Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાવનગર જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી સ્કીન ડિઝિસ બાબતે તંત્ર સજ્જ

જિલ્લાના ૭,૬૦,૬૨૧ માંથી અસરગ્રસ્ત જણાયેલ વિસ્તારના ૫૧,૯૦૦ પશુઓનું રસીકરણ કરાયું : જિલ્લાના ૮૦ ગામમાં ૪૮૫ પશુઓ અસરગ્રસ્ત થયાં છે જેમાંથી ૨૩ પશુઓના મૃત્યુ થયાં

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: સમગ્ર રાજ્યમાં ફેલાયેલાં લમ્પી સ્કીન ડિઝિસને લઇને પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. ભાવનગર જિલ્લામાં આ કેસનો પ્રથમ કેસ નોંધાતાં જ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આ અંગેની તાકીદની બેઠક બોલાવીને તુરંત અસરગ્રસ્ત ગામોમાં વ્યાપક રસીકરણની સૂચના આપી હતી.
ભાવનગરના ગારીયાધાર અને ઉમરાળા તાલુકામાં લમ્પીના કેસ જોવાં મળતાં આ તાલુકાઓમાં કોલ મળે તુરંત અસરગ્રસ્ત પશુની સારવાર અને તેની આસપાસમાં રહેલાં પશુઓને તેનાથી દૂર લઇ જવાં, વધુ પશુઓને રાખવાના સ્થળો અને પાંજરાપોળોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવાં માટે દવાનો છંટકાવ, પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવાં જેવી સૂચનાઓ અને પગલાઓ લેવામાં આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં જિલ્લાના ૭,૬૦,૬૨૧ પશુઓમાંથી અસરગ્રસ્ત જણાયેલ વિસ્તારના ૫૧,૯૦૦ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં ભાવનગરમાં ૧,૯૩૭, તળાજામાં ૫,૦૪૧,  ઘોઘામાં ૩,૦૮૮, મહુવામાં ૧,૬૨૬, જેસરમાં ૨,૮૬૯, પાલીતાણામાં ૯,૬૯૭, સિહોરમાં ૧૧,૩૫૪, ઉમરાળામાં ૬,૦૧૭, વલ્લભીપુરમાં ૪,૦૭૧, અને ગારીયાધારમાં ૬,૨૦૦ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ૨,૨૬,૪૦૭ પશુઓ, ૨,૯૧,૯૩૦ ભેંસ, ૧,૩૧,૧૫૧ ઘેટાં, ૧,૧૦૧,૧૦,૧૩૩ બકરી સહિતનું કુલ-૭,૬૦,૬૨૧ પશુધન છે.
જેમાંથી પશુપાલન વિભાગ દ્વારા ૨૦ હજાર, સર્વોત્તમ ડેરી દ્વારા ૧.૫૦ લાખ અને અન્ય ૫ હજાર મળી કુલ- ૧,૭૫,૦૦૦ ડોઝ જિલ્લામાં ઉપલબ્ધ છે. હજુ પણ જિલ્લામાં ૧,૨૩,૧૦૦ રસીના ડોઝ પડ્યાં છે અને રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાત મુજબ ડોઝ ફાળવવામાં આવી રહ્યાં છે.
જિલ્લાના તળાજામાં ૩, ઘોઘામાં ૨, પાલીતાણામાં ૧૧, સિહોરમાં ૯, ઉમરાળામાં ૧૭, વલ્લભીપુરમાં ૧૪ અને ગારીયાધારમાં ૨૪ એમ ૮૦ ગામોમાં આ રોગની અસર જોવાં મળી છે.જેમાંથી તળાજામાં ૧૪, પાલીતાણામાં ૨૨, સિહોરમાં ૩૮, ઉમરાળામાં ૨૧૧,  વલ્લભીપુરમાં ૩૨ અને ગારીયાધારમાં ૧૬૬ સાથે કુલ- ૪૮૫ પશુઓ અસરગ્રસ્ત થયાં છે.
આ તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી ૨૩ પશુઓના મૃત્યુ થયાં છે. જિલ્લાના વધુ અસર પામેલાં ઉમરાળા અને ગારીયાધાર તાલુકાઓમાં રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલું છે
જિલ્લામાં લમ્પી વાયરસથી કોઇ પશુ અસરગ્રસ્ત જણાય તો તાલુકા કક્ષાએ આવેલાં પશુ દવાખાના, પશુઓ માટેના હેલ્પલાઇન-૧૦૬૨ કે ૧૦ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના, પશુ ધન નિરીક્ષક કે ડેરીના પ્રતિનિધિઓનો સંપર્ક સાધવાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ બાબતે આજે સવારે રાજ્યમાં લમ્પી સ્કીન ડિઝિસના જ્યાં સૌથી વધુ કેસ જોવાં મળ્યાં છે એવાં કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેવી જ રીતે ભાવનગરમાં પ્રભારી સચિવ સોનલ મિશ્રાએ જિલ્લા અમલીકરણ સમિતીના સભ્યો સાથે બેઠક કરીને ભાવનગર જિલ્લામાં આ રોગને ઉગતો જ ડામી દેવાં માટેના અસરકારક પગલાં અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ વિશે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા છે.

(7:04 pm IST)