Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી તાલુકા પંચાયત ખાતે લમ્પી વાયરસના 6400 ડોઝ ફાળવવામાં આવ્યા

મોરબી તાલુકા પંચાયત ખાતે આજે લમ્પી વાયરસના 6400 ડોઝ ફાળવવામાં આવ્યા છે .જેમાં તાલુકા પંચાયતના સભ્યો તથા વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવ,ર સામાન્ય ન્યાય સભાના ચેરમેન હંસાબેન સોલંકી, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, ભાજપ અગ્રણી વિક્રમસિંહ ઝાલા , તાલુકા પંચાયતના સદસ્ય સોલંકી લાલજીભાઈ મૂળજીભાઈ, ટીડીઓ મોરબી દીપાબેન કોટક, હિસાબનીશ અધિકારી સાવનભાઈ રાજપર, એટીડીઓ મોરબી વિપુલભાઈ જીવાણી અને પશુપાલન નિયામક ડોક્ટર કે આર કટારા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગનું પ્રમાણ મોરબીના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જેથી આ નવા રોગનો જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે માટે જરૂરી પગલાં લેવા આવશ્યક બની જાય છે.
આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ ત્વચાનો રોગ ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, યોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, પ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવું, રસી ન મૂકેલી તેવા મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવા જરૂરી છે.પશુમાં લમ્પી સ્કિન ડીસીઝના લક્ષણો જણાય તો તરત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નંબરનો કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી કટારા દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરાઈ છે.

(11:57 pm IST)