Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લમ્પી સ્કિન ડિસિઝ: ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૬૦૦ કરતાં વધારે પશુઓની રસીકરણ કામગીરી પૂર્ણ

પશુઓમાં રોગ વધુ પ્રસરતો અટકે તે માટે વધી રસીકરણની ઝડપ, ૯૫ ગામોને આવરી લેવાયાં

પ્રભાસ પાટણ :  જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કિન ડિસિઝ (ગઠ્ઠેદાર ચામડી)ના રોગ દેખા દીધી છે. આ રોગ સામાન્ય રીતે દુધાળા પશુઓમાં થતો રોગ છે. જેથી આ રોગ મુખ્યત્વે દૂધાળા પશુઓ જેવા કે, ગાય અને ભેંસમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૬૦૦ કરતાં વધારે પશુઓની રસીકરણ કામગીરી કરવામાં આવી છે. વેક્સીનેશન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના કુલ ૯૫ ગામોને આવરી લેવાયાં છે

નોંધનીય છે કે, આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાતો જોવા મળે છે. જિલ્લામાં સુત્રાપાડા, વેરાવળ, તાલાળા, ગીર ગઢડા, કોડીનાર અને ઉના તમામ તાલુકા દીઠ બે ટીમ એમ કુલ ૧૨ ટીમ કાર્યરત છે. જે ગૌશાળા તેમજ રખડતા પશુઓમાં વેક્સીનેશનની કામગીરી કરી રહી છે. ઉપરાંત જિલ્લાના બોર્ડર ગામમાં વેક્સિનેશન કામગીરી પૂર્ણ થયેલ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૩ પશુઓમાં લમ્પી ડિસીઝ જોવા મળ્યો છે અને દૂધાળા પશુઓમાં આ રોગનું પ્રસરણ વધું ફેલાતું અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ રીંગ વેકસીનેશન કરી રહી છે. જે અંતર્ગત અસરગ્રસ્ત ગામની આજુબાજુ વેક્સીનેશન વધારી દેવામાં આવ્યું છે. જ્યારે જિલ્લાની દરેક ગૌશાળામાં વેક્સીનેશન કામગીરી પૂર્ણ થયેલ છે

(10:57 pm IST)