Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પોરબંદરના બરડા ડુંગરમાં બનાવતા દેશી દારૂથી બોટાદ પંથકની જેમ લઠ્ઠાકાંડ થઇ શકે

રામદેવભાઇ મોઢવાડિયા સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા ગૃહમંત્રીને લેખિત રજુઆત

પોરબંદર, તા. ર : બોટાદ પંથકના કેમીકલ લઠ્ઠાકાંડની જેમ બરડા ડુંગરમાં બેરોકટોક બનાવતા દેશીદારૂથી લઠ્ઠાકાંડ થઇ શકે છે. તેમ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયા સહિત કોંગ્રેસ અગ્રણીઓએ ગૃહમંત્રીને રજુઆતમાં જણાવીને બરડા ડુંગરમાં દારૂ દુષણ સદંતર બંધ કરાવવા માંગણી કરી છે.

કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઇ મેપાભાઇ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયાએ રાજયના ગૃહમંત્રીને લેખિત રજુઆત કરીને જણાવ્‍યું છે કે બરડા ડુંગરમાં દેશી દારૂનું દુષણ ખુબ વધ્‍યું છે. અને બોટાદકાંડ જેવું પોરબંદરમાં થાય નહીં તે માટે પોલીસ અને વનવિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.

પોરબંદરના રાણાબરડા અને દેવભૂમિ દ્વારકાના જામબરડા તરીકે ઓળખાતા આ ડુંગરમાં અનેક જગ્‍યાએ દેશીદારૂનું દુષણ બેફામ બન્‍યુ છે. દારૂના ધંધાર્થીઓએ જયાં જયાં પાણીના ઝરણા વહેતા હોય ત્‍યાં દારૂની ભઠ્ઠીઓ ધમધમાવીને પર્યાવરણને મોટુ નુકશાન પહોંચાડયું છે. ચાલુ વર્ષે પણ સારો વરસાદ થયો છે. તેથી દારૂના દુષણને અટકાવવા માટે વનવિભાગ અને પોલીસે સંયુકત કાર્યવાહી કરવી જરૂરી બની ગઇ છે. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરનું લીલુછમ સૌંદર્ય બુટલેગરો બેફામ પણે લૂંટી રહ્યા છે ત્‍યારે બરડા ડુંગરમાં ધમધતી દેશીદારૂની ભઠ્ઠી અટકાવવા માટે વનવિભાગ અને પોલીસે સાથે મળીને નકકર પગલા લેવા જરૂરી બન્‍યા છે. કેમકે દારૂના ધંધાર્થીઓ માત્ર પોતાના સ્‍વાર્થને ખાતર જ ભઠ્ઠીઓ ધમધમાવીને બરડા ડુંગરની કિંમતી ઔષધીઓ અને મહામુલી વનસ્‍પતિઓનો પણ સોથ વાળી રહ્યા છે. તેમ રજુઆતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ છે.

(1:25 pm IST)