Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જસદણની ૧પ લાખની હિરા લૂંટમાં એક વર્ષથી નાસતો ફરતો અજય મેર પકડાયો

ચોટીલાના કાળાસર ગામ પાસેથી રાજકોટ રેન્જની ટીમે દબોચી લીધો

રાજકોટ તા. રઃ જસદણની ૧પ લાખની હિરા લુંટમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોટીલા પંથકમાંથી રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જમાં પેરોલ-ફર્લો વચગાળાના જામીન તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને ઝડપી લેવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સુચના અન્વયે આર. આર. સેલની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જસદણ પોલીસ મથકના ૧પ લાખના હિરા લુંટના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા નજીકના નાના મોલડી પો. સ્ટે. વિસ્તારના કાળાસર ગામ પાસે આવેલ હિંગળાજી માતાજીના મંદિર પાસે આવ્યો હોવાની બાતમી મળતા આર. આર. સેલના એ.એસ.આઇ. જયદીપભાઇ અનડકટ તથા વિપુલ ગોહેલએ વોચ ગોઠવી આરોપી અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર રે. મુળ નાળીયેરી તા. ચોટીલા હાલ રે. ચોટીલાને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીનો કોવીડ ટેસ્ટની તપાસણી માટે જરૂરી કાર્યવાહી કરવા નાની મોલડી પો. સ્ટે. ખાતે સોંપી આપી જસદણ પોલીસ મથકને જાણ કરાઇ હતી.

(11:49 am IST)