Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને ૨૦ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર મશીન અર્પણ કરાયા

 મોરબી : રાજ્‍યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્‍તે મોરબી જિલ્લા પંચાયત ખાતે લીઓલી સીરામીકના માલિક તેમજ દાતા રાઘવજીભાઈ ગડારાની પ્રેરક ઉપસ્‍થિતિમાં ૨૦ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજ્‍યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્‍યું હતું કે, આપણે કોરોનાકાળમાં ઓક્‍સિજનની જરૂરિયાત સમજાઇ છે.  દાતા રાઘવજીભાઈ ગડારા દ્વારા વર્ષોથી સખાવત કરવામાં આવે છે. આ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટરથી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં આરોગ્‍યલક્ષી સુવિધાનું માળખું વધુ સુદ્રઢ બનશે  અગ્રણી રાઘવજીભાઈ ગડારાએ જણાવ્‍યું હતું કે, આ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર મશીનની એમ્‍યુલન્‍સમાં પણ લઇ જઇ શકાય છે જેથી આપાતકાલીન સ્‍થિતિમાં પણ તે ખૂબ ઉપયોગી થશે. બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને લીઓલી સીરામીક દ્વારા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને ફાળવેલા રૂ. ૧.૫ લાખનું એક એવા ૨૦ ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર મશીન લોકાર્પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી જે.એમ.કતિરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગિયા, અગ્રણી  જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, લીઓલી સિરામિકના પ્રમોટર નેલ્‍શન ગડારા તથા ઇઝરાયેલથી આવેલા તેમના પાર્ટનર એરેજ ગોહાર ઉપરાંત સ્‍થાનિક પદાધિકારી/અધિકારીઓ તેમજ વિવિધ ગામના સરપંચ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:17 pm IST)