકવાણા કમર કોટડા દોડી જઇ જયેશભાઇ ના પરીવાર ને સાંત્વના પાઠવી હતી.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બનાવને લઈને રાજયની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે સંવેદનશીલ હોવાનો દાવો કરનારી ભાજપા સરકાર બીનસંવેદનશીલ બની ચુકી છે. લઠ્ઠાકાંડમા સાંઇઠથી વધુ મૃત્યુ થયા એ વિધવા બહેનોના આંસુ લુંછવાની માનવતા પણ સરકારે દાખવી નથી. સરવૈયા પરીવારે તેમના આશાસ્પદ પુત્રને ગુમાવ્યો છે. કાળી મજુરી કરીને યુવાનના માતા-પિતા એ તેને ભણાવ્યો. બીન સચિવાલયની નોકરી યુવાનનુ સ્વપ્ન હતુ. પરંતુ ભાજપા સરકારના ખરાબ અને ભ્રષ્ટાચારી શાસનમા પેપરો લીક થયા. કયારે પરીક્ષા લેવાય, ભરતી થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય કોઈ વિકલ્પ નહી હોવાથી ત્રસ્ત બની જયેશભાઇ સરવૈયા એ આત્મહત્યા કરવા મજબુર થવુ પડ્યુ. મુખ્યમંત્રીએ આ પરીવારની મુલાકાત લેવી જોઈએ, પરંતુ કમભાગ્યે આમ કરવામા સરકારના પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા છે. ગુજરાતનો કોઈ પણ બેરોજગાર યુવાન આવુ પગલુ ના ભરે એ જવાબદારી સરકારની છે. જીજ્ઞેશ મેવાણી એ વધુ મા જણાવ્યુ કે અનેક જગ્યાઓ ભરતી નહી થવાથી ખાલી પડી છે. સરકાર તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરેઙ્ગ તે આશાસ્પદ યુવાન જયેશભાઇને સાચી શ્રધ્ધાજંલી ગણાશે.

કમરકોટડા ગામે સાંત્વના પાઠવવા ગયેલા જીજ્ઞેશ મેવાણી સાથે ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, યતિષભાઈ દેસાઈ, દિનેશભાઈ પાતર સહીત આગેવાનો જોડાયા હતા.

(12:31 pm IST)