Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભાવનગરમાં કોરોના ઝડપ યથાવત : ૪૬ કેસ : કેશોદના પૂર્વસૈનિક લડાઇ હારી ગયા

કચ્છમાં પણ કહેર જારી , વધુ ૨૬ કેસ : મોરબી જીલ્લામાં ૧૪ કેસ સામે ૨૪ને રજા અપાઇઃ માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર સંક્રમિત : રમેશભાઇ રાવલીયાનું ૧૫ દી'ની સારવાર બાદ મોત

રાજકોટ,તા. ૨: કોરોનાની ગતિ અટકાવવાનું નામ લેતી ન હોવા આજે ભાવનગરમાં કેસ વધ્યા છે. તો કચ્છ -મોરબીમાં કહેર યથાવત રહ્યો છે. તેમાં પણ કેશોદના માજી સૈનિક કોરોના સામેની લડાઇ હારી ગયા છે. જે અહેવાલ અહીં રજુ છે.

ભાવનગર

ભાવનગરઃ કોરોનાની ઝડપ ભાવનગર શહેર-જિલ્લામાં યથાવત રહી છે .ભાવનગર જિલ્લામા વધુ ૪૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૨૩૦ થવા પામી છે. જેમાં  શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, મહુવા તાલુકાના મોણપર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૩, ઉમરાળા ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૨ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ.

મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૫ એમ કુલ ૨૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા  રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૨૩૦ કેસ પૈકી હાલ ૪૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૭૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૬ દર્દીઓના અવસાન થયેલ છે.

કચ્છમાં કુલ આંકડો ૨૧૫૬

ભુજઃ  કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વરતાઈ રહ્યો છે. દરરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો, એકિટ્વ દર્દીઓ વધ્યા છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાના નવા ૨૬ કેસ નોધાયા છે. જયારે એકિટવ દર્દીઓ વધીને ૩૮૩ થયા છે. સાજા થનાર દર્દીઓ ૧૬૬૬ છે. સરકારી ચોપડે મોતની સંખ્યા ૬૫ છે. જયારે બિનસત્ત્।ાવાર મોતની સંખ્યા ૧૦૭ થાય છે. કચ્છમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ તેમ જ મોતની સંખ્યા વિશે વહિવટીતંત્ર સામે આંકડાઓની લુકાછૂપી વિશે મીડીયામાં આવતા અહેવાલો પછી પણ ચુંટાયેલા નેતાઓ મૌન હોઇ કોરોનાના ફફડાટ વચ્ચે લોકોમાં સરકાર સામે અસંતોષ વ્યકત કરાઈ રહ્યો છે.

કેશોદના ફૌજીનું કોરોનાની મોત

કેશોદઃ કેશોદમાં રહેતા રમેશભાઇ ગેલાભાઇ રાવલીયા પૂર્વ સૈનિક દેશના દુશ્મનો સામે બહાદુરીપુર્વક જંગ લડીને દુશ્મનોનો ખાત્મો બોલાવનાર દેશના જાંબાજ પુર્વ સૈનિક કોરોના સામેની લડાઈમા હારી જવાની હ્રદયદ્રાવક ઘટના કેશોદમાં બની છે.

દેશના જવાનો સામે બહાદુરીપુર્વક જંગ લ઼ડીને દેશના દુશ્મનોનો બહાદુરીપુર્વક ખાત્મો બોલાવનાર રમેશભાઈ ગેલાભાઈ રાવલીયા સૈન્યમાં ફરજ પુરી કરીને વયનિવૃત્ત્। થયા હતા.પત્નિ અને બે પુત્ર સાથે રમેશ રાવલીયા સુખેથી જીવન વિતાવતા હતા.કમનશીબે કોરોનાએ ટાર્ગેટ બનાવ્યા હતા.કોરોના પિડિત રાવલીયાને સારવાર માટે રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.સતત ૧૫ દિવસ સુધી રાવલીયાને બહાદુરીપુર્વક કોરોના સામે જંગ લડ્યા હતા.કમનશીબે રમેશ રાવલીયા ૦૧-૧૦-૨૦૨૦ના રોજ ઢળતી સાંજે કોરોના સામેનો જંગ હારી ગયા છે.રમેશ રાવલીયાનું હોસ્પિટલમાં જીવલેણ કોરોના સામેની લડાઈમાં કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

દેશની રક્ષા કાજે જાનની બાજજી લગાવનાર વીર બહાદુર પુર્વ સૈનિક રમેશ રાવલીયાના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તેમના સગા સંબંધીઓ,મિત્રો સહિતના હજારો લોકોની આંખો અશ્રુભિની થઈ ગઈ હતી.પરિવાર મિત્ર વર્તુળ સહિત સગા સંબંધીઓ તમામ લોકો ચોંધાર આંસુંએ રડી પડ્યા હતા.

મોરબી

મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસોનો આંક ઘટી રહ્યો છે તો સામે રીકવરી રેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં આજે નવા ૧૯ કેસો નોંધાયા છે જેની સામે ૨૪ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૫ કેસમાં ૦૫ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં, હળવદમાં ૦૨ કેસમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, જયારે માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને ૧૯ કેસ નોંધાયા છે જયારે ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

 નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૭૩૨ થયો છે જેમાં ૨૩૦ એકટીવ કેસ છે અને ૧૪૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબીમાં કોરોના કેસો દ્યટી રહ્યા હોય અને સામે રીકવરી રેટ વધી રહ્યો હોય તેવું ચિત્ર દર્શાવવા પ્રયાસ કરવામાં આવે છે કે ખરેખર કોરોના કેસો ઘટી રહ્યા છે તેવી ચર્ચા પણ જોવા મળે છે.

અમૃતિયા સંક્રમિત

મોરબીઃ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ હાલ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.જેને પગલે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોના પ્રશ્ને સતત કાર્યરત રહેતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,તેના પત્ની અને પુત્રનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અમૃતિયાએ જણાવ્યું છે કે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંગત કાળજી લઈને ડોકટર્સની ટીમ પણ મોકલી આપી હતી. જે નિયમિત ચેકઅપ કરે છે. છેલ્લા થોડા દિવસોમાં જે કોઈ વ્યકિત સંપર્કમાં આવ્યા હોય તેઓને કોરોના ટેસ્ટ કરાવવા તથા હોમ કવોરન્ટાઇન થવાની અપીલ છે.

(11:27 am IST)