Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આયા સાવન ઝૂમ કેઃ હવે ત્રણ મહીના તહેવારોનો સંગમ, જન-મનમાં ઊમંગ

પવિત્ર શ્રાવણ માસ, જન્માષ્ટમી પર્વમાળા, ગણેશોત્સવ, નવરાત્રી અને દિપાવલી સુધી આનંદોત્સવથી વેપાર-ધંધામાં તેજી દેખાશે : સ્વાતંત્ર્ય પર્વએ 'હર ઘર તિરંગા' લહેરાશે તો રક્ષાબંધને હેતના તેડાં અને પર્યૂષણ પર્વ, શ્રાધ્ધમાં પિતૃતર્પણ, મહોર્રમમાં તાજીયાની ભવ્યતા ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમે મેળામાં મહેરામણ મહાલશે :કોરોનાનો ભય રહ્યો નથી અને મેઘમહેર થઈ હોવાથી બે વર્ષ પછી ગુજરાતની ઓળખ એવા તહેવારોની ઉજવણી જામશે

આયા સાવન ઝૂમ કે... વર્ષ ૧૯૬૯ની ફિલ્મનું આ ગીત કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે જનજીવન થાળે પડતાં ઝૂમી ઉઠવાની મનઃસ્થિતિનું ચિત્રણ કરી જાય છે. આ વર્ષે સારી મેદ્યમહેર થઈ છે અને હજૂ વર્ષાઋતુ પૂરી થઈ નથી એટલે 'શ્રીકાર વર્ષ'ના એંધાણ મળી રહ્યાં છે. ફરી વખત ખુશી છવાઈ રહી છે. પરબ્રહ્મ એટલે કે ભગવાન શિવજીના પૂજન, અર્ચનના શ્રાવણ મહિનાની ભકિતભાવથી ઉજવણી થઈ રહી છે. દેવાધિદેવ મહાદેવની કૃપાથી શ્રાવણ માસનો પ્રારંભ જ ખુશીનો માહોલ લઈને આવ્યો છે અને સાર્વત્રિક 'શ્રી' એટલે કે 'શુભ' થવાના એંધાણ મળી રહ્યાં છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો મહીનો કહેવાય છે. શ્રાવણ માસથી તહેવારોની ત્રણ મહીનાની પર્વમાળા શરૃ થઈ ચૂકી છે. શ્રાવણમાં મહાદેવના નામની મોજ છે તે સાથે જ તહેવારોમાં ખુશીની ખોજ છે.  શ્રાવણ માસ પછી ભાદરવો, આસો મહીના સાથે ગુજરાતી વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી તહેવાર જ તહેવાર છે. કોરોનાની ચિંતા ટળી છે અને મેદ્યધારાથી મન-મન મહેંકી રહ્યાં છે ત્યારે આવનારાં દિવસોમાંથી લગભગ ૫૦ દિવસો કોઈને કોઈ તહેવાર છે. હવે તહેવારોના ત્રણ મહિના દરમિયાન જન-મનમાં ઉમંગ છવાઈ જવાનો છે. હર કોઈ વ્યકિત યથાશકિત તહેવારોની ઉજવણી કરશે અને બજારો પણ પૂર્ણરૃપે તેજીની આશા સાથે તહેવારોના આનંદ-ઉમંગને આવકારવા સજજ બની છે.

શ્રાવણમાં શિવમહીમાઃ 'ઁ નમઃ શિવાય'ના

જાપથી મનની શાંતિ

શિવ પરબ્રહ્મ છે. શિવલીંગએ પરબ્રહ્મનું પ્રતિક છે. નિરાકાર શિવતત્વના પ્રતિકરૃપે શિવલીંગ છે. પંચભૂતાત્મક સૃષ્ટિમાં શિવતત્વ સર્વત્ર છે. શિવ ત્રિનેત્ર છે. સામાન્ય માનવી પાસે બે આંખો છે. પ્રથમ નેત્ર એ જ્ઞાનેન્દ્રિયો છે અને બીજું નેત્ર એ બુધ્ધિ છે. શિવજીનું ત્રિજું નેત્ર એ દિવ્યદ્રષ્ટિ છે. શિવ અનંત છે અને અનંતની પરિક્રમા ન થઈ શકે. આથી જ, શિવાલયોમાં અધૂરી પરિક્રમા કરીને શિવના અનંત સ્વરૃપની આમન્યા જાળવી ભગવાન શિવના અનંત સ્વરૃપને સ્મરણમાં રાખવામાં આવે છે. . શિવલિંગ કાળા પથ્થરના જ હોય છે. કાળો રંગ હોવાથી શિવલિંગમાં આપણી આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે. 'ઓમ'માં '', ''અને ''એ ત્રણ અક્ષરોનું સંયોજન થયું છે. '' એટલે બ્રહ્મા, ''એટલે વિષ્ણુ અને '' એટલે શિવ. શ્રાવણમાસમાં શિવમંત્રોનું પણ મહત્વ છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર 'ઁ નમઃ શિવાય' અને મહામૃત્યુંજય મંત્રનું અનેરૃં મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે.

શ્રાવણ મહિનામાં મહોર્રમ,

રક્ષાબંધન, જન્માષ્ટમી અને પર્યૂષણ પર્વ

શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો છે. અષાઢ મહિનામાં મેઘધારા સાથે ધર્માલયોમાં હીંડોળા ઉત્સવ વચ્ચે તા. ૨૯ જુલાઈથી શ્રાવણ મહિનો શરૃ થયો તે સાથે જ શિવાલયોમાં ભકતોની ભીડ ઉમટી રહી છે. તા. ૨૭ ઓગષ્ટે શ્રાવણ માસ પૂરો થશે ત્યાં સુધી તહેવારો જ તહેવારો છે. આગામી તા.૯ના રોજ મહોર્રમ નિમિત્તે તાજીયાના જૂલુસ નીકળશે. કરબલામાં હજરત ઈમામ હુસેન અને અન્ય શહીદોની સ્મૃતિમાં મુસ્લિમ બિરાદરો ઉપવાસ રાખે છે. હજરત ઈમામ હુસેનની યાદમાં બનાવેલા કલાત્મક તાજીયા સાથેના જુલુસ તા. ૯ના રોજ નીકળશે. બે દિવસ પછી તા. ૧૧ના રોજ રક્ષાબંધનની ઉજવણી ઘર-ઘરમાં કરાશે. ભાઈ-બહેનની લાગણીના અતૂટ બંધનના પર્વની ઉજવણીએ દરેક મનમાં અનેરો અવર્ણનિય આનંદ છવાય છે. તા. ૧૬ ઓગષ્ટને નાગપંચમીથી જન્માષ્ટમી પર્વમાળા શરૃ થશે. કોરોનાના કારણે બે વર્ષ સુધી મેળા અને જન્માષ્ટમીની ચમક ફિક્કી પડી હતી. આ વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેળાની મોસમ સાથે મન-પાંચમના મેળામાં મોજ છવાઈ જશે. તા. ૧૬ થી ૧૯, ચાર દિવસ સુધી લોકો હરી-ફરીને આનંદ જ આનંદ કરશે. તા. ૧૬ના રોજ પતેતી પર્વએ પારસી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. તા. ૨૩ ઓગષ્ટથી પર્યૂષણ પર્વનો આરંભ થશે. પર્યૂષણ પર્વએ આત્મશુધ્ધિ અને સ્વયંજાગૃતિનું પર્વ છે. તા.૧ સપ્ટેમ્બરે સંવત્સરી ઉજવાશે. 'મિચ્છામી દુક્કડમ' કહીને લોકો એક-બીજાને જાણ્યે-અજાણ્યે થયેલા દુઃખ, ભૂલો માટે ક્ષમાપના માગે છે.

 ૧૩ થી ૧૫ ઓગષ્ટ... હર ઘર તિરંગાઃ

રાષ્ટ્રભાવના જગાવવાનો ઉત્સવ

રક્ષાબંધનની ઉજવણી સાથે જ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ૧૩ ઓગષ્ટથી હર દ્યર તિરંગા અભિયાન સાથે શરૃ થઈ જશે. દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ઓગષ્ટે આન, બાન અને શાનથી ભારતની આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ૭૫મો સ્વતંત્રતા દિવસ હોવાથી ભારત સરકારે વિશેષ ઉજવણીના ભાગરૃપે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. વિવિધામાં એકતાના મંત્રને વરેલા આપણા દેશમાં રાષ્ટ્રભાવના જગાવવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર ૭૫મો સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક પૂરી પાડી રહી છે. જે નાગરિકો તેમના ઘરે તિરંગા ફરકાવવા ઈચ્છે છે તેઓ હવે નોંધણી કરાવી શકે છે અને તેના માટે તેમની ઓળખ મેળવી શકે છે. સરકારે આ માટે એક વિશેષ પોર્ટલ શરૃ કર્યું છે. નાગરિકોએ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર ધ્વજ પિન કરવો પડશે. ધ્વજને પિન કરનાર નાગરિકો રાષ્ટ્રધ્વજ, તિરંગા અથવા ત્રિરંગો ફરકાવવા માટે પ્રમાણપત્ર મેળવશે. હર ઘર તિરંગા અભિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને તેની શરૃઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની શરૃઆત ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ થશે. આ અભિયાન ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધી ચાલુ રહેશે.

ભાદરવો એટલે મનની શુધ્ધિનો

મહિનોઃ ગણેશોત્સવ, અંબાજી મેળો અને શ્રાધ્ધ

હવા, ઝાડ, પાન અને પૃથ્વીને શ્રાવણના વરસાદથી પોતાનો બધો જ કચરો કાઢી સંતૃપ્ત થઈને નવપલ્લવિત થઈ ગયાંનો અહેસાસ થાય છે. ભાદરવામાં પ્રકૃતિ પણ પોતાની સાથે માણસને પણ તેના વાતાવરણ સાથે તાલ મિલાવી જુદા જુદા તહેવારો દ્વારા તેના પોતાના મનને શુધ્ધ કરવાનું સૂચવી જાય છે. તા.૨૮ ઓગષ્ટથી ભાદરવા મહીનાનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ ચોથ, તા.૩૧ ઓગષ્ટ એટલે કે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. અનંત ચૌદસ સુધીના દસ દિવસ સુધી વિઘ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી આનંદોત્સવ ઉજવવામાં આવે છે. મંગલમૂર્તિ દેવ ગણેશજી સમક્ષ વર્ષમાં થયેલી ભૂલોને માફ કરવાની પ્રાર્થના કરી નવા વર્ષ માટે મંગલ આશિર્વાદ માગવામાં આવે છે. બે વર્ષ પછી આ વર્ષે ગણેશોત્સવ રંગેચંગે ઉજવાશે. સરકારે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અંગેના નિયમો હળવા બનાવ્યાં છે ત્યારે 'શ્રી'ના ભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે. તા. ૯ સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પા મોરિયા...ના નાદ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવશે. તા.૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન શકિતપીઠ મા અંબાજીના સાનિધ્યમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે. કોરોનાના કારણે બે વર્ષ પછી યોજાઈ રહેલા મેળામાં લાખો ભાવિકો ઉમટી પડશે તે માટે તંત્રએ તૈયારી શરૃ કરી છે. તા. ૧૦ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન શ્રાધ્ધ પક્ષ હોવાથી પિતૃતર્પણ કરવામાં આવશે. પોતાના નજીકના સ્વજનને તિથિ પ્રમાણેયાદ કરી પોતાની કોઈપણ ભૂલ, ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા માગી મનની શુધ્ધિ કરવામાં આવે છે.

આસોમાં આદ્યશકિતની આરાધના

અને દિપાવલી પર્વનો આનંદ

ગુજરાત, ગુજરાતી અને ગરબા... એકબીજાના પર્યાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ફિકકો જણાતો નવરાત્રી ઉત્સવ આ વર્ષે મનના ઉમંગ અને તનના જોશ સાથે ઉજવાશે. શારદીય નવરાત્રીમાં આદ્યશકિતની આરાધનાથી માતાજીના મંદિરો ઉપરાંત ગરબીના આયોજનોથી શેરી, ગલી અને મોટા આયોજનોથી મેદાનો દાંડિયા રાસ, ગરબાના આયોજનોથી ગુંજી ઉઠશે. તા.૨૬ સપ્ટેમ્બરથી તા.૫ ઓકટોબર સુધી ગરબા, ગરબી અને દાંડિયા રાસના આયોજનોમાં થિરકવા બાલિકાઓ, આબાલ-વૃધ્ધ, સ્ત્રી-પુરૃષ અને યુવા હૈયાં થનગની રહ્યાં છે. તા.૯ ઓકટોબરે શરદપૂર્ણિમાએ ચંદ્રમા મનને ઠંડક આપતી શિતળતા રેલાવશે. નવરાત્રીનો આનંદ હજૂ ઓસર્યો નહીં હોય ત્યાં દિપાવલી પર્વમાળાની તૈયારી શરૃ થઈ જશે. દસ જ દિવસ પછી તા. ૨૧ ઓકટોબરે વાદ્યબારસ સાથે જ દિવાળીની ઉજવણી થશે. તા.૨૨ના ધનપૂજન, તા. ૨૩ના રૃપચૌદસ, તા.૨૪ના પ્રકાશપર્વ દિપાવલી સાથે જ આસો માસ અને ગુજરાતી વર્ષનું સમાપન થશે. તા.૨૫ના પડતર દિવસ એટલે કે ધોકો છે. તા.૨૬ ઓકટોબરને કારતક માસના પ્રારંભ સાથે ગુજરાતી નવા વર્ષનો પ્રારંભ થશે.

અષાઢમાં આનંદદાયક વરસાદ પછી શ્રાવણ માસમાં શિવભકિતની હેલી વચ્ચે મેઘમલ્હારથી અન્ય સંકટ ધોવાઈ જશે. શિવમહિમાના શ્રાવણ માસ સાથે જ ધર્મ, ભકિત અને આનંદના ઓચ્છવના ત્રણ મહીના શરૃ ચૂકયાં છે. કોરોનાના બે વર્ષ પછી કળ વળતાં બેઠી થયેલી બજારોમાં આ વર્ષે ખરીદીનો સંચાર જોવા મળશે. આ વર્ષે કપડાં, સુશોભનો, રંગ-રોગાન, વાહનો અને સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી ઉપરાંત રિઅલ એસ્ટેટમાં તેજી આવશે અને તહેવારોના ત્રણ મહિના અર્થતંત્રને ફરી તેજ ગતિએ દોડતું કરનારાં બની રહેશે. આ વર્ષે તહેવારો જન-મનમાં એવો ઉમંગ રેલાવશે કે બજારમાં તેજીના તરંગનું મેઘધનૂષ ફરી છવાઈ જશે.(૩૦.૧૧)

સંકલનઃ હેમાંગિની ભાવસાર,

અમદાવા, મો.૯૯૭૯૨ ૨૮૦૨૯

(3:25 pm IST)