Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

૧૦ લાખ સરકારી નોકરીઓમાં ભરતી, યુવાનોને બેરોજગારી ભથ્થુ મળશે

'આપ'ની સરકારમાં ગુજરાતમાં દરેક વ્યકિત મુખ્યમંત્રી હશે : કેજરીવાલે રાજકોટમાં ૨૫ ફૂટ ઉંચા રૃદ્રાક્ષના શિવલીંગની પૂજા કરી, કહ્યું આટલું સુંદર મંદિર બનાવવા બદલ ઈન્દ્રનિલભાઈને અભિનંદન, નિઃસ્વાર્થ ભાવ સાથે જીવન જીવીને પુણ્ય કમાવો

રાજકોટઃ  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વેરાવળમાં વિશાળ જાહેર સભા ને સંબોધી હતી અને ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપવાનું વચન આપતા આમ આદમી પાર્ટીની બીજી ગેરંટી જાહેર કરી.  કેજરીવાલે એમ પણ કહ્યું કે જો 'આપ'ની સરકાર બનશે તો ૧૦ લાખ સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવશે. અને સરકારી ભરતીમાં ભલામણ અને ભ્રષ્ટાચારને સદંતર નાબૂદ કરીને દરેક યુવાનોને સમાન રોજગારી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ પછી  કેજરીવાલ વેરાવળથી પોરબંદર એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી સાંજે ૬:૩૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળ્યા બાદ સંજય રાજગુરુ કોલેજ પહોંચ્યા હતા. સંજય રાજગુરુ કોલેજમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું.

અરવિંદ કેજરીવાલે રાજકોટ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના દરેક યુવાનોને રોજગારી આપવામાં આવશે. અમે દિલ્હીમાં ૧૨ લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે, તો ગુજરાતમાં પણ રોજગાર આપવામાં આવશે. અને જ્યાં સુધી યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી તેઓને દર મહિને ૩૦૦૦નું બેરોજગારી ભથ્થું મળશે અને ૧૦ લાખ સરકારી નોકરીની ભરતી હાથ ધરાશે. આ ઉપરાંત પેપર લીકની પ્રક્રિયાને રોકવા માટે કડક કાયદો લાવવામાં આવશે અને યોગ્ય સમયે ભરતી કરવામાં આવશે, તેના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવશે.

શિવધામમાં મહાઆરતી બાદ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે શિવજી ના પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં આવવાનો અવસર મળ્યો, તે બદલ હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. આટલું સુંદર મંદિર બનાવવા માટે હું ઇન્દ્રનીલભાઈને અભિનંદન આપવા માંગુ છું. હિન્દૂ ધર્મમાં દાન-પુણ્યનું ખૂબ જ મહત્વ છે, બધા પોતપોતાની રીતે પોતાનું ઘર ચલાવવા માટે કમાણી કરે છે અને તેમાંથી દાન પણ કરે છે. કોઈ મંદિર બનાવે છે તો કોઈ મંદિરમાં દાન કરે છે, કોઈ લોકો માટે પાણીની વ્યવસ્થા કરે છે તો કોઈ ગરીબોના બાળકો માટે સ્કૂલ બનાવે છે, ગરીબોના ઈલાજ માટે સારા હોસ્પિટલો બનાવે છે. આ બધું જ ધર્મનું કામ છે અને પુણ્યનું કામ છે.

આજે અમે દિલ્હીમાં દિલ્હી સરકાર પણ ધર્મ ના હિસાબ થી ચલાવીએ છીએ. જેમ કે, અમને રાજનીતિ કરતા નથી આવડતી, દિલ્હીમાં અમે સ્કૂલ બનાવીએ છીએ ત્યાં જનતાના જ બાળકો ભણે છે એમ અમે સારું શિક્ષણ આપીએ છીએ. અમે હોસ્પિટલ બનાવીએ છીએ ત્યાં સૌનું ઈલાજ થાય છે. અમે દિલ્હીમાં ગરીબો અને અમીરની સારવાર મફત કરી છે. દિલ્હીમાં અમે સરકારી શાળાઓ એટલી અદ્ભુત બનાવી છે કે આજે ગરીબોના બાળકો સરકારી શાળામાં ભણીને આગળ વધે છે, અને આજે તેઓ ડોકટર અને એન્જિનિયર બની રહ્યા છે. આ બધું પુણ્યનું કાર્ય છે. હિન્દુ ધર્મમાં આપણને શીખવવામાં આવ્યું છે કે નિઃસ્વાર્થ ભાવ સાથે જીવન જીવીને પુણ્ય કમાવો. તો અમે એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે દિલ્હીની સરકાર ચલાવી રહ્યા છીએ અને પુણ્ય કાર્ય કરી રહ્યા છીએ.

આ પછી  કેજરીવાલ રાજકોટ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ ફરી તા.૬ના બરોડા અને ૭મી ઓગષ્ટના જામનગર આવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(1:28 pm IST)