Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જિલ્લામાં લમ્પી વાયરસના કેસ વધતા પ્રભારી સચિવ મોરબી દોડી આવ્યા

15મી સુધીમાં તમામ પશુઓનું રસીકરણ કરવાનો પ્રભારી સચિવનો આદેશ : મંગળવારે 21 પશુઓના મોત: નવા 249 કેસ નોંધાયા.

 મોરબી જિલ્લામાં લમ્પી વાયરસના કેસો વધતા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ તાકીદની બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં તેઓએ 15મી સુધીમા તમામ પશુઓના રસીકરણનો પણ આદેશ આપ્યો હતો.
આ તકે પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા એવું નક્કર આયોજન કરવામાં આવે કે, જિલ્લાના સંબંધિત તમામ પશુધનને ૧૫મી ઓગસ્ટ સુધીમાં રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે.રસીનું વેસ્ટેજ ન થાય તે બાબત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, દરરોજના ૨૦૦ થી વધુ પશુઓને એક ટીમ દ્વારા રસી આપવામાં આવે તેવી સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે જરૂરી છે. જિલ્લામાં મયુર ડેરી તેમજ ગોપાલ ડેરી દ્વારા પણ પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિગતો મેળવી પશુપાલન વિભાગને તેનું મોનીટરીંગ કરવા પણ સૂચન કર્યું હતું.
હાલમાં અન્ય જિલ્લાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બાબતને વધુ ગંભીતાપૂર્વક લેવા પણ તેમણે તાકીદ કરી હતી. ઉપરાંત પશુપાલન વિભાગના હાલના મહેકમ તેમજ મંજૂર મહેકમની વિગતો મેળવી સબંધિત સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઇશિતાબેન મેર, નાયબ પશુપાલન નિયામક કટારા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ આજના કેસો ઉપર નજર કરીએ તો આજે નવા 249 કેસ નોંધાયા હતા.જેથી કુલ કેસનો આંક 1375એ પહોંચ્યો છે. જ્યારે આજના મોત 21 થયા છે. કુલ મોતનો આંક 124 થયો છે. બીજી બાજુ આજનું રસીકરણ 3193 થયું છે. રસીકરણમાં કુલ 56063 પશુઓને આવરી લેવામા આવ્યા છે

(11:16 pm IST)